દિત્વાહ વાવાઝોડાની અસરે તમિલનાડુમાં ભારે વરસાદ : ત્રણ જિલ્લાઓમાં સ્કૂલ-કોલેજો બંધ, ચેન્નાઈમાં ફ્લાઇટો રદ્દ

દિત્વાહ વાવાઝોડાની અસરે તમિલનાડુમાં ભારે વરસાદ : ત્રણ જિલ્લાઓમાં સ્કૂલ-કોલેજો બંધ, ચેન્નાઈમાં ફ્લાઇટો રદ્દ

વાવાઝોડું દિત્વાહ શ્રીલંકામાં ભયંકર તબાહી મચાવીને હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે. દિત્વાહની ધમકીએ દક્ષિણ ભારતનાં રાજ્ય તમિલનાડુમાં ચિંતા અને સતર્કતા વધારી છે. ભારે વરસાદ, તોફાની પવન અને વધતા ખતરા વચ્ચે રાજ્ય સરકારે ચેન્નાઈ, તિરુવલ્લૂર અને કાંચીપુરમ જિલ્લાઓમાં સ્કૂલ અને કોલેજોને તાત્કાલિક રજા જાહેર કરી છે. વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે અને નીચાણવાળા વિસ્તારોમાં સતત દેખરેખ રાખી રહ્યું છે.

રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિનિસ્ટર કેએએસએસઆર રામચંદ્રનની માહિતી અનુસાર, અત્યાર સુધી તમિલનાડુમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે, વૃક્ષો ધરાશાયી થયા છે અને વાહનવ્યવહાર પર અસર જોવા મળી છે. ચેન્નાઈ એરપોર્ટ પર પરિસ્થિતિ તંગ બની  છે, અનેક ફલાઈટો રદ્દ કરવાની ફરજ પડી છે, જ્યારે કેટલીક ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી છે.

બીજી તરફ, શ્રીલંકામાં વાવાઝોડું દિત્વાહે ભયંકર વિનાશ સર્જ્યો છે. અત્યાર સુધી 334 લોકોના મોત થયાની સત્તાવાર પુષ્ટિ થઈ છે. હજારો ઘર, રસ્તા, બ્રિજ અને સરકારી ઇમારતોને ભારે નુકસાન પહોંચ્યું છે. કોલંબોના અનેક વિસ્તારોમાં હજુ પણ પૂરનું પાણી ભરાયેલું છે અને હજારો લોકો બેઘર બની રાહત કેમ્પોમાં આશ્રય લઈ રહ્યા છે. શ્રીલંકામાં બચાવ કામગીરી માટે સૈનિકો, નૌસેના અને હવાઈ સેના સતત કાર્યરત છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી દિત્વાહના કારણે થયેલા નુકસાન અંગે દરેક સંભવિત મદદ આપવાનો વિશ્વાસ આપ્યો છે. ભારત દ્વારા 28 નવેમ્બરે ‘ઓપરેશન સાગર બંધુ’ શરૂ કરવામાં આવ્યું હતું, જેના માધ્યમથી શ્રીલંકાને તાત્કાલિક સર્ચ અને રેસ્ક્યુ, માનવતાવાદી સહાય અને આપત્તિ દરમિયાન જરૂરી સામગ્રી મોકલવામાં આવી છે.

આ ઓપરેશન અંતર્ગત અત્યાર સુધી 53 ટનથી વધુ રાહત સામગ્રી શ્રીલંકા મોકલાઈ છે. ભારતીય નૌસેનાના INS વિક્રાંતમાંથી ચેતક હેલિકોપ્ટરો અને ભારતીય વાયુસેનાના MI-17 હેલિકોપ્ટરો શ્રીલંકાની હવાઈસેનાની સાથે મળીને મોટા પાયે બચાવ કામગીરી કરી રહ્યા છે. અનેક વિસ્તારોમાં ફસાયેલા લોકો, ગર્ભવતી મહિલાઓ, બાળકો અને ગંભીર રીતે ઘાયલ લોકોને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

આ બચાવ અભિયાન માત્ર શ્રીલંકાનાં નાગરિકો પુરતુ મર્યાદિત નથી રહ્યું. બચાવવામાં આવેલા નાગરિકોમાં ભારત, શ્રીલંકા, જર્મની, સ્લોવેનિયા, યુનાઇટેડ કિંગડમ, દક્ષિણ આફ્રિકા, પોલેન્ડ, ઈરાન, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા અનેક દેશોના લોકોનો સમાવેશ થાય છે. ચક્રવાતમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પણ ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા તિરુવનંતપુરમ એરપોર્ટ પર સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા છે.

ત્યારે, તમિલનાડુમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા હોવા કારણે પ્રશાસને લોકોને જરૂરી સાવચેતી રાખવા વિનંતી કરી છે. બિનજરૂરી મુસાફરી ટાળવા, વીજ તારોથી દૂર રહેવા, કિનારા નજીક ન જવા અને સરકારી સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે. વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો 24 કલાક કાર્યરત છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

વાવાઝોડું દિત્વાહ આગામી કલાકોમાં વધુ તેજી સાથે તામિલનાડુ અને આંધ્ર પ્રદેશ પર અસર કરી શકે છે. હવામાન વિભાગે માછીમારોને સમુદ્રમાં ન જવા ચેતવણી આપી છે તથા દરિયાકાંઠાના વિસ્તારોમાં નિવાસ કરતા લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. હાલની પરિસ્થિતિને જોતા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરીમાં પૂરું દમ લગાવી રહી છે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ