વડોદરામાં 8 વર્ષના બાળકની શ્વાસનળીમાંથી 6 મહિના બાદ બોરનો ઠળિયો બહાર કાઢાયો, તબીબોની ચેતવણી

વડોદરામાં 8 વર્ષના બાળકની શ્વાસનળીમાંથી 6 મહિના બાદ બોરનો ઠળિયો બહાર કાઢાયો, તબીબોની ચેતવણી

વડોદરાની સરકારી એસએસજી હોસ્પિટલમાં તબીબોએ એક અનોખો અને ચિંતાજનક કેસ સફળતાપૂર્વક સંભાળ્યો છે. રાજસ્થાનના દોલપુર જિલ્લાના 8 વર્ષીય બાળકની શ્વાસનળીમાં છેલ્લા છ મહિનાથી જંગલી બોરનો ઠળિયો ફસાયેલો હતો, જે અંતે બ્રોન્કોસ્કોપી દ્વારા દૂર કરવામાં આવ્યો. લાંબા સમયથી વારંવાર ન્યુમોનિયા અને શ્વાસનળીના ઈન્ફેક્શનથી પીડાતા આ બાળક અને તેના માતાપિતા માટે આ સારવાર રાહતરૂપ સાબિત થઈ છે.

માહિતી મુજબ, બાળક છ મહિના પહેલાં રમતા રમતા જંગલી બોરનો ઠળિયો ગળી ગયો હતો. તે સમયે માતાપિતાને આ બાબતની ખબર નહોતી. ત્યારબાદ બાળકને વારંવાર ઉધરસ, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. ઓક્ટોબર 2025માં તેને ઉદયપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ફેફસાના ચેપ માટે સારવાર આપવામાં આવી હતી. છતાં, સ્થિતિમાં ખાસ સુધારો જોવા મળ્યો નહોતો.
 


પછી બાળકને વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં લગભગ એક મહિના સુધી ન્યુમોનિયાની સારવાર ચાલી. અનેક ટેસ્ટ અને દવાઓ છતાં, તેની તબિયતમાં નોંધપાત્ર સુધારો થયો નહીં. વધતા ખર્ચ અને સતત તકલીફને કારણે અંતે માતાપિતા તેને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાવ્યા.

એસએસજી હોસ્પિટલના ઈએનટી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. જયમન રાવલના જણાવ્યા અનુસાર, બાળક વારંવાર શ્વાસનળીના ઈન્ફેક્શન સાથે હોસ્પિટલમાં આવતું હતું. વિગતવાર પૂછપરછ દરમિયાન માતાપિતાએ જણાવ્યું કે છ મહિના પહેલાં બાળક કદાચ બોરનો ઠળિયો ગળી ગયો હશે. આ હિસ્ટ્રીને આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી. સીટી સ્કેનમાં જાણવા મળ્યું કે બાળકની જમણી બાજુની શ્વાસનળીમાં કોઈ વિદેશી પદાર્થ ફસાયેલો છે.

બાળકને તાત્કાલિક બ્રોન્કોસ્કોપી માટે તૈયાર કરવામાં આવ્યું. બ્રોન્કોસ્કોપી એ એક એવી પ્રક્રિયા છે જેમાં દૂરબીન જેવી નળી દ્વારા શ્વાસનળીની અંદર તપાસ કરવામાં આવે છે. સર્જરી દરમિયાન જોવા મળ્યું કે બોરનો ઠળિયો ખરેખર શ્વાસનળીમાં ફસાયેલો હતો. નોંધનીય બાબત એ રહી કે સીટી સ્કેન સમયે તે જમણી બાજુ હતો, પરંતુ બ્રોન્કોસ્કોપી વખતે ખસીને ડાબી બાજુ પહોંચી ગયો હતો. છતાં તબીબોની ટીમે કુશળતાપૂર્વક તેને બહાર કાઢવામાં સફળતા મેળવી.

આ સર્જરીમાં ડૉ. જયમન રાવલ, ડૉ. આનંદ ચૌધરી, એનેસ્થેટિસ્ટ ડૉ. નિમિષા અને ડૉ. દીપિકાની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. બ્રોન્કોસ્કોપી પ્રક્રિયા દ્વારા ડાબી બાજુની ફેફસાની નળીમાંથી ઠળિયો સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યો. હાલ બાળકની તબિયત સ્થિર છે અને તે ઝડપથી સાજો થઈ રહ્યો છે.

ડૉક્ટરોએ ખાસ ચેતવણી આપી છે કે નાના બાળકો રમતા રમતા બીજ, ઠળિયા, સિક્કા, રમકડાંના નાના ભાગો કે અન્ય વસ્તુઓ ગળી જાય તેવા બનાવો સામાન્ય છે. જો બાળક લાંબા સમય સુધી ઉધરસ, શ્વાસમાં તકલીફ અથવા વારંવાર ન્યુમોનિયાથી પીડાય અને એન્ટીબાયોટિકથી સુધારો ન થાય, તો માતાપિતાએ માત્ર સામાન્ય સારવાર પર નિર્ભર ન રહેવું જોઈએ. આવા કેસમાં ENT વિશેષજ્ઞ અને બાળરોગ નિષ્ણાતની યોગ્ય તપાસ કરાવવી અનિવાર્ય છે.
 


બાળકના પિતાએ જણાવ્યું કે રાજસ્થાનમાં ઘણી સારવાર છતાં કોઈ ફાયદો થયો નહોતો. અહીં વડોદરામાં યોગ્ય નિદાન થતાં અને ઠળિયો બહાર કાઢાતા હવે તેમના દીકરાને આરામ મળ્યો છે. દીકરો ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે અને છેલ્લા ઘણા મહિનાથી બીમારીને કારણે પરેશાન હતો.

આ બનાવ માતાપિતાઓ માટે ચેતવણીરૂપ છે. નાના બાળકોની આસપાસ નાનાં પદાર્થો રાખતાં સાવચેત રહેવું જોઈએ. રમતા સમયે ખાસ ધ્યાન રાખવું અને કોઈ પણ શંકાસ્પદ લક્ષણ જણાય તો સમયસર નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. સમયસર યોગ્ય નિદાન અને સારવારથી ગંભીર પરિસ્થિતિ ટાળી શકાય છે, જે આ કેસમાં સાબિત થયું છે. 

You may also like

ઓસ્કર 2026ના રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરાનો જાદુ, નિક જોનાસના હાથમાં બાંધેલા રક્ષાસૂત્રએ ખેંચ્યું સૌનું ધ્યાન

ઓસ્કર 2026ના રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરાનો જાદુ, નિક જોનાસના હાથમાં બાંધેલા રક્ષાસૂત્રએ ખેંચ્યું સૌનું ધ્યાન

રાજકોટ AIIMS ઇન્ટર્ન ડૉક્ટર આપઘાત કેસ: જેલમાંથી પોલીસ જાપ્તામાં 5 આરોપી વિદ્યાર્થીઓએ MBBS પરીક્ષા આપી

રાજકોટ AIIMS ઇન્ટર્ન ડૉક્ટર આપઘાત કેસ: જેલમાંથી પોલીસ જાપ્તામાં 5 આરોપી વિદ્યાર્થીઓએ MBBS પરીક્ષા આપી

રાજકોટમાં જૂના મનદુઃખે યુવકની હત્યા: 6 શખ્સોનો હુમલો, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર

રાજકોટમાં જૂના મનદુઃખે યુવકની હત્યા: 6 શખ્સોનો હુમલો, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર

યુદ્ધના તણાવ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી ₹4300 તૂટી અને સોનું ₹1,56,655 પર

યુદ્ધના તણાવ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી ₹4300 તૂટી અને સોનું ₹1,56,655 પર