રાજકોટમાં સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસની અમલવારી ડ્રાઇવ શરૂ, હેલ્મેટ સહિત નિયમોના પાલન પર ભાર મૂકાયો Nov 15, 2025 રાજકોટ શહેરમાં ફરીથી ટ્રાફિક પોલીસની સક્રિયતા વધતા લોકોમાં “હેલ્મેટ ડ્રાઇવ પાછી શરૂ થઈ?” એવી ચર્ચાઓ ઊઠી છે. છેલ્લા કેટલાક દિવસથી પોલીસ વિવિધ સરકારી કચેરીઓની બહાર વિશેષ ઝુંબેશ ચલાવી રહી છે. આજે કલેક્ટર કચેરી બહાર ચલાવવામાં આવેલી આ ડ્રાઇવ દરમિયાન સરકારી કર્મચારીઓ અને અરજદારો બંને સામે નિયમભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી.ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ, આ કોઈ “હેલ્મેટ સ્પેશિયલ ડ્રાઇવ” નથી, પરંતુ સરકારના વર્ષ 2024ના પરિપત્ર અનુસાર સરકારી કર્મચારીઓ ટ્રાફિકના બધા નિયમોનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા માટેની વિશેષ ઝુંબેશ છે. આ ઝુંબેશમાં હેલ્મેટ ચેકિંગ તો એક ભાગ છે, પરંતુ તેનો મુખ્ય હેતુ તમામ ટ્રાફિક નિયમોની અમલવારી કરાવવાનો છે.શહેરને ચાર ટ્રાફિક સેક્ટરમાં વહેંચવામાં આવ્યા છે અને દરેક સેક્ટરના પીઆઈને આવતી સરકારી કચેરીઓમાં નિયમિત રીતે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. જો અરજદારો અથવા અન્ય લોકો નિયમોનો ભંગ કરતા જોવા મળશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.ટ્રાફિક પોલીસના આ પગલા બાદ ચર્ચાઓ તો જોરમાં છે, પરંતુ હેતુ માત્ર નિયમિતતા, સલામતી અને ટ્રાફિકનું અનુશાસન જળવાઇ રહે તેવો જ છે. Previous Post Next Post