રાજકોટ–પોરબંદર વચ્ચે 45 રૂપિયામાં લોકલ ટ્રેન સેવા શરૂ: મનસુખ માંડવિયાએ કરી લીલી ઝંડી, હજારો મુસાફરોને મળશે ફાયદો Nov 14, 2025 પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી લોકલ ટ્રેનો શરૂ કરવાની મોટી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના પ્રયત્નો બાદ શરૂ થયેલી આ સેવા લોકોને સરળ, સસ્તી અને આરામદાયક મુસાફરી પૂરી પાડશે. આજે રાજકોટ રેલવે સ્ટેશન પરથી માંડવિયાએ ટ્રેનને લીલી ઝંડી બતાવી શરૂ કરી અને તેઓ સ્વયં ટ્રેનમાં સફર કરતાં પોરબંદર માટે રવાના થયા.આ બંને નવી લોકલ ટ્રેનો 15 નવેમ્બરથી નિયમિત રીતે દોડશે. તેમામાંથી એક ટ્રેન દરરોજ ચાલશે, જ્યારે બીજી અઠવાડિયામાં 5 દિવસ સેવા આપશે. સૌથી મોટી રાહત એ છે કે રાજકોટથી પોરબંદર સુધીનું ટ્રેનનું ભાડું માત્ર 45 રૂપિયા રાખવામાં આવ્યું છે. લોકલ ટ્રેન હોવાથી ગોંડલથી રાણાવાવ સુધીના તમામ નાના-મોટા સ્ટેશનો પણ આવરી લેવાશે, જેના કારણે વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને રોજબરોજ મુસાફરી કરનારાઓને વિશેષ લાભ મળશે.પ્રારંભ સમારોહમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, સાંસદ પૂનમ માડમ, સાંસદ રામ મોકરિયા સહિત અનેક ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. માંડવિયાએ જણાવ્યું હતું કે, “45 રૂપિયામાં લાંબી દૂરીની મુસાફરી સૌરાષ્ટ્રના લોકોને મોટો લાભ આપશે. રેલવે સુવિધાઓ ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોને સીધી મદદરૂપ બને છે.”કાર્યક્રમ દરમિયાન રામ મોકરિયાએ અયોધ્યા અને હરિદ્વાર માટે સીધી ટ્રેનની માંગ પુનરાવર્તિત કરી હતી. તેમણે સૂચવ્યું કે હરિદ્વાર એક્સપ્રેસને અમદાવાદથી આગળ રાજકોટ સુધી લંબાવવામાં આવે તો સૌરાષ્ટ્રના યાત્રાળુઓ માટે મોટી સુવિધા ઊભી થશે.કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, “રીક્ષામાં 45 રૂપિયા ખર્ચવા કરતા હવે લોકો 45 રૂપિયામાં આખી સફર કરી શકશે. વિદ્યાર્થીઓ અને પાસ ધારકોને વિશેષ રાહત મળશે.”સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, “આ સેવા માટેની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. હવે આ ટ્રેનો શરૂ થતાં લાખો લોકોને લાભ થશે અને પ્રવાસ–ધાર્મિક સ્થળો સાથેનું જોડાણ વધુ મજબૂત બનશે.”રાજકોટ–પોરબંદર વચ્ચેની આ નવી લોકલ ટ્રેન સેવા સૌરાષ્ટ્રના પરિવહન વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફેરફાર લાવશે અને સામાન્ય જનજીવનને મોટી રાહત આપશે. Previous Post Next Post