ગુજરાતમાં ભાદરવો ભરપૂર: 240 તાલુકામાં મેઘ મહેર Sep 14, 2026 અમદાવાદ,દ્વારકા, પોરબંદર, જામનગર સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ સાર્વત્રિક હાજરી નોંધાવીને રાજ્યભરને ભીંજવ્યું છે. રાજ્યના કુલ 240 તાલુકાઓમાં વધતો ઓછો વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરીને પંથકને જળબંબાકાર કરી દીધો છે. હજુ બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે. આજે 14 સપ્ટેમ્બરે દ્વારકા, પોરબંદર, જામનગર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે દરિયાકાંઠે ભારે પવન અને ઊંચા મોજાંની ચેતવણી આપવામાં આવી છે.અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં વરસાદી માહોલરાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 4.45 ઇંચ નોંધાયો છે. ત્યારબાદ ભરૂચના વાલિયા તાલુકામાં 3.82 ઇંચ વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના અન્ય તાલુકાઓ જેવાં કે નાનાપોંઢા (3.54 ઇંચ) અને ધરમપુર (3.43 ઇંચ) માં પણ ભારે વરસાદ થયો છે.અમદાવાદ શહેરથી લઈને રાજકોટ, મહીસાગર, જૂનાગઢ, પાટણ, અરવલ્લી, વડોદરા, ગીર સોમનાથ અને મહેસાણા જિલ્લામાં વરસાદ વરસ્યો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળી, કપાસ, સોયાબીન, મકાઈ, એરંડા, બાજરી અને કઠોળ સહિતના પાકને વરસાદથી ફાયદો થવાની આશા છે. બીજી તરફ ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને મહેસાણાના બહુચરાજીમાં વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યા ફરી સામે આવી છે.વલસાડના કપરાડામાં 4.45 ઇંચ, ભરૂચના વાલિયામાં 3.82 ઇંચ પાણી વરસ્યુંરાજકોટમાં પણ રવિવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. શહેરમાં આજે સતત ત્રીજા દિવસે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ગણેશ મહોત્સવને લઈને ચાલતી તૈયારીઓમાં પણ વિઘ્ન આવ્યું છે. જો કે, લાંબા સમય બાદ રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં રાહત જોવા મળી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી વરસાદી મેઘમહેર થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વહેલી સવારે જ વરસાદ શરૂ થયો હતો. ખાસ કરીને માળીયા હાટીના પંથકમાં વરસાદી માહોલ જામતાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં રોડ-રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે.પાટણ શહેર ઉપરાંત રૂની, હાજીપુર, ગોલાપુર અને અનાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. અરવલ્લી જિલ્લામાં રાત્રિના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સાઠંબામાં દોઢ ઇંચ જ્યારે મોડાસા શહેરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. મેઘરજ, બાયડ, ભિલોડા, શામળાજી, ધનસુરા અને માલપુર સહિતના તાલુકાઓમાં પણ વરસાદ વરસ્યો છે. વડોદરા શહેરમાં પણ લાંબા વિરામ બાદ અલકાપુરી, છાણી, સયાજીગંજ અને રાવપુરામાં વરસાદ પડ્યો છે. ફતેગંજ, નિઝામપુરા અને આજવા રોડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. અરવલ્લીના મેઘરજ નગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. બેડજ, બાંઠીવાડા અને વાસણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે.ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં રાત્રિ દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સૌથી વધુ 84 એમએમ વરસાદ બહુચરાજીમાં નોંધાયો છે. બહુચરાજીમાં શંખલપુર અંડરપાસમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.રાજ્યના 16થી વધુ તાલુકાઓમાં 2થી 4 ઇંચ વચ્ચે ભારે વરસાદ બોટાદ (બરવાળા): 3.39 ઇંચમહેસાણા (બેચરાજી): 3.35 ઇંચ નવસારી (વાંસદા): 3.27 ઇંચવલસાડ (વાપી): 3.11 ઇંચસુરત (ઉમરપાડા): 3.03 ઇંચ સુરેન્દ્રનગર (ચૂડા): 2.83 ઇંચ નર્મદા (ગરુડેશ્વર): 2.76 ઇંચઅમદાવાદમાં વરસાદની બઘડાટીઅમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. શહેરના સેટેલાઈટ, મેઘાણીનગર અને મણીનગરમાં વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત શાહીબાગ, આંબાવાડી અને આંબલીમાં પણ વરસાદ વરસ્યો છે. પાલડી, વિરાટનગર અને સીટીએમ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. થલતેજ, ગોતા અને ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઘાટલોડિયા, પ્રહલાદનગર અને શિવરંજની વિસ્તારમાં પણ વરસાદ શરૂ થતાં શહેરનું વાતાવરણ બદલાઈ ગયું છે. આજે સવારે 6થી 1 વાગ્યા સુધીમાં વટવામાં સાડા ત્રણ ઈંચ અને બાકરોલમાં 1 કલાકમાં 2 ઈંચ ધોધમાર વરસાદ નોંધાયો છે.રાજ્યના 19 જિલ્લામાં રેડ તો 17 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટભારતીય હવામાન વિભાગ અમદાવાદ દ્વારા આજે સવારે 10:00 વાગ્યે જારી કરવામાં આવેલા તાજા નાઉકાસ્ટ બુલેટિન મુજબ, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાબરકાંઠા, અમદાવાદ, રાજકોટ સહિત 19 જિલ્લામાં રેડ એલર્ટ, જ્યારે બનાસકાંઠા, કચ્છ સહિત 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.કયા કયા જિલ્લામાં રેડ એલર્ટ?રેડ એલર્ટ હેઠળ આવતા જિલ્લાઓમાં પ્રતિ કલાક 15 mm કે તેથી વધુ ધોધમાર વરસાદ વરસી શકે છે. આ સાથે જ 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની અને મધ્યમથી ભારે ગાજવીજ સાથે જમીન પર વીજળી પડવાની 60 ટકાથી વધુ સંભાવના રહેલી છે. સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, વડોદરા, આણંદ, ખેડા, અરવલ્લી, મહેસાણા, રાજકોટ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર અને ભરૂચના નાગરિકોને અત્યંત સાવચેત રહેવા જણાવાયું છે.કયા કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?બનાસકાંઠા, પાટણ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા તથા નગર હવેલી જિલ્લાઓમાં 5 થી 15 mm પ્રતિ કલાકના દરે મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પણ 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને વીજળી પડવાની 30 થી 60 ટકા સંભાવના છે.આણંદમાં 4 કલાકમાં 4.5 ઇંચ વરસાદચાર કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં નોંધાયો છે, જ્યાં કુલ 4.53 ઇંચ (115 mm) વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં 3.39 ઇંચ (86 mm) અને આણંદના તારાપુર તાલુકામાં 2.87 ઇંચ (73 mm) ધોધમાર વરસાદ વરસી ચૂક્યો છે. સવારના આ સમયગાળામાં અનેક તાલુકાઓમાં અચાનક મેઘરાજાનું જોર વધવાને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. Previous Post Next Post