જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સાયકલોથોનને જનતાનો ઉત્સાહભર્યો પ્રતિસાદ, 2,500થી વધુ નાગરિકો જોડાયા Dec 15, 2025 ફિટ ઇન્ડિયા મુવમેન્ટ, હર ઘર સ્વદેશી અને ઘર ઘર સ્વદેશી અભિયાનને મજબૂત બનાવવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા રવિવારે વિશાળ પાયે સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતેથી શરૂ થયેલી આ સાયકલોથોનમાં જુદી-જુદી બે કેટેગરી હેઠળ 10 કિલોમીટર અને 15 તથા 25 કિલોમીટરની ઈવેન્ટ્સ યોજાઈ હતી, જેમાં કુલ મળીને 2,500થી વધુ સાયકલીસ્ટોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.સવારે વહેલી વેળાએ જ શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાગરિકોની ભારે ભીડ જોવા મળી હતી. યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો તેમજ બાળકો સહિત તમામ વર્ગના લોકો આ આરોગ્યલક્ષી અને પર્યાવરણલક્ષી અભિયાનમાં જોડાયા હતા. કાર્યક્રમનો ઉદ્દેશ્ય નાગરિકોમાં સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ સાયકલ ચલાવવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો હતો. અગ્રણીઓએ કરાવ્યો ફ્લેગ ઓફસાયકલોથોનનું પ્રસ્થાન જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, સીટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના અધિકારીઓ અને આગેવાનો દ્વારા ફ્લેગ ઓફ કરીને કરાવાયું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ ભાગ લેનારા તમામ સાયકલીસ્ટોને શુભેચ્છા પાઠવી અને નિયમિત કસરતના મહત્વ પર ભાર મૂક્યો હતો. રૂટ અને આયોજનની વિગત10 કિલોમીટર તથા 15/25 કિલોમીટરની બંને કેટેગરીનો રૂટ જિલ્લા પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થયો હતો.10 કિ.મી. ઈવેન્ટમાં સાયકલીસ્ટોએ શરૂઆત સેકશન રોડથી ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજ, હાલાર સોલ્ટ વર્ક્સ સુધી જઈ ફરી પોલીસ હેડક્વાર્ટર ખાતે પરત ફરવાનું હતું.જ્યારે 15 અને 25 કિલોમીટરની ઈવેન્ટમાં પોલીસ હેડક્વાર્ટરથી હાલાર સોલ્ટ સુધી જઈ પરત આવવાનો રૂટ નક્કી કરવામાં આવ્યો હતો.પ્રત્યેક કેટેગરી માટે નિશ્ચિત સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. 10 કિ.મી. માટે 1 કલાક અને 15/25 કિ.મી. માટે દોઢથી બે કલાકનો સમય અપાયો હતો. માર્ગ પર સલામતી અને સુવિધા માટે પોલીસ, મેડિકલ ટીમ, ટ્રાફિક અને સફાઈ સ્ટાફને તૈનાત રાખવામાં આવ્યો હતો. વોર્મ-અપ અને વ્યવસ્થાઓસાયકલોથોન પૂર્વે સવારે 5:30 વાગ્યાથી પહોંચેલા સાયકલીસ્ટો માટે વોર્મ-અપ ઝુંબા સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ભાગ લેનારોએ ખુબ જ ઉત્સાહથી માણ્યું હતું. સ્ટેજ પરથી તમામ સ્પર્ધકોને રૂટ, ટર્નિંગ પોઈન્ટ અને સલામતી સંબંધી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. લકી ડ્રો દ્વારા ઇનામોનું વિતરણનિશ્ચિત સમયમર્યાદામાં સાયકલોથોન પૂર્ણ કરનાર તમામ સાયકલીસ્ટોને ટોકન આપવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને કેટેગરીમાંથી લકી ડ્રો દ્વારા પ્રથમ દસ-દસ એમ કુલ 20 વિજેતાઓને ઇનામ સ્વરૂપે નવી સાયકલો ભેટ આપવામાં આવી હતી.10 કિ.મી. કેટેગરીના વિજેતાઓને ગિયર વગરની સાયકલો અને 25 કિ.મી. કેટેગરીના વિજેતાઓને આધુનિક ગિયરવાળી સાયકલો આપવામાં આવી હતી. ઇનામ વિતરણ મહાનગરપાલિકાના આગેવાનો અને અધિકારીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. જનસહભાગિતાનું ઉત્તમ ઉદાહરણઆ સાયકલોથોન જામનગર શહેરમાં સ્વસ્થ જીવનશૈલી, પર્યાવરણ સંરક્ષણ અને ફિટ ઇન્ડિયા અભિયાનને આગળ વધારતું એક ઉત્તમ ઉદાહરણ બન્યું છે. મોટી સંખ્યામાં નાગરિકોની હાજરીથી સ્પષ્ટ થયું કે શહેરવાસીઓ આરોગ્યપ્રધાન પ્રવૃત્તિઓ પ્રત્યે સજાગ બની રહ્યા છે.મહાનગરપાલિકા તંત્રએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ આવી જ લોકભાગીદારીવાળી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે, જેથી જામનગરને સ્વસ્થ, સ્વચ્છ અને સક્રિય શહેર બનાવવાની દિશામાં વધુ એક પગલું આગળ વધારી શકાય. Previous Post Next Post