રાજકોટ શહેર-જિલ્લામાં ભાજપનું મોટું સંગઠનાત્મક ઓપરેશન, નવી ટીમ સાથે અચાનક ફેરફારોની શક્યતા Jan 24, 2026 ગુજરાત ભાજપમાં લાંબા સમય બાદ ફરી એકવાર સંગઠનાત્મક ચક્ર ગતિમાં આવ્યું છે. જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની નિયુક્તિ બાદ હવે તેમની સંપૂર્ણ ટીમ રચવાની પ્રક્રિયા મોવડીમંડળે ઝડપી બનાવી છે. આ કવાયતનો સૌથી વધુ પડઘો રાજકોટ શહેર અને જિલ્લામાં પડતો જોવા મળી રહ્યો છે, જ્યાં નવી ટીમની જાહેરાત સાથે કેટલાક અણધાર્યા ફેરફારો થવાની શકયતા નકારાતી નથી.નવી માર્ગરેખા અનુસાર દરેક જિલ્લા અને મહાનગરમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને મંત્રી સહિત આશરે 20 સભ્યોની ટીમ રચવાની સૂચના આપવામાં આવી છે. આ માટે ગાંધીનગરથી ફરી એકવાર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને હાલના સપ્તાહમાં તબક્કાવાર જિલ્લા તથા મહાનગર પ્રમુખોને બોલાવી તેમના મંતવ્યો લેવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ કોઈ પણ સમયે નવી ટીમોની જાહેરાત શરૂ થઈ શકે છે.આ વચ્ચે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે અગાઉ નિયુક્ત કરાયેલા કેટલાક જિલ્લા અને મહાનગર પ્રમુખોમાં ફેરફાર થવાની શક્યતા છે. પક્ષના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ પાંચથી સાત જેટલા જિલ્લા-મહાનગરોના પ્રમુખો બદલાઈ શકે છે અને તેની સત્તાવાર જાહેરાત આગામી સપ્તાહમાં થવાની શક્યતા છે. ખાસ કરીને સુરેન્દ્રનગર, મોરબી, નવસારી, બોટાદ અને વડોદરા જેવા જિલ્લાઓના નામ ચર્ચામાં છે.સુરેન્દ્રનગર જિલ્લામાં અગાઉ પ્રમુખ રહેલા વિરેન્દ્રસિંહ ચૌહાણને પ્રદેશ કક્ષાએ મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી હોવાથી હવે ત્યાં નવી નિમણૂક થવાની છે. તેવી જ રીતે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ અંગે છેલ્લા સમયથી ચાલી રહેલા વિવાદોને ધ્યાનમાં રાખીને પક્ષ નવી જવાબદારી સોંપે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.પક્ષના સૂત્રો જણાવે છે કે પ્રદેશ પ્રમુખે નવી રચાયેલી ટીમમાં જેમને સ્થાન આપવામાં આવ્યું છે, તેઓને સ્થાનિક કક્ષાએ જવાબદારીઓમાંથી મુક્ત કરવાના હેતુથી આ પ્રકારના ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આ જ કારણસર રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ બદલાય તો નવાઈ નહીં રહે તેવી ચર્ચા પણ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.હાલમાં જ જાહેર થયેલી ભાજપની પ્રદેશ કારોબારીમાં રાજકોટ અને મોરબી બંને જિલ્લાઓમાંથી કોઈપણ અગ્રણીને સ્થાન ન મળવું પણ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. આ બાબતને સંગઠનાત્મક ફેરફારોના સંકેત તરીકે જોવામાં આવી રહી છે. અગાઉ મંત્રીમંડળ રચનામાં પણ રાજકોટ મહાનગરના ચાર ધારાસભ્યોમાંથી એકપણને સ્થાન મળ્યું ન હતું, જે સ્થાનિક નેતૃત્વ માટે સ્પષ્ટ સંદેશ માનવામાં આવે છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતાં ભાજપ સંગઠન હવે આખરી તબક્કાની તૈયારીઓમાં છે. ચુંટણી પંચ દ્વારા અંતિમ મતદાર યાદી જાહેર થયા બાદ તરત જ રાજ્ય સરકાર એક્શનમાં આવશે અને નવી રચાયેલી મહાનગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયતોની ચૂંટણી યોજાશે. તેમાં વાવ અને થરાદ જેવા નવા જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે, જ્યાં આ વર્ષે રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિન ઉજવાઈ રહ્યો છે અને મુખ્યમંત્રી પણ હાજરી આપવાના છે.આ તમામ પરિસ્થિતિ વચ્ચે રાજકોટ શહેર મહાનગરની નવી ટીમ આગામી દિવસોમાં જાહેર થવાની પૂરી શક્યતા છે. રાજકીય સૂત્રોનું માનવું છે કે આ ટીમમાં કેટલાક એવા નામો આવી શકે છે, જે સૌને ચોંકાવી શકે. રાજકોટ મહાનગર હવે મોવડીમંડળ માટે સતત મોનીટરિંગનું કેન્દ્ર બની ગયું છે અને તેથી અહીં મોટું સંગઠનાત્મક ઓપરેશન હાથ ધરાય તેવી પણ શકયતા વ્યક્ત થઈ રહી છે.પ્રદેશ કારોબારીમાં જુના અને અનુભવી ચહેરાઓને ફરી સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે કેટલાક મહત્વના નામોની બાદબાકી કરવામાં આવી છે. આ તમામ પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે ભાજપ સંગઠનમાં હવે અંતિમ તબક્કા સુધીની રચનાને પૂર્ણ કરવા માટે કોઈ જોખમ લેવા તૈયાર છે.આ રીતે, રાજકોટ શહેર અને જિલ્લાને કેન્દ્રમાં રાખીને ભાજપ દ્વારા સંગઠનમાં મોટાં ફેરફારો કરવામાં આવે તેવી શક્યતા વધતી જઈ રહી છે અને આગામી દિવસોમાં રાજકીય દ્રશ્યમાં નવા સંકેતો જોવા મળી શકે છે. Previous Post Next Post