અમરેલી, નલીયા અને રાજકોટમાં શિયાળાની ઠંડી યથાવત રહી, તાપમાનમાં નોંધાયો ઘટાડો અને રાજ્યના અનેક વિસ્તારોમાં ચમકારો વધ્યો Nov 14, 2025 ગુજરાતમાં શિયાળાનો પ્રભાવ સતત જળવાઈ રહ્યો છે અને ખાસ કરીને અમરેલી, નલીયા અને રાજકોટમાં આજે પણ ઠંડીનો ચમકારો નોંધાયો હતો. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન અમરેલીમાં 13.2 ડિગ્રી નોંધાયું હતું, જે આજે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. કચ્છના સરહદી વિસ્તાર નલીયામાં 13.5 ડિગ્રી જ્યારે રાજકોટમાં 14.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં પણ ઓછું તાપમાન 14.5 ડિગ્રી સુધી ઉતર્યું હતું.રાજ્યના અન્ય શહેરોમાં પણ ઠંડી યથાવત રહી હતી. અમદાવાદમાં 16.5, વડોદરામાં 15, ભાવનગરમાં 17.4, ભુજમાં 18.2, દમણમાં 18.6, ડિસામાં 15.8, દિવમાં 16.5, દ્વારકા ખાતે 21, કંડલા 18.3, ઓખા 24, પોરબંદર 16.3, વેરાવળ 19.3 તેમજ સુરતમાં 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર ન જોવા મળ્યો અને તે 16 ડિગ્રી પર સ્થિર રહ્યું. જોકે મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો નોંધાયો અને 31 ડિગ્રી પહોંચ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ચાર ટકાના વધારા સાથે 70 ટકા નોંધાયું હતું. પવનની ગતિ સરેરાશ ત્રણ કિલોમીટર પ્રતિ કલાક રહી હતી.ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠંડીનો પ્રભાવ વધ્યો છે અને લોકો ગરમ કપડાંમાં સજ્જ જોવા મળી રહ્યા છે. સપ્તાહની શરૂઆતથી જામનગર તેમજ હાલારભરમાં શિયાળાની ઠંડી સતત વધી રહી છે. હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં ઠંડીમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. Previous Post Next Post