રાજકોટ જિલ્લામાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ગેરવપરાશ સામે તંત્ર સક્રિય, વિવિધ સ્થળોએ દરોડા; રૂ. 2.07 લાખના સિલિન્ડર સીઝ

રાજકોટ જિલ્લામાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ગેરવપરાશ સામે તંત્ર સક્રિય, વિવિધ સ્થળોએ દરોડા; રૂ. 2.07 લાખના સિલિન્ડર સીઝ

મધ્ય પૂર્વ એશિયામાં સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકો સુધી ઘરેલુ ગેસનો પુરવઠો યોગ્ય રીતે પહોંચે તે માટે રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ અને જિલ્લા પુરવઠા અધિકારી આશિષ ઝાપડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ખાસ ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન દરમિયાન વિવિધ તાલુકાઓમાં હોટલ, રેસ્ટોરન્ટ, ટી-સ્ટોલ, ફરસાણની દુકાનો અને ફાસ્ટ ફૂડ સેન્ટરોમાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ગેરવપરાશ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ તપાસ દરમિયાન લોધીકા, કોટડા સાંગાણી અને ગોંડલ વિસ્તારમાં કુલ રૂ. 2,07,138 જેટલી કિંમતના ઘરેલુ ગેસ સિલિન્ડર સીઝ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા વિવિધ ટીમો બનાવી સમગ્ર જિલ્લામાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી ઘરેલુ ગેસનો ગેરકાયદેસર ઉપયોગ અટકાવી શકાય.

ગોંડલ ગ્રામ્ય વિસ્તારમાં મામલતદાર દ્વારા બિલિયાળા ગામે કરવામાં આવેલી તપાસ દરમિયાન 15 ભરેલા અને 10 ખાલી મળી કુલ 25 ઘરેલુ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. આ તમામ સિલિન્ડર કુલ રૂ. 45,410ની કિંમતના હોવાનું સામે આવ્યું હતું. તંત્રએ આ સિલિન્ડરો સીઝ કરીને ગેસ એજન્સીને સોંપી દીધા હતા. ઉપરાંત, ગોંડલ ગ્રામ્ય વિસ્તારમાં જ કેટલીક હોટલ અને રેસ્ટોરન્ટમાંથી વધુ 5 ઘરેલુ ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા હતા, જેની કુલ કિંમત રૂ. 11,038 થાય છે. આ સિલિન્ડરો પણ જપ્ત કરીને ગેસ એજન્સીને સોંપવામાં આવ્યા હતા.
 


ગોંડલ શહેર વિસ્તારમાં પણ તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. મામલતદાર ગોંડલ શહેર દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન એક સ્થળેથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલા રિલાયન્સ કંપનીના 38 ખાલી ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. આ સિલિન્ડરોની કુલ કિંમત રૂ. 63,400 હોવાનું સામે આવ્યું હતું. તંત્રએ આ તમામ સિલિન્ડરો જપ્ત કરીને ગેસ એજન્સીને સોંપી દીધા હતા.

લોધીકા તાલુકાના મેટોડા GIDC વિસ્તારમાં આવેલી પરિશ્રમ રેસ્ટોરન્ટમાં પણ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઘરેલુ વપરાશ માટેના 10 ગેસ સિલિન્ડર ગેરરીતે કોમર્શિયલ ઉપયોગમાં લેવાતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તંત્રએ આ તમામ સિલિન્ડરો સીઝ કરીને ગેસ એજન્સીને સોંપી દીધા હતા. આ સિલિન્ડરોની કુલ કિંમત રૂ. 24,574 હોવાનું જાણવા મળ્યું હતું.

કોટડા સાંગાણી તાલુકામાં પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પડવલા ગામે જયદીપભાઈ વિનોદભાઈ આંબલીયા પાસેથી એક ભરેલો ઘરેલુ ગેસ સિલિન્ડર અનધિકૃત રીતે મળી આવતા તે સીઝ કરીને શાપર (વેરાવળ) સ્થિત એન્જલ ગેસ એજન્સીને સોંપવામાં આવ્યો હતો. આ સિલિન્ડરની કિંમત રૂ. 3,058 હોવાનું સામે આવ્યું હતું.

આ ઉપરાંત કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે મહાવીર પાવભાજી નજીક આવેલા એક ઘરમાંથી ગેરરીતે સંગ્રહ કરાયેલા 31 ખાલી ઘરેલુ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. તંત્રએ આ તમામ સિલિન્ડરો સીઝ કરીને ગેસ એજન્સીને સોંપી દીધા હતા. આ સિલિન્ડરોની કુલ કિંમત રૂ. 59,658 હોવાનું જણાવાયું છે.

તંત્ર દ્વારા માત્ર દરોડાની કાર્યવાહી જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં ગેસ એજન્સીઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કુલ 18 ગેસ એજન્સીઓની તપાસ કરવામાં આવી છે. ઉપરાંત તમામ ગેસ એજન્સી અને ગોડાઉનમાં પુરવઠા વિભાગના નાયબ મામલતદાર (SAK) ની દેખરેખ હેઠળ દરેક એજન્સી અને ગોડાઉન માટે એક મહેસુલી કર્મચારી અને એક પોલીસ જવાનની નિયુક્તિ કરવામાં આવી છે, જેથી ગેસના પુરવઠામાં કોઈ ગેરરીતિ ન થાય.

જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ઘરેલુ ગેસ સિલિન્ડરનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. લોકો સુધી ગેસનો પુરવઠો યોગ્ય રીતે પહોંચે અને કોઈ પ્રકારની અછત સર્જાય નહીં તે માટે આવનારા દિવસોમાં પણ આ પ્રકારની તપાસ ચાલુ રહેશે.
 

You may also like

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ