બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની ઐતિહાસિક જીત, PM મોદીએ કહ્યું- 'આ જનકલ્યાણ, સુશાસન અને વિકાસની દાયકાની જીત' Nov 14, 2025 બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. PM મોદીએ જીતને “સુશાસન અને વિકાસની જીત” ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક્સ એકાઉન્ટમાં લખ્યું કે, “સુશાસનની જીત થઈ છે, વિકાસની જીત થઈ છે, જન-કલ્યાણની ભાવનાની જીત થઈ છે અને સામાજિક ન્યાયની જીત છે.”વડાપ્રધાને બિહારવાસીઓને આભાર માનતા જણાવ્યું કે આ પ્રચંડ જીત તેમને પ્રજાની સેવા કરવા અને રાજ્ય માટે નવા સંકલ્પ સાથે કામ કરવા પ્રેરણા આપશે. તેમણે NDAના તમામ કાર્યકર્તાઓનું પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે કાર્યકર્તાઓએ પ્રજા વચ્ચે જઈને વિકાસનો એજન્ડો રજૂ કર્યો અને વિપક્ષના જુઠ્ઠાણાઓનો મજબૂત જવાબ આપ્યો.બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો પ્રમાણે NDAએ બહુમતનો આંકડો પાર કરી, 200થી વધુ બેઠકો જીત્યા છે. ગઠબંધનના સાથી પક્ષોમાં ભાજપ 92 બેઠકો પર આગળ, નીતિશ કુમારની JDU 82 બેઠક, ચિરાગ પાસવાનની LJP-RV 21 બેઠક, હમ પાર્ટી 5 બેઠક અને RML 4 બેઠક પર આગળ છે. વિપક્ષી મહાગઠબંધન માત્ર 34 બેઠકો પર આગળ છે જેમાં RJD 25, કોંગ્રેસ 5, CPI-MLL 3 અને CPI 1 બેઠક પર આગળ છે.પ્રાપ્ત પરિણામો મુજબ ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. PM મોદીએ આશ્વાસન આપ્યું કે આગામી સમયમાં બિહારના વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને યુવા શક્તિ તથા નારી શક્તિને મજબૂત બનાવવાના આયોજન પર કામ કરવામાં આવશે. Previous Post Next Post