વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ: સૌરાષ્ટ્ર–કચ્છ માટે વિકાસ, રોકાણ અને રોજગારનો ત્રિવેણી સંગમ

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ: સૌરાષ્ટ્ર–કચ્છ માટે વિકાસ, રોકાણ અને રોજગારનો ત્રિવેણી સંગમ

ગુજરાત સરકારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળ પરંપરાને વધુ વ્યાપક અને પ્રાદેશિક સ્તરે અસરકારક બનાવવા માટે રાજ્યના વિવિધ ઝોનમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન શરૂ કર્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ દરેક પ્રદેશની આગવી ક્ષમતાને ઉજાગર કરી, ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો અને વૈશ્વિક સ્તરે ગુજરાતની આર્થિક મજબૂતીને વધુ મજબૂત બનાવવાનો છે. આ જ ક્રમમાં સૌરાષ્ટ્ર–કચ્છ વિસ્તાર માટેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન આગામી 11 અને 12 જાન્યુઆરી, 2026ના રોજ રાજકોટ ખાતે થવા જઈ રહ્યું છે, જે આ વિસ્તારના વિકાસ માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.

વિકસિત ભારત @2047ના વિઝન સાથે સુસંગત આ કોન્ફરન્સ, વાઇબ્રન્ટ ગુજરાત સમિટની વારસાને આગળ વધારતી પહેલ છે. રાજકોટ હવે માત્ર ઔદ્યોગિક શહેર નહીં પરંતુ વૈશ્વિક સ્તરે રોકાણ અને નવીનતાનું મંચ બનવા જઈ રહ્યું છે. મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાનારી આ કોન્ફરન્સનો ભવ્ય શુભારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવશે. આ રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર–કચ્છના કુલ 12 જિલ્લાઓને આવરી લેશે અને ઉદ્યોગ, નવીનતા, રોકાણ તથા વૈશ્વિક સહયોગના નવા દ્વાર ખુલશે.

આ દ્વિ-દિવસિય કોન્ફરન્સમાં દેશ-વિદેશના પ્રતિનિધિઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને સ્થાનિક ઉદ્યોગો વચ્ચે સંવાદનો સેતુ રચાશે. કોન્ફરન્સ દરમિયાન બિઝનેસ ટુ બિઝનેસ મીટ, વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, રિવર્સ બાયર-સેલર મીટ તેમજ વિવિધ વિષયો પર વિશેષ સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું છે. જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા અને રિપબ્લિક ઓફ રવાન્ડા જેવા દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે, જ્યારે 13થી વધુ આંતરરાષ્ટ્રીય ટ્રેડ ઓર્ગેનાઈઝેશનોની ભાગીદારી પણ નોંધપાત્ર છે. ભારત સહિત કુલ 23 દેશોમાંથી રજીસ્ટ્રેશન મળ્યાં છે.

કોન્ફરન્સ અંતર્ગત ફિશરીઝ, ગ્રીન સ્ટાર્ટઅપ્સ, સિરામિક, ટેક્સટાઇલ, એગ્રીકલ્ચર, એ.આઇ., ગ્રીન હાઇડ્રોજન, વિન્ડ એનર્જી, જેમ્સ એન્ડ જ્વેલરી, પાવર સેક્ટરમાં સાયબર સિક્યુરિટી તથા પ્રવાસન જેવા ક્ષેત્રોમાં વિશેષ સેમિનારો યોજાશે. નિષ્ણાતો દ્વારા નવી ટેક્નોલોજી, સરકારની યોજનાઓ અને રોકાણની તકો અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમિનારો ખેડૂતો, ઉદ્યોગસાહસિકો અને યુવાનો માટે નવી દિશા અને પ્રેરણાસ્રોત સાબિત થશે.

ફિશરીઝ અને કૃષિ ક્ષેત્ર માટે યોજાનારા સેમિનારોમાં આધુનિક ટેક્નોલોજી, મૂલ્યવર્ધન, નિકાસની તકો, નેચરલ ફાર્મિંગ, ડ્રિપ ઇરિગેશન અને એગ્રી-સ્ટાર્ટઅપ્સ પર વિશેષ ચર્ચા થશે. પ્રવાસન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર–કચ્છના હેરિટેજ, ઇકો-ટુરિઝમ, ધાર્મિક તથા દરિયાઇ પ્રવાસનની વૈશ્વિક સંભાવનાઓને પ્રસ્તુત કરવામાં આવશે, જે સ્થાનિક રોજગાર અને અર્થતંત્રને ગતિ આપશે.

કોન્ફરન્સ સાથે જોડાયેલું વિશાળ એક્ઝિબિશન પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે. ઉદ્યમી મેળા, સ્વદેશી મેળા અને સ્ટાર્ટઅપ્સ માટે આશરે 6 ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ એક્ઝિબિશન સ્થાનિક કુશળતા, ટેક્નોલોજી અને ઉત્પાદન ક્ષમતાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરશે અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવશે. આ આયોજનથી રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર–કચ્છની અર્થવ્યવસ્થાને નોંધપાત્ર બૂસ્ટ મળશે.

આ ઉપરાંત, કોન્ફરન્સ દરમિયાન સૌરાષ્ટ્ર–કચ્છની ભાતીગળ સંસ્કૃતિ, કલા અને પરંપરાની ઝાંખી કરાવતા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. યુક્રેન, જાપાન, કોરિયા, રવાન્ડા સહિતના વિદેશી ડેલિગેટ્સ અને અન્ય રાજ્યોમાંથી આવેલા ઉદ્યોગકારોને સ્થાનિક સંસ્કૃતિનો પરિચય મળશે.

કચ્છ–સૌરાષ્ટ્ર પ્રદેશ પોતાની વ્યૂહાત્મક ભૂગોળ, કંડલા-મુન્દ્રા-પીપાવાવ જેવા બંદરો, સિરામિક, એન્જિનિયરિંગ, પેટ્રોકેમિકલ્સ, એગ્રો-ફૂડ પ્રોસેસિંગ, ગ્રીન એનર્જી, MSMEs અને પ્રવાસન ક્ષેત્રે વિશાળ સંભાવનાઓ ધરાવે છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ આ તમામ શક્તિઓને એક મંચ પર લાવી, વિકાસ, રોકાણ અને રોજગારની નવી તકો સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ