બુલિયન બજારમાં હાહાકાર: રાજકોટમાં 44 ચાંદી વેપારીઓના ઉઠમણાં, ₹3600 કરોડના ભાવફેરે બજાર કંપાવ્યું Dec 30, 2025 રાજકોટ સહિત સમગ્ર દેશના બુલિયન બજારમાં ચાંદી અને સોનાના ભાવોમાં આવેલા ઐતિહાસિક ઉછાળાએ વેપારીઓમાં હડકંપ મચાવી દીધો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સતત વધી રહેલી તેજીના કારણે રાજકોટના બુલિયન માર્કેટમાં ચાંદીના સટ્ટા અને ડિફરન્સના વ્યવહારો કરતા 44 જેટલી મોટી પેઢીઓના અંદાજે રૂા. 3600 કરોડના ઉઠમણાં સામે આવ્યા છે. આ ઘટનાએ સમગ્ર વેપાર જગતમાં ભારે હાહાકાર સર્જ્યો છે. શનિવારે રાત્રે બેઠક, 44 પેઢીઓએ હાથ ખંખેર્યામળતી માહિતી મુજબ, ગત શુક્રવાર અને શનિવારે રાજકોટના ચાંદી વેપારીઓની તાત્કાલિક બેઠકો મળી હતી. આ બેઠકોમાં ચાંદીના ભાવમાં થયેલા અણધાર્યા અને અસાધારણ વધારાના કારણે વેપારીઓને થયેલા ભારે નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન 44 જેટલી પેઢીઓના સંચાલકોએ ચાંદીના વ્યવસાયમાં મોટી નુકશાની થવાથી હાલ ધંધો સંકેલી લેવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, ભાવફેર (ડિફરન્સ)ની રકમ ચૂકવવામાં અસમર્થતા વ્યક્ત કરતા સમગ્ર બજારમાં દેકારો મચી ગયો હતો. સવા લાખથી ઉપર ભાવ જશે નહીં એવી ખોટી ગણતરીબુલિયન બજારના સૂત્રો અનુસાર, મોટાભાગના વેપારીઓનો મજબૂત વિશ્વાસ હતો કે ચાંદીનો ભાવ મહત્તમ રૂા. 1.25 લાખથી 1.50 લાખ પ્રતિ કિલો સુધી જ જશે. આ માન્યતાના આધારે અનેક વેપારીઓએ બજારના ટ્રેન્ડની વિરુદ્ધ જઈને યાંદીનું વેચાણ કર્યું હતું. ભાવ ટૂંક સમયમાં તૂટશે એવી આશાએ લાંબા સમયથી ડિફરન્સની રકમ ભરાતી રહી, પરંતુ ભાવ સતત વધતા રહ્યા.પરિણામે સેટલમેન્ટની તારીખો નજીક આવતા અને ચાંદીનો ભાવ તમામ ગણતરીઓને ખોટી સાબિત કરતા રૂા. 2.50 લાખ સુધી પહોંચી જતા અનેક વેપારીઓ ગંભીર રીતે ફસાઈ ગયા. કરોડો રૂપિયાનું ભાવફેર ચૂકવવાની જવાબદારી આવતા 44 જેટલી મોટી પેઢીઓને નાદારી જાહેર કરવાની ફરજ પડી છે. કોમેકસ, MCX અને સ્થાનિક ટ્રેડરોને ચુકવવાના કરોડોબજારના સૂત્રોનું કહેવું છે કે રાજકોટના વેપારીઓને કોમેકસ, MCX તેમજ સ્થાનિક ટ્રેડરોને કુલ રૂા. 3600 કરોડ જેટલી રકમ ચૂકવવાની બને છે. કેટલાક વેપારીઓએ ચૂકવણી શરૂ પણ કરી દીધી છે, છતાં અનેક વેપારીઓ પોતાની માલ-મિલકત વેચ્યા પછી પણ નુકસાનની રકમ ભરવા સક્ષમ નથી. જાન્યુઆરી મહિનામાં સેટલમેન્ટ અને હિસાબ-કિતાબનો દોર તેજ બનશે અને ફેબ્રુઆરીથી પોલીસ ફરિયાદોની શરૂઆત થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તાળા મારીને ગાયબ, અંદરખાને માથાકુટદિવાળી બાદ ચાંદીના ભાવમાં ઘટાડો આવશે એવી આશાએ બેઠેલા વેપારીઓ વધુ ફસાયા છે. કેટલાક વેપારીઓએ પેઢી અને ઘર પર તાળા મારીને ગાયબ થઈ જવાનો રસ્તો અપનાવ્યો છે. ડખ્ખાવાળા હવાલા અને કબાડા આપી સેટલમેન્ટ કરવામાં આવતા અંદરખાને માથાકુટ, ધમકી અને મારામારીના બનાવો પણ સામે આવી રહ્યા છે. સૂત્રોનું માનવું છે કે જો પતાવટ ન થઈ તો મામલો અપહરણ સુધી પહોંચી શકે છે. અમદાવાદ, દુબઈ અને ઇન્દોર સુધી અસરઆર્થિક આંચ માત્ર રાજકોટ સુધી સીમિત નથી. અમદાવાદમાં એક જ મોટા ખેલાડીને અંદાજે રૂા. 1700 કરોડના ભાવફેર ચૂકવવાના થાય છે. આ ઉપરાંત દુબઈ અને ઇન્દોરમાં પણ રૂા. 1200 કરોડ જેટલી રકમના સેટલમેન્ટ બાકી હોવાનું જાણવા મળ્યું છે. તમામ સ્થળે હિસાબ-કિતાબ ચાલી રહ્યો છે. ડિલેવરી લેનારા ઇન્વેસ્ટરો બન્યા માલામાલબીજી તરફ, જેમણે સટ્ટાની જગ્યાએ હિંમતપૂર્વક ચાંદીમાં ઇન્વેસ્ટ કરી વાસ્તવિક ડિલેવરી લીધી હતી તેઓ માલામાલ થઈ ગયા છે. અનેક રોકાણકારોએ રિયલ એસ્ટેટ અને શેરબજારમાંથી નાણા ખેંચી ચાંદીમાં લગાવ્યા હતા. એક લાખ પછી શરૂ થયેલી રોકાણની લહેરે ભાવોમાં આગઝરતી તેજી જાળવી રાખી અને કરેકશન ન આવતા સટ્ટાબાજ વેપારીઓ ફસાઈ ગયા. રાજકોટની આર્થિક સ્થિતિ પર મોટો ફટકોછેલ્લા બે વર્ષથી રાજકોટ આર્થિક દબાણમાંથી પસાર થઈ રહ્યું છે. રિયલ એસ્ટેટમાં પહેલેથી જ રૂા. 3500થી 4000 કરોડ ફસાયા છે, ત્યાં હવે ચાંદી બજારમાં વધુ રૂા. 3600 કરોડનો ફટકો પડ્યો છે. બજારના સૂત્રો માને છે કે આ મંદીની અસર ખાણી-પીણીથી લઈને તમામ વ્યવસાયો પર લાંબા સમય સુધી જોવા મળશે.બુલિયન બજારમાં આવેલી આ ઐતિહાસિક તેજીએ રાજકોટના વેપાર જગતને ભારે આંચ આપી છે અને આવનારા મહિના અત્યંત સંવેદનશીલ રહેશે એવી ચેતવણી સૂત્રો આપી રહ્યા છે. Previous Post Next Post