MSUમાં રૂ.17 કરોડના ખર્ચે બનશે ક્લાઈમેટ ચેન્જ થીમ પાર્ક, રાજ્ય સરકારે આપી મંજૂરી

MSUમાં રૂ.17 કરોડના ખર્ચે બનશે ક્લાઈમેટ ચેન્જ થીમ પાર્ક, રાજ્ય સરકારે આપી મંજૂરી

વડોદરા,

પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ખાતે રૂ.17 કરોડના ખર્ચે અત્યાધુનિક ક્લાઈમેટ ચેન્જ થીમ પાર્ક બનાવવામાં આવશે. રાજ્ય સરકારે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપી છે અને તેના માટે સંપૂર્ણ ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત પણ કરી છે. રાજ્યની તમામ ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓમાંથી આ પ્રોજેક્ટ માટે માત્ર MSUની પસંદગી કરવામાં આવી છે.

યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. ભણગે અને રજિસ્ટ્રાર ડો. ચૂડાસમાએ પત્રકારો સાથેની વાતચીતમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, થીમ પાર્ક માટે યુનિવર્સિટી દ્વારા જરૂરી જમીન ફાળવવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ક્લાઈમેટ ચેન્જના કારણે પર્યાવરણ, પ્રકૃતિ અને માનવજીવન પર થઈ રહેલી અસરો વિશે લોકોને માહિતગાર કરવાનો છે. ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવશે.

VR, 3D અને AI ટેકનોલોજીથી મળશે ક્લાઈમેટ ચેન્જનો અનુભવ

યુનિવર્સિટીના વિવિધ વિભાગોના અધ્યાપકોની સલાહ અને સહયોગથી તૈયાર કરાયેલા પ્રસ્તાવમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની યોજના છે. થીમ પાર્કમાં વર્ચ્યુઅલ રિયાલિટી (VR), થ્રીડી (3D) ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા ક્લાઈમેટ ચેન્જની ભૂતકાળની, વર્તમાનની અને ભવિષ્યમાં થનારી અસરોને પ્રદર્શિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન ગાંધીનગર ખાતે પણ કરવામાં આવ્યું હતું.

થીમ પાર્કમાં આ વિષયો પર મળશે માહિતી

આ પાર્કમાં પૃથ્વીના તાપમાનમાં થઈ રહેલા ફેરફારો, જળચર સૃષ્ટિ પર ક્લાઈમેટ ચેન્જની અસરો, લાખો વર્ષ પહેલાં નામશેષ થયેલી પ્રજાતિઓ, હવામાનમાં ફેરફારને કારણે ખેતીમાં આવતા બદલાવ જેવા વિષયો રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત પ્લાસ્ટિકના વપરાશથી ફેલાતા પ્રદૂષણ, પ્લાસ્ટિકના પુનઃઉપયોગ, કાર્બન ફૂટપ્રિન્ટ અને ક્લાઈમેટ ચેન્જ આધારિત વિવિધ શૈક્ષણિક રમતો પણ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

સંશોધનનો લાભ સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ

MSUના ક્લાઈમેટ ચેન્જ વિભાગનાં ડિરેક્ટર અને સરકારની એડવાઈઝરી પેનલનાં સભ્ય ડો. સંસ્કૃતિ મઝુમદારે જણાવ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જ અંગે થતાં સંશોધનો માત્ર શૈક્ષણિક સંસ્થાઓ પૂરતા મર્યાદિત રહેવા જોઈએ નહીં. સંશોધનનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચે અને લોકો પર્યાવરણના બદલાતા સ્વરૂપને સમજી શકે તે જરૂરી છે.

આ જ વિચાર સાથે થીમ પાર્કનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. ટેકનોલોજીના માધ્યમથી મુલાકાતીઓને પર્યાવરણમાં થઈ રહેલા ફેરફારોનો પ્રત્યક્ષ અનુભવ કરાવાશે. રૂ.17 કરોડના આ પ્રોજેક્ટથી વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોમાં પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ વધારવાની સાથે શિક્ષણ અને સંશોધનને સમાજ સાથે જોડવાની નવી તક ઊભી થશે.

You may also like

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો