રિજીયોનલ વાઈબ્રન્ટ સમિટમાં રેકોર્ડબ્રેક MOU, રવિવારે વડાપ્રધાન મોદી કરશે કોન્ફરન્સનું સત્તાવાર ઉદ્ઘાટન હર્ષ સંઘવીના જણાવ્યા મુજબ

રિજીયોનલ વાઈબ્રન્ટ સમિટમાં રેકોર્ડબ્રેક MOU, રવિવારે વડાપ્રધાન મોદી કરશે કોન્ફરન્સનું સત્તાવાર ઉદ્ઘાટન હર્ષ સંઘવીના જણાવ્યા મુજબ

રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતે આગામી તારીખ 11થી બે દિવસ માટે ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજીયોનલ સમિટ સૌરાષ્ટ્ર-કચ્છ 2026’નું આયોજન કરવામાં આવ્યું છે. મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાનારી આ મહત્વપૂર્ણ સમિટની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી ચૂકી છે. આ રીજીયોનલ વાઈબ્રન્ટ સમિટનું સત્તાવાર ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રવિવારે બપોરે કરવામાં આવશે.

આ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ વાઈબ્રન્ટ સમિટ રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ માટે ઐતિહાસિક સાબિત થવાની છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમિટ અંતર્ગત મારવાડી યુનિવર્સિટી ખાતે ખાસ તૈયાર કરાયેલા છ વિશાળ ડોમમાં યોજાનારી એકઝિબિશનનું પણ ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનનો કોઈ રોડ શો યોજવાનો નથી, તે બાબત પણ તેમણે સ્પષ્ટ કરી હતી.

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, આ વાઈબ્રન્ટ સમિટ દરમિયાન રેકોર્ડબ્રેક એમઓયુ થવાની પૂર્ણ શક્યતા છે, જેના કારણે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી દિશા મળશે. આ સમિટમાં ભારત સહિત 23થી વધુ દેશોના રાજદૂતો, 5000થી વધુ ઉદ્યોગ જગતના દિગ્ગજો, દેશ-વિદેશના પ્રતિષ્ઠિત ઉદ્યોગકારો, રોકાણકારો, નીતિ નિર્માતાઓ અને સ્ટાર્ટઅપ પ્રતિનિધિઓ હાજરી આપશે.

આ રીજીયોનલ વાઈબ્રન્ટ સમિટ સૌરાષ્ટ્ર-કચ્છની ઔદ્યોગિક, આર્થિક, કૃષિ, ઊર્જા, મત્સ્ય ઉદ્યોગ, પ્રવાસન, વિજ્ઞાન અને ટેકનોલોજી, ડિફેન્સ, ટેક્સટાઇલ અને સ્ટાર્ટઅપ ક્ષમતાઓને રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક મંચ પર રજૂ કરવાનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહેશે. સમિટ દ્વારા ઉદ્યોગ સાહસિકો, MSMEs, સ્ટાર્ટઅપ્સ અને વિવિધ ક્ષેત્રોના સહભાગીઓને એકસાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
 


બે દિવસના કાર્યક્રમ દરમિયાન ટ્રેડ શો, વિશાળ પ્રદર્શન, MSME કોન્ક્લેવ, વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, વિવિધ વિષયક સેમિનાર, રાઉન્ડ ટેબલ ચર્ચાઓ, નારીશક્તિ સંવાદ, નીતિ સંવાદ, રીવર્સ બાયર-સેલર મીટ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કલા પ્રદર્શન, દૈનિક લકી ડ્રો તથા ઉદ્યમી મેળા જેવા અનેક કાર્યક્રમો યોજાશે. સાથે જ ઊર્જા, હરિત વિકાસ, બ્લુ ઇકોનોમી, સિરામિક, ઓટો અને કૃષિજન એન્જિનિયરિંગ, બાગાયત, ડેટા સેન્ટર, ડિફેન્સ અને પ્રવાસન ક્ષેત્રમાં રહેલી તકો પર વિશેષ ચર્ચા કરવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ‘વિકાસ પણ વિરાસત પણ’ તથા આત્મનિર્ભર ગુજરાતની ભાવનાને આગળ ધપાવવાના ઉદ્દેશ્ય સાથે આ સમિટનું આયોજન કરી રહી છે, જે સૌરાષ્ટ્ર-કચ્છના વિકાસને નવા શિખરો સુધી પહોંચાડશે. આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, રાજ્ય સરકારના એડિશનલ સેક્રેટરી, જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી, ઉચ્ચ સરકારી અધિકારીઓ તથા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

આ સાથે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત યોજાનારી રીજીયોનલ એકઝિબિશન તા.11થી 15 જાન્યુઆરી સુધી નાગરિકો માટે ખુલ્લી રહેશે. ઉદ્યોગકારોને પડતી સમસ્યાઓના નિરાકરણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે અને અગાઉ ઉદ્યોગકારો પાસેથી મળેલા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉદ્યોગકારો સાથે વન-ટુ-વન બેઠક યોજી પ્રશ્નોનું નિવારણ કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં માહિતી આપી કે રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં 10,435 ઉદ્યોગકારોને કુલ રૂ.956.51 કરોડની સબસિડી આપવામાં આવી છે. ઉપરાંત 137 ઉદ્યોગ સાહસિકોને રૂ.661.73 કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે. ઉદ્યોગ વિકાસને વેગ આપવા માટે 13 નવી GIDC માટે જમીન સંપાદન પણ પૂર્ણ કરવામાં આવ્યું છે, જે કાર્યરત થતા આ વિસ્તારમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થશે.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજકોટ ગુજરાતના મેન્યુફેકચરિંગ સેક્ટરનું ગ્રોથ એન્જિન છે અને આ ક્ષેત્રમાં રાજકોટની આગવી ઓળખ છે. મહેસાણા ખાતે યોજાયેલી અગાઉની વાઈબ્રન્ટ સમિટમાં જેમ રેકોર્ડબ્રેક રોકાણ થયા હતા, તેમ રાજકોટ ખાતે યોજાનારી આ વાઈબ્રન્ટ સમિટમાં પણ ઐતિહાસિક એમઓયુ થવાની પૂરી શક્યતા છે, જે સૌરાષ્ટ્ર-કચ્છના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈ આપશે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ