જૂનાગઢમાં ઉર્સ પર્વને લઈ દાતાર પર્વત અને વિલિંગ્ડન ડેમ વિસ્તારમાં 5 દિવસ પ્રવેશબંધી Aug 22, 2026 જૂનાગઢ,પ્રવેશ માટે વન વિભાગની પૂર્વ મંજૂરી ફરજિયાતજૂનાગઢમાં આગામી દિવસોમાં આયોજિત દાદા દાતારના પરંપરાગત ઉર્સ પર્વને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને સલામતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ રીતે ઉજવણી સંપન્ન થાય તે હેતુથી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી દાતાર પર્વત અને વિલિંગ્ડન ડેમ વિસ્તારમાં સામાન્ય નાગરિકોના પ્રવેશ પર પાંચ દિવસ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.જૂનાગઢના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નિકુંજ ધુડા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા મુજબ, આ પ્રતિબંધ તા. 22 ઓગસ્ટની મધ્યરાત્રિએ 12:00 વાગ્યાથી અમલી બની રહ્યો છે, જે તા. 27 ઓગસ્ટની રાત્રિના 12:00 વાગ્યા સુધી લાગુ રહેશે. આ સમયગાળા દરમિયાન દાતાર પર્વત, વિલિંગ્ડન ડેમ અને તેની આસપાસના સંવેદનશીલ તથા સુરક્ષિત વિસ્તારોમાં જાહેર જનતાની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, ઉર્સ પર્વ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે આ નિયમનું કડક પાલન કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ કે શ્રદ્ધાળુને અનિવાર્ય સંજોગોમાં આ પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશવાની જરૂર જણાય, તો તેમણે સંબંધિત વન વિભાગની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. વહીવટી તંત્રએ સ્થાનિકો અને શ્રદ્ધાળુઓને આ સમયગાળા દરમિયાન નિયમોનું પાલન કરવા અને તંત્રને સહયોગ આપવા અપીલ કરી છે. જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. Previous Post Next Post