રાજકોટમાં રૂ. 32.54 કરોડની સાઉથ ઝોન કચેરીનું નિર્માણ તેજ ગતિએ, ચાર વોર્ડના લાખો લોકોને મળશે રાહત

રાજકોટમાં રૂ. 32.54 કરોડની સાઉથ ઝોન કચેરીનું નિર્માણ તેજ ગતિએ, ચાર વોર્ડના લાખો લોકોને મળશે રાહત

રાજકોટ મહાનગરપાલિકા શહેરના વિસ્તરતા વિસ્તાર અને નાગરિકોની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવી સાઉથ ઝોન કચેરીનું નિર્માણ કરી રહી છે. કોઠારીયા વિસ્તારમાં રાધે ચોક પાસે રૂ. 32.54 કરોડના ખર્ચે આ આધુનિક કચેરીનું બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કચેરી તૈયાર થતાં વોર્ડ નંબર 15, 16, 17 અને 18માં રહેતા અંદાજે પાંચ લાખથી વધુ લોકોને કોર્પોરેશન સંબંધિત કામ માટે સેન્ટ્રલ ઝોન સુધી જવું નહીં પડે.

હાલ રાજકોટ મહાનગરપાલિકામાં ઇસ્ટ ઝોન, વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન એમ ત્રણ ઝોન કચેરીઓ કાર્યરત છે. પરંતુ શહેરના દક્ષિણ વિસ્તારમાં વસતા લોકો માટે જન્મ-મરણ પ્રમાણપત્ર, આધારકાર્ડ, મિલકતવેરો સહિતની વિવિધ નાગરિક સેવાઓ માટે સેન્ટ્રલ ઝોન સુધી જવું પડતું હતું. આ મુશ્કેલી દૂર કરવા માટે સાઉથ ઝોન કચેરી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાજકોટ ધારાસભ્ય રમેશ ટીલાળાની રજૂઆત બાદ મનપાના બજેટમાં સાઉથ ઝોન કચેરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી લગભગ નવ મહિનાથી રાધે ચોક ખાતે આ કચેરીનું બાંધકામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાએ સ્થળ પર જઈ કામગીરીની સમીક્ષા કરી હતી અને કામ ગુણવત્તાસભર તેમજ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સૂચનાઓ આપી હતી.

આ નવી સાઉથ ઝોન કચેરી અન્ય ઝોન કચેરીઓની સરખામણીએ વધુ આધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી રહી છે. અહીં નાગરિકોને સીધી સેવાઓ મળી રહે તે માટે અલગ સિવિક સેન્ટર બનાવવામાં આવશે. જેમાં જન્મ-મરણ પ્રમાણપત્ર, આધારકાર્ડ સહિતની વિવિધ નાગરિક સેવાઓ ઝોન સ્તરે જ ઉપલબ્ધ થશે. ઉપરાંત આ કચેરી માટે ખાસ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર અને સિટી ઇજનેરની નિમણૂક કરવાની યોજના પણ છે, જેથી દક્ષિણ વિસ્તારના વિકાસકામો વધુ ઝડપથી થઈ શકે.
 


મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે શહેરના વિસ્તરણને કારણે કામનો ભાર વધી રહ્યો છે. તેથી કાર્યભારનું યોગ્ય વિતરણ થાય તે માટે સાઉથ ઝોન કચેરી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં આ પ્રોજેક્ટનું 50 ટકા કરતાં વધુ કામ પૂર્ણ થઈ ગયું છે અને આગામી 6 થી 8 મહિનામાં સમગ્ર સ્ટાફ સાથે આ કચેરી કાર્યરત કરવાની યોજના છે.

નવી કચેરી શરૂ થતાં દક્ષિણ વિસ્તારમાં રહેતા લોકોને નળ, ગટર, રસ્તા અને રોશની જેવા નગરસેવા સંબંધિત પ્રશ્નો માટે લાંબા અંતર સુધી જવું નહીં પડે. ઝોન સ્તરે જ અધિકારીઓ ઉપલબ્ધ હોવાથી ફરિયાદોનું ઝડપી નિરાકરણ શક્ય બનશે. સાથે સાથે મુખ્ય કચેરી પરનું કામનું ભારણ પણ ઓછું થશે.

રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસ પર નજર કરીએ તો શરૂઆતમાં તમામ કામગીરી ઢેબરભાઈ રોડ પર આવેલી મુખ્ય કચેરી એટલે કે સેન્ટ્રલ ઝોનમાંથી જ થતી હતી. વર્ષ 1998માં શહેરની હદમાં મવડી અને રૈયા ગામનો સમાવેશ થતાં શહેરનો વિસ્તાર વધ્યો હતો. ત્યારબાદ વર્ષ 2006માં 150 ફૂટ રિંગ રોડ પર હરીસિંહજી ગોહિલ ભવન ખાતે વેસ્ટ ઝોન કચેરી અને 2007માં ભાવનગર રોડ પર ઝવેરચંદ મેઘાણી ભવન ખાતે ઇસ્ટ ઝોન કચેરી શરૂ કરવામાં આવી હતી.

વર્ષ 2015માં મહાનગરપાલિકાએ વોર્ડ કચેરીઓમાંથી પણ કેટલીક નાગરિક સેવાઓ શરૂ કરી હતી. આ દરમિયાન શહેરમાં વધુ વિસ્તરણ થતા કોઠારીયા, વાવડી, મુંજકા, મોટા મૌવા, માધાપર, ઘંટેશ્વર અને મનહરપુર જેવા વિસ્તારો પણ મહાનગરપાલિકામાં સામેલ થયા હતા. શહેરનો વિસ્તાર વધતા હવે સાઉથ ઝોન કચેરીની જરૂરિયાત ઉભી થઈ હતી.

હાલ રાધે ચોક ખાતે ચાલી રહેલી સાઉથ ઝોન કચેરીનું બાંધકામ ઝડપથી આગળ વધી રહ્યું છે. અંદાજે આ વર્ષના અંત સુધીમાં અથવા 2027ની શરૂઆતમાં આ કચેરી કાર્યરત થઈ જશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કચેરી શરૂ થતાં વોર્ડ નંબર 15, 16, 17 અને 18માં રહેતા લાખો લોકોને નાગરિક સેવાઓ ઘરઆંગણે મળશે અને દક્ષિણ વિસ્તારના વિકાસકામોને પણ વધુ ગતિ મળશે.

You may also like

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન