ગ્લોબલ વોર્મિંગની અસરથી રાજકોટમાં સતત બે વર્ષ ડિસેમ્બરમાં પણ 36 ડિગ્રી સાથે ઉનાળાનો અહેસાસ Jan 05, 2026 ડિસેમ્બર મહિનો સામાન્ય રીતે કડકડતી ઠંડી માટે ઓળખાય છે, પરંતુ છેલ્લા સતત બે વર્ષથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ડિસેમ્બરમાં અપેક્ષિત ઠંડી નોંધાઈ નથી. ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે ઠંડીના મહિને પણ ઉનાળાની જેમ ઊંચું તાપમાન નોંધાતું હોવાનો ચિંતાજનક રેકોર્ડ સામે આવ્યો છે.હવામાન વિભાગના સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ, ડિસેમ્બર 2024 દરમિયાન રાજકોટમાં લઘુતમ તાપમાન તા.24 ડિસેમ્બરે સીંગલ ડિઝિટમાં પહોંચ્યું હતું અને 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત, તા.4 ડિસેમ્બરે સવારનું તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું હતું.મહત્વની બાબત એ છે કે તા.5 ડિસેમ્બર 2024ના રોજ રાજકોટમાં મહતમ તાપમાન 34.4 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, જેના કારણે ડિસેમ્બર મહિને પણ લોકોને ઉનાળાનો અહેસાસ થયો હતો.જો તાજેતરમાં પૂર્ણ થયેલ ડિસેમ્બર 2025ની વાત કરીએ તો, સમગ્ર મહિના દરમિયાન મોટાભાગે લઘુતમ તાપમાન 14થી 15 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. સૌથી ઓછું તાપમાન તા.12 ડિસેમ્બરના રોજ 12 ડિગ્રી નોંધાયું હતું. આ મહિને એક પણ દિવસ તાપમાન સીંગલ ડિજીટમાં પહોંચ્યું નહોતું, જે સામાન્ય ડિસેમ્બર મહિનાની સરખામણીએ નોંધપાત્ર ફેરફાર દર્શાવે છે.આ ઉપરાંત, ડિસેમ્બર 2025માં મહતમ તાપમાન પણ ચિંતાજનક રીતે ઊંચું રહ્યું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તા.20 ડિસેમ્બરે રાજકોટમાં મહતમ તાપમાન 36.3 ડિગ્રી નોંધાયું હતું, જે ગત વર્ષના સમાન સમયગાળાની તુલનામાં આશરે 2 ડિગ્રી વધુ હતું. આ કારણે સતત બીજા વર્ષે પણ ડિસેમ્બર મહિનામાં રાજકોટમાં ઉનાળા જેવો માહોલ જોવા મળ્યો હતો.હવામાન નિષ્ણાતોના મતે, આ બદલાવ પાછળ ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં થતાં ફેરફારો મુખ્ય કારણ છે. ડિસેમ્બરમાં ઠંડી ઓછી રહેવી અને મહતમ તાપમાન ઉનાળા જેવું રહેવું એ આવનારા સમયમાં હવામાનના વધુ અનિયમિત વલણની ચેતવણી રૂપે જોવામાં આવી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર મહિનામાં સામાન્ય કરતાં ઓછી ઠંડી બાદ નવા વર્ષ 2026ની શરૂઆતથી ફરી ઠંડીનો પ્રભાવ વધતો જોવા મળી રહ્યો છે. ગત શનિવાર અને રવિવારે રાજકોટમાં લઘુતમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું હતું અને તાપમાન ફરી સીંગલ ડિજીટમાં ઉતરતા લોકોને શિયાળાની સાચી ઠંડીનો અહેસાસ થયો હતો. Previous Post Next Post