ઉનાળાની વહેલી એન્ટ્રી! સૌરાષ્ટ્ર-કચ્છના 13 સ્થળોએ 32થી 35 ડિગ્રી, રાજકોટ અને સુરત સૌથી ગરમ શહેરો

ઉનાળાની વહેલી એન્ટ્રી! સૌરાષ્ટ્ર-કચ્છના 13 સ્થળોએ 32થી 35 ડિગ્રી, રાજકોટ અને સુરત સૌથી ગરમ શહેરો

હજુ શિયાળાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે ત્યારે જ રાજ્યભરમાં ઉનાળાની અહેસાસ થવા લાગ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં બપોરનું તાપમાન સતત વધી રહ્યું છે, જેના કારણે ઠંડી લગભગ ગાયબ થઈ ગઈ છે. છેલ્લા બે-ત્રણ દિવસથી મહત્તમ તાપમાન 32થી 35 ડિગ્રી સુધી પહોંચતા લોકો ફરી એકવાર પંખા અને એસીનો સહારો લેતા થયા છે. વહેલી સવારે જે ઠંડક અનુભવાતી હતી તે પણ હવે ધીમે ધીમે ઓછી થતી જઈ રહી છે.

હવામાન વિભાગના આંકડા મુજબ ગઈકાલે સૌરાષ્ટ્ર-ગુજરાતના કુલ 13 સ્થળોએ બપોરનું તાપમાન 32થી 35 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં રાજકોટ સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું, જ્યાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરતમાં નોંધાયું હતું, જ્યાં પારો 35.4 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. આ બંને શહેરોમાં બપોર દરમિયાન આકરો તાપ અનુભવાતા લોકો ગરમીથી પરેશાન થયા હતા.

રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાન ઉંચા સ્તરે રહ્યું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી, અમરેલીમાં 33.5, વડોદરામાં 33.6, ભાવનગરમાં 32.3, ભુજમાં 33.3, દમણમાં 32.4, ડાંગમાં 33.9, ડીસામાં 33.1, કંડલામાં 33.3, નલીયામાં 34.5 અને પોરબંદરમાં 32.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ આંકડાઓ દર્શાવે છે કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઉનાળાની શરૂઆત જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે.

માત્ર બપોર જ નહીં, પરંતુ સવારે પણ ઠંડીનો અહેસાસ બહુ ઓછો રહ્યો હતો. આજે સવારે રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં હવામાં ભેજનું પ્રમાણ 70થી 87 ટકા સુધી નોંધાયું હતું, જેના કારણે કેટલાંક વિસ્તારોમાં આછું ધુમ્મસ પણ જોવા મળ્યું હતું. તેમ છતાં, ઠંડીનો પારો નોંધપાત્ર રીતે ઘટી ગયો હતો. આજે સવારે રાજકોટમાં લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું હતું. પોરબંદરમાં 16.5, સુરતમાં 18.8, વેરાવળમાં 17.9, ઓખામાં 18.6, અમદાવાદમાં 19, અમરેલીમાં 15.6, વડોદરામાં 17.2, ભાવનગરમાં 19.4, ભુજમાં 17.8, દમણમાં 18, ડીસામાં 14.8, દિવમાં 15.5, દ્વારકામાં 19, ગાંધીનગરમાં 18.8 અને કંડલામાં 17.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

જામનગર શહેરમાં પણ છેલ્લા એક સપ્તાહથી ઠંડી ધીમે ધીમે વિદાય લઈ રહી હોય તેમ સ્થિતિ જોવા મળી રહી છે. અહીં લઘુત્તમ તાપમાન સતત ઉંચકાતું હતું અને ગઇકાલે તે 18 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જોકે આજે તેમાં ફરી બે ડિગ્રીનો ઘટાડો નોંધાતા પારો 16 ડિગ્રી થયો હતો, જેના કારણે લોકોમાં થોડી ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. તેમ છતાં બપોરનું મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રી ઉછળી 31 ડિગ્રી સુધી પહોંચતા ઉનાળાની અસર સ્પષ્ટ રીતે જોવા મળી હતી.

પવનની ગતિમાં પણ થોડો ઘટાડો નોંધાયો હતો. જામનગરમાં પવનની ગતિ પ્રતિ કલાક એક કિલોમીટર ઘટીને 4.1 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. છેલ્લા 24 કલાક દરમિયાન અહીં લઘુત્તમ તાપમાન બે ડિગ્રી ઘટીને 16 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રી વધીને 31 ડિગ્રી પર પહોંચ્યું હતું. આ સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ છ ટકા ઘટીને 63 ટકા નોંધાયું હતું.

હવામાન નિષ્ણાતોના મતે, હાલ માત્ર સવાર અને સાંજના સમયે જ થોડો ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે દિવસ દરમિયાન ગરમી સ્પષ્ટ રીતે અનુભવાઈ રહી છે. શિયાળો હવે ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને આવનારા દિવસોમાં તાપમાનમાં અડધા થી બે ડિગ્રી સુધીનો વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો આ સ્થિતિ યથાવત્ રહી તો ફેબ્રુઆરીના મધ્યભાગમાં જ ઉનાળાની અસર વધુ તીવ્ર બનવાની શક્યતા છે, જેના કારણે લોકો માટે ગરમીનો સામનો કરવો પડશે.

You may also like

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ