રનવે પર લેન્ડિંગ સાથે વિમાનમાં આગ ભભૂકી, મુસાફરો કુદીને બચ્યા અને મંત્રી સવાર હોવા છતાં જાનહાનિ નહીં Nov 18, 2025 કોંગોના કોલવેઝી એરપોર્ટ પર સરકારી મંત્રીનું વિમાન લેન્ડિંગ દરમિયાન ભયાનક અકસ્માતનો શિકાર બન્યું. કિંશાસાથી કોલવેઝી માટે ઉડાન ભરેલું એમ્બ્રેયર ઈઆરજે-145એલઆર વિમાન રનવે પર ઉતરતાની સાથે જ નિયંત્રણ ગુમાવી રનવેની બહાર નીકળી ગયું અને તેના પાછળના ભાગમાં આગ લાગી. થોડા જ ક્ષણોમાં આખું વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોએ ઘટનાની ભયાનકતા સ્પષ્ટ કરી દીધી છે.આ વિમાનમાં કોંગોના ખનન મંત્રી લુઈસ વાટમ કાબામ્બા સાથે ટોચના અધિકારીઓનું પ્રતિનિધિમંડળ સવાર હતું. મંત્રીના સંચાર સલાહકાર ઈસાક ન્યેમ્બોએ જણાવ્યું કે વિમાન લેન્ડિંગ દરમિયાન રનવે પરથી ઉતરી ગયું હતું. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ મુસાફરો તથા ક્રૂ સુરક્ષિત બહાર આવી ગયા હતા.આગ લાગવાને કારણે વિમાન સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું છે. મુખ્ય ગિયર તૂટી જવાથી વિમાન રનવે બહાર પલટી જતા આગ ભભૂકી હતી. મુસાફરોને બારીઓ અને બહારના દરવાજાઓ મારફતે બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતના કારણોને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.મંત્રી કોલવેઝી નજીક આવેલી ખાણની મુલાકાતે જવાના હતા, જ્યાં થોડા દિવસ પહેલા પુલ તૂટી જવાથી અનેક શ્રમિકોના મોત થયા હતા. હાલ સુરક્ષા તંત્ર અને તપાસ એજન્સીઓ દુર્ઘટનાની સંપૂર્ણ માહિતી એકત્ર કરી રહી છે. Previous Post Next Post