વર્લ્ડ ટેબલ ટેનિસ સ્પર્ધાનું સમાપન, માનુષ શાહ અને ર્યુ હન્નાની શાનદાર જીત સાથે સિંગલ્સ ખિતાબ હાંસલ કર્યા Jan 12, 2026 વડોદરા શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર સિરીઝનું ભવ્ય સમાપન થયું. આ સ્પર્ધામાં ભારતના ટોચના ક્રમાંકિત અને સ્થાનિક મનપસંદ ખેલાડી માનુષ શાહ તેમજ કોરિયા રિપબ્લિકની ર્યુ હન્નાએ પુરુષો અને મહિલા સિંગલ્સના ખિતાબ જીતીને પોતાની દબદબાવાળી હાજરી નોંધાવી હતી.ટી.ટી.એ.બી. (ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા) દ્વારા 2 થી 11 જાન્યુઆરી દરમિયાન આયોજિત આ ડબલ્યુ.ટી.ટી. (વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કન્ટેન્ડર અને વર્લ્ડ ફીડર સિરીઝ)માં ભારત સહિત 9થી વધુ દેશોના 300થી વધુ ટોચના પેડલર્સએ ભાગ લીધો હતો. નોંધનીય છે કે વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કન્ટેન્ડર સ્પર્ધા 2 થી 5 જાન્યુઆરી દરમિયાન વડોદરામાં બીજી વખત યોજાઈ હતી, જ્યારે વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર સિરીઝ 7 થી 11 જાન્યુઆરી દરમિયાન ભારતમાં પ્રથમ વખત આયોજિત કરવામાં આવી હતી.ફીડર સિરીઝના અંતિમ દિવસે યોજાયેલી પુરુષો સિંગલ્સની ફાઇનલમાં માનુષ શાહે પાયસ જૈન સામે શરૂઆતની બે ગેમ હારીને મુશ્કેલ સ્થિતિમાં મુકાયો હતો. જોકે, શાનદાર પુનરાગમન કરતાં માનુષ શાહે સતત ત્રણ ગેમ જીતીને 7-11, 10-12, 11-6, 11-6, 11-8ના સ્કોર સાથે ખિતાબ પર કબજો જમાવ્યો.મહિલા સિંગલ્સની ફાઇનલ એકતરફી સાબિત થઈ, જેમાં ર્યુ હન્નાએ ક્વોલિફાયર અનુષાને 11-6, 11-6, 11-5થી પરાજય આપીને ખિતાબ હાંસલ કર્યો હતો.ર્યુ હન્નાએ યુ યેરિન સાથે મળીને મહિલા ડબલ્સમાં પણ જીત નોંધાવી. કોરિયન જોડીયે ભારતની ટોચની જોડી આયહિકા મુખર્જી અને સુતીર્થા મુખર્જીને 4-11, 11-9, 11-9, 4-11, 11-9થી હરાવી ડબલ તાજ પોતાના નામે કર્યો હતો.જ્યારે પુરુષો ડબલ્સની ફાઇનલમાં પાયસ જૈન અને અંકુર ભટ્ટાચારજીએ આકાશ પાલ અને મુદિત દાનીની જોડી સામે 12-10, 11-7, 7-11, 11-8થી વિજય મેળવી ખિતાબ જીતી લીધો હતો.વડોદરામાં યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાએ શહેરને વૈશ્વિક રમતગમતના નકશા પર વધુ મજબૂતીથી સ્થાપિત કર્યું છે અને ભારતીય ટેબલ ટેનિસ માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થઈ છે. Previous Post Next Post