બિહાર પ્રવાસને લઈને સીએમનો જામનગર કાર્યક્રમ મુલતવી, વિકાસ પ્રોજેક્ટોના લોકાર્પણમાં ફેરફાર Nov 18, 2025 જામનગરમાં રૂ. 226 કરોડના ખર્ચે તૈયાર થયેલા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર સહિત અનેક વિકાસ કાર્યોના ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત માટે 20મી નવેમ્બરનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ ભવ્ય કાર્યક્રમ યોજાવાનો હતો. પરંતુ હવે આ તારીખમાં ફેરફાર કરાયો છે.મળતી માહિતી પ્રમાણે, બિહાર ચૂંટણીના પરિણામો બાદ ત્યાંના નવા મુખ્યમંત્રીની શપથવિધિ માટે ભુપેન્દ્રભાઈ પટેલને બિહાર જવાનો કાર્યક્રમ નિશ્ચિત થયો છે. આ કારણે 20મી નવેમ્બરના રોજ જામનગરમાં થનારા લોકાર્પણ કાર્યક્રમને મુલતવી રાખવામાં આવ્યો છે. હવે આ માટે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.જામનગરમાં સાત રસ્તા થી સુભાષ બ્રિજ સુધીનો ફ્લાયઓવર વર્ષ 2021થી બનાવવામાં આવી રહ્યો હતો, જે હવે સંપૂર્ણ તૈયાર થયો છે. મહાનગરપાલિકા તંત્ર અને અધિકારીઓએ ઉદ્ઘાટન માટેની તમામ તૈયારીઓ પણ કરી લીધી હતી. પરંતુ સીએમના પ્રોટોકોલ મુજબ સત્તાવાર કાર્યક્રમ જાહેર થવાનો બાકી હતો તે અગાઉ જ બિહાર પ્રવાસ નક્કી થવાથી આ નિર્ણય લેવાયો છે.સૂત્રો મુજબ, આગામી દિવસોમાં ફ્લાયઓવર અને અન્ય વિકાસ પ્રોજેક્ટોના લોકાર્પણ માટે નવી તારીખ જાહેર થશે. શહેરના પ્રજાજનો હવે સત્તાવાર કાર્યક્રમની નવી જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. Previous Post Next Post