અમદાવાદ: ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસેથી યુવકનું ફિલ્મી ઢબે અપહરણ, ગણતરીના કલાકોમાં 3 આરોપીઓ ઝડપાયા Jan 02, 2026 અમદાવાદના વ્યસ્ત ગીતામંદિર બસ સ્ટેન્ડ વિસ્તારમાં ધોળે દિવસે થયેલા અપહરણના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ખંડણીના ઈરાદે અપહરણ કરાયેલા યુવકને પોલીસે પાટણ જિલ્લાના શંખેશ્વર પાસેથી હેમખેમ મુક્ત કરાવ્યો છે અને આ મામલે ત્રણ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યા છે.શું હતી સમગ્ર ઘટના?બનાસકાંઠાના દાંતીવાડાના પાથાવાડા ગામના વતની છગનનાથ જોગનાથ 30 ડિસેમ્બરના રોજ બપોરે ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસે આવેલી ‘રજવાડી ચા’ની હોટલ નજીક ઉભા હતા. તે દરમિયાન રીક્ષામાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેમને બળજબરીપૂર્વક રીક્ષામાં બેસાડી અપહરણ કરી લીધું અને સ્થળ પરથી ફરાર થઈ ગયા.4 લાખની ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકીઅપહરણ બાદ આરોપીઓએ છગનનાથને બંધક બનાવી તેના પરિવાર પાસેથી 4 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. સાથે જ પૈસા ન આપાય તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટનાની જાણ થતાં જ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી.ક્રાઈમ બ્રાન્ચનું ઝડપી ઓપરેશનસીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી કે આરોપીઓ પીડિતને લઈને શંખેશ્વર તાલુકાના પીરોજપુરા ગામમાં છુપાયા છે. પોલીસે ત્યાં દરોડો પાડી હરેશ ચતુરભાઈ ઠાકોર (ઉં.વ. 21), નરેશ ચતુરભાઈ ઠાકોર (ઉં.વ. 27) અને તલાજી વરસંગજી ઠાકોર (ઉં.વ. 45)ને ઝડપી લીધા અને પીડિતને સલામત રીતે મુક્ત કરાવ્યો.અંધશ્રદ્ધા અને અદાવતનું કારણપોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓના પિતાએ આર્થિક તંગી દૂર કરવા માટે પીડિતના સસરા પાસે કોઈ વિધિ કરાવી હતી. આ વિધિ સફળ ન થતાં આરોપીઓએ અદાવત રાખી છગનનાથનું અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે. અપહરણ દરમિયાન યુવકને માર મારવામાં આવ્યો હતો અને તેના લોહીવાળા કપડાં પણ બદલી નાંખવામાં આવ્યા હતા.હાલમાં ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓને કસ્ટડીમાં લઈ આગળની કાયદેસરની કાર્યવાહી માટે કાગડાપીઠ પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરી છે. Previous Post Next Post