ભારે વરસાદ બાદ આ ટાપુની માટીથી દરિયા સુધી બધું લાલ બન્યું, કિનારા-નદીઓએ લીધો ઘાટો રંગ Dec 17, 2025 ઈરાનના ફારસની ખાડીમાં આવેલા હોર્મુઝ દ્વીપ પર તાજેતરમાં પડેલા ભારે વરસાદે આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. વરસાદ બાદ અહીં એવું દ્રશ્ય સર્જાયું કે જાણે આખું દ્વીપ લોહીમાં ડૂબી ગયું હોય. દ્વીપની માટી, કિનારો, નદીઓ, નહેરો અને દરિયાના મોજા—બધા લાલ-લાલ થઈ ગયા હતા. આ અદ્દભુત અને થોડું ડરામણું દ્રશ્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થયું છે, જ્યાં લોકો તેને ‘રેડ બીચ’ અથવા ‘બ્લડ સી’ કહી રહ્યા છે.વાઈરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પહાડીઓ અને ચટ્ટાનોમાંથી લાલ રંગનું પાણી વહેતા વહેતા દરિયામાં ભળી રહ્યું છે. વરસાદનું પાણી જ્યારે દરિયાની લહેરો સાથે મિશ્રિત થયું, ત્યારે દરિયો ઘાટા લાલ રંગનો દેખાવા લાગ્યો. દૂરથી જોતા એવું લાગતું હતું કે જાણે દરિયામાં લોહી વહી રહ્યું હોય. આ નજારો જોઈને અનેક લોકો ચોંકી ગયા હતા અને અમુક લોકોએ તો તેને કોઈ અપશુકન અથવા પ્રલયનું સંકેત પણ ગણાવ્યું.પરંતુ નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોએ આ ઘટનાને સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ગણાવી છે. તેમનું કહેવું છે કે હોર્મુઝ દ્વીપની માટીમાં રહેલા વિશેષ ખનિજ તત્વોના કારણે આવું બને છે. હોર્મુઝને ‘રેંબો આઇલેન્ડ’ એટલે કે ઇન્દ્રધનુષી દ્વીપ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે અહીંની જમીનમાં 70થી વધુ પ્રકારના રંગીન મિનરલ્સ મળી આવે છે. ખાસ કરીને અહીંની લાલ માટીમાં આયર્ન ઑક્સાઇડ અને હેમાટાઇટનું પ્રમાણ ખૂબ વધારે છે, જેના કારણે માટી સ્વાભાવિક રીતે લાલ રંગની હોય છે. જ્યારે ભારે વરસાદ પડે છે, ત્યારે આ લાલ માટી પહાડીઓ અને ચટ્ટાનોમાંથી ધોવાઈને નદીઓ અને નહેરોમાં ભળી જાય છે. આ પાણી આગળ જઈને દરિયામાં મિશ્રિત થાય છે, જેથી દરિયાની લહેરો પણ થોડા સમય માટે લાલ દેખાવા લાગે છે. ભરતી અને ઓટના પ્રવાહ સાથે ધીમે ધીમે આ લાલ રંગ ફેલાઈ જાય છે અને પછી થોડા કલાકો કે દિવસોમાં બધું ફરી સામાન્ય બની જાય છે.સ્થાનિક લોકો માટે આ ઘટના નવી નથી. તેઓ વર્ષોથી આ અનોખા નજારાને જોઈ રહ્યા છે અને તેને હોર્મુઝ દ્વીપની કુદરતી સુંદરતાનો ભાગ માને છે. સ્થાનિક રહેવાસીઓ કહે છે કે વરસાદની મોસમમાં આ દ્રશ્ય ખાસ કરીને વધુ આકર્ષક લાગે છે. પ્રવાસીઓ પણ આ અનોખા દ્રશ્યને જોવા માટે મોટી સંખ્યામાં અહીં પહોંચે છે. ઘણા પ્રવાસીઓ લાલ રંગના પાણીમાં પગ મૂકીને ફરતા જોવા મળે છે અને યાદગાર તસવીરો તથા વીડિયો બનાવે છે.એક પ્રવાસીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, “આ તો ભગવાને બનાવેલું સૌથી સુંદર ચિત્ર છે.” જ્યારે અમુક લોકોએ તેને ‘બ્લડ રેઇન’ કહીને ભયજનક ગણાવ્યું. જોકે વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કરી દીધું છે કે આ ઘટનામાં કોઈ જોખમ કે નુકસાન નથી. આ સંપૂર્ણ રીતે કુદરતી પ્રક્રિયા છે અને દર વર્ષે વરસાદ દરમિયાન આવું બનતું રહે છે.હોર્મુઝ દ્વીપની એક ખાસ ઓળખ તેની લાલ માટી છે, જેને સ્થાનિક ભાષામાં ‘ગેલૈક’ કહેવામાં આવે છે. આ માટી માત્ર કુદરતી સુંદરતા પૂરતી જ સીમિત નથી, પરંતુ તેનો ઉપયોગ ખોરાકમાં પણ થાય છે. સ્થાનિક લોકો આ માટીનો ઉપયોગ મસાલા તરીકે કરે છે, જેમાંથી ખાસ પ્રકારની બ્રેડ ‘તોમશી’, સૉસ, અથાણાં અને જામ તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત, ગેલૈક માટીનો ઉપયોગ પેઇન્ટ, કૉસ્મેટિક્સ અને કાચ ઉદ્યોગમાં પણ થાય છે.હોર્મુઝ દ્વીપ પર મીઠાની ગુફાઓ, રંગબેરંગી ખીણો, અનોખી પહાડીઓ અને વિવિધ સમુદ્રી જીવજંતુઓ પણ જોવા મળે છે. આ બધું મળીને હોર્મુઝને દુનિયાના સૌથી અનોખા અને રહસ્યમયી દ્વીપોમાંથી એક બનાવે છે. ભારે વરસાદ પછી લાલ બની જતું આ દ્વીપ પ્રકૃતિની અદભુત કરામતનું જીવતું ઉદાહરણ છે, જે લોકોને એક સાથે આશ્ચર્ય અને આકર્ષણ બંને આપે છે. Previous Post Next Post