દિતવાહ વાવાઝોડાએ શ્રીલંકામાં વિનાશ વેર્યો, 56ના મોત, 20થી વધુ ગુમ; ભારતમાં અતિભારે વરસાદની આગાહી Nov 28, 2025 દિતવાહ વાવાઝોડાએ શ્રીલંકામાં ભયંકર વિનાશ સર્જ્યો છે. ભારે પવન, મોસાળધાર વરસાદ અને ભૂસ્ખલનના કારણે સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, વાવાઝોડાની અસરથી 56 લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો હજુ ગુમ છે. અનેક વિસ્તારોમાં પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ હજી પણ ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.શ્રીલંકામાં વાવાઝોડાના કારણે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે સ્ટોક માર્કેટને પણ વહેલું બંધ કરવો પડ્યો છે. કોલમ્બો એરપોર્ટના ખરાબ વાતાવરણને કારણે પાંચ ફ્લાઈટને ભારતના તિરુવનંતપુરમમાં ડાયવર્ટ કરવામાં આવી છે. દેશભરમાં શાળા-કોલેજો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા છે અને જાહેર પરિવહન, ખાસ કરીને રેલવે સેવા સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન થવાના સમાચાર મળ્યા છે, જેના કારણે રસ્તા બંધ થઈ ગયા છે અને બચાવ દળોને જગ્યાએ પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. લોકોને શાળા તથા જાહેર શેલ્ટર્સમાં તાત્કાલિક આશરો આપવામાં આવી રહ્યો છે.આ વાવાઝોડું હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે અને હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી 12 કલાકમાં તે વધુ શક્તિશાળી બનવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ભારત માટે આગામી 48 કલાક અત્યંત જોખમી ગણાતા છે. તમિલનાડુમાં 29 અને 30 નવેમ્બરે અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જાહેર કર્યું છે કે વાવાઝોડું રવિવારે સવારે દક્ષિણ ભારતના દરિયાકાંઠે પહોંચી જશે, જે પછી પવનની ગતિમાં વધારો થઈ શકે છે.માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. દરિયામાં તરંગો ઊંચા થઈ રહ્યા છે અને પવનની ગતિ જોખમી સ્તરે પહોંચી ગઈ છે, જેથી કોઈપણ પ્રકારની માછીમારી પ્રવૃત્તિ જાનલેણ સાબિત થઈ શકે છે. ખેડૂતોને તેમના પાકને સુરક્ષિત સ્થળે પહોંચાડવા તથા શક્ય નુકસાન ઘટાડવા જરૂરી પગલાં લેવા જણાવાયું છે. ઘણા ગામોમાં ખેતીવાડી જમીન પાણીમાં ગરકાવ થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.સરકાર દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી છે કે ભારે પવન અને વરસાદ દરમિયાન વીજળીના થાંભલા, જૂના ઘર, વૃક્ષો અથવા નબળા માળખા નજીક ન રહેવું. તોફાનની અસરથી વીજળી અને મોબાઈલ નેટવર્કમાં પણ ખલેલ પડવાની શક્યતા છે, તેથી લોકો જરૂરી વસ્તુઓનો જથ્થો તૈયાર રાખવા સૂચિત કરવામાં આવ્યા છે.શ્રીલંકામાં સર્જાયેલી પરિસ્થિતિને જોતા ભારતીય તંત્ર સંપૂર્ણ સતર્ક બની ગયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે અને સ્થાનિક પ્રશાસન દ્વારા ગામોમાં માઈક પર ચેતવણીઓ આપવામાં આવી રહી છે. વાવાઝોડું ભારત પહોંચે તેના પહેલા જ તંત્ર દ્વારા શક્ય નુકસાન ઓછું કરવા તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.દિતવાહ વાવાઝોડું દક્ષિણ એશિયાઓ માટે ગંભીર જોખમ બની ગયું છે. શ્રીલંકામાં સર્જાયેલા વિનાશને જોતા સ્પષ્ટ છે કે આગામી થોડા દિવસો ભારત માટે પણ પડકારરૂપ રહેશે. તંત્રની ચેતવણીઓને ધ્યાનમાં રાખીને જ લોકો સલામત રહી શકે છે અને સંભાવિત નુકસાન થવાથી બચી શકે છે. Previous Post Next Post