રાજકોટ–જેતપુર હાઇવેના કામો ઝડપથી પૂર્ણ કરવા કેન્દ્રીય મંત્રી ડો. માંડવીયાનું તાકીદનું સૂચન Nov 14, 2025 રાજકોટ-જેતપુર તથા રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવેના કામોને ઝડપથી પૂર્ણ કરવા માટે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજી હતી. બેઠક દરમિયાન તેમણે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને હાઇવેની બાકી રહેલી તમામ કામગીરી વહેલાસર પૂર્ણ કરવાની કડક સૂચના આપી હતી. રાજકોટ-જેતપુર હાઇવેની હાલની પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવીને તેમણે કામમાં વધુ ઝડપ લાવવા માટે માનવબળ અને મશીનરી વધારવાની તાકીદ કરી હતી તથા નિર્ધારિત સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ થાય તે માટે પ્રત્યેક વિભાગને સ્પષ્ટ લક્ષ્યાંક નક્કી કરવાની સૂચના આપી હતી.બેઠક દરમિયાન ગ્રીનલેન્ડ ચોકડી પાસે સર્વિસ રોડની સમસ્યાઓ, ગોંડલ ચોકડીથી ખોખડદળ ચોકડી સુધી સર્વિસ રોડ બનાવવા, ઓવરબ્રિજની માંગ સહિતના અનેક પ્રશ્નો સ્થાનિક પ્રતિનિધિઓ અને વેપારી સંગઠનો દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ આ રજુઆતો ધ્યાનપૂર્વક સાંભળીને નેશનલ હાઇવે ઓથોરિટીને તાત્કાલિક આયોજનબદ્ધ રીતે કામ શરૂ કરવા તથા વાહનચાલકો અને સામાન્ય લોકોને અગવડ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવા આદેશ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નેશનલ હાઇવે સંબંધિત પ્રશ્નોનો ઉકેલ સ્થાનિક જન પ્રતિનિધિઓ, ઔદ્યોગિક એસોસિએશન્સ અને સ્થાનિક લોકો સાથે મળીને લાવવામાં આવે.આ બેઠકમાં સાંસદ રામભાઈ મોકરિયા, મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્યો ભાનુબેન બાબરીયા, ઉદયભાઈ કાંગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા સાથે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા વિવિધ વેપારી અને ઔદ્યોગિક સંગઠનોના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સૌએ હાઇવેના કામોમાં ઝડપ લાવવા તેમજ રસ્તા પરની જાહેર સમસ્યાઓના ઉકેલ માટે માંગણી રજૂ કરી હતી. Previous Post Next Post