દરેક સ્માર્ટફોનમાં ફરજિયાત સરકારી એપ આવશે, યુઝર ડિલીટ નહીં કરી શકે એવો નવો આદેશ Dec 01, 2025 ભારતમાં સ્માર્ટફોન યુઝર્સ માટે એક મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર થવાનો છે. સરકારી સ્રોતો દ્વારા મળતી માહિતી મુજબ ટૂંક સમયમાં દેશના દરેક નવા મોબાઇલ ફોનમાં એક સરકારી એપ પહેલાથી ઇન્સ્ટોલ થયેલી હશે, જેને યુઝર ડિલીટ પણ કરી શકશે નહીં. આ નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત હજી કરવામાં આવી નથી, પરંતુ ટેલિકોમ મંત્રાલયે મોબાઇલ મેન્યુફેક્ચરર્સને આ અંગે સૂચના આપ્યાની માહિતી બહાર આવી છે.આગામી સમયમાં દરેક સ્માર્ટફોનમાં ફરજિયાત રીતે ઇન્સ્ટોલ થનારી એપ છે — સંચાર સાથી. આ એક સરકારની સાયબર સુરક્ષા અને ફોન ટ્રેકિંગ એપ્લિકેશન છે, જેનો મુખ્ય હેતુ સાયબર ફ્રોડ રોકવો, નકલી મોબાઇલ ફોનના વેચાણ પર નિયંત્રણ લાવવું, તેમજ ગુમ થયેલા અથવા ચોરાયેલા મોબાઇલ ફોનને ટ્રેક કરીને પુનઃપ્રાપ્ત કરાવવામાં મદદ કરવો છે. ભારતમાં હાલમાં 1.2 અબજથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે અને દેશ મોબાઇલ ઉત્પાદન ક્ષેત્રે વિશ્વના ટોપ દેશોમાં ગણાય છે. એવા સમયમાં યુઝર્સની સિક્યુરિટી સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા આ પગલું અત્યંત મહત્વનું ગણવામાં આવે છે.સંચાર સાથી એપને લઈને સરકારના સત્તાવાર આંકડાઓ પણ ચોંકાવનારા છે. સરકાર અનુસાર, આ એપની મદદથી અત્યાર સુધીમાં 7 લાખથી વધુ ખોવાયેલા અને ચોરાયેલા સ્માર્ટફોન પાછા મેળવવામાં આવ્યા છે, જેમાં ફક્ત ઓક્ટોબર મહિનામાં જ 50 હજાર ફોન રિકવર થયા હતા. 2023માં DoTએ આ પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું અને ત્યારથી તેને સતત સુધારવામાં આવી રહી છે.28 નવેમ્બર 2025ના રોજ બહાર આવેલા આદેશ મુજબ મોબાઇલ ઉત્પાદકોને આગામી 90 દિવસની અંદર પોતાના મોડેલ્સ માટે સોફ્ટવેર અપડેટ અને નવા ફોન માટે ફરજિયાત ઇન્સ્ટોલેશન સિસ્ટમ તૈયાર કરવાની રહેશે. સરકારના નિયમ અનુસાર આ એપ ફોનમાં ઇન્સ્ટોલ તો હોવી જ પડશે, પરંતુ તેને છુપાવી પણ શકાશે નહીં અને યુઝર તેને દૂર પણ કરી શકશે નહીં. એટલે કે, તે ફોનના સિસ્ટમ સોફ્ટવેરનો એક ફરજિયાત ભાગ બની જશે.હાલમાં સંચાર સાથી એપ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ઉપલબ્ધ છે અને તેને ડાઉનલોડ કરીને યુઝર્સ તેનો ઉપયોગ કરી રહ્યા છે. આ એપ દ્વારા યુઝર્સને વિવિધ સુરક્ષા સુવિધાઓ મળે છે. કોઈ અજાણ્યા નંબરથી શંકાસ્પદ કોલ કે મેસેજ મળે તો તેની જાણ સીધી એપ પરથી કરી શકાય છે. સતત વધતાં સાયબર ફ્રોડ અને સ્પૂફિંગ કોલ્સને ધ્યાનમાં રાખીને આ અત્યંત ઉપયોગી ફીચર માનવામાં આવે છે.જો કોઈ યુઝરનો મોબાઈલ ફોન ખોવાઈ જાય કે ચોરી થઈ જાય, તો ફોનનો IMEI નંબર દાખલ કરીને તેને તરત જ બ્લોક કરી શકાય છે. ફોન બ્લોક થયા પછી તે કોઈપણ નેટવર્ક સાથે કનેક્ટ થઈ શકતો નથી, જેથી તેનો દુરુપયોગ થવાનું જોખમ ઘટે છે. આ સુવિધાએ દેશમાં અનેક ચોરીની ફરિયાદોમાં મદદ કરી છે અને હજારો લોકોને પોતાનો ફોન પાછો મેળવવામાં સહાય મળી છે.આ એપ દ્વારા યુઝર્સ પોતાના નામે કેટલા સિમ કાર્ડ રજીસ્ટર થયેલા છે તે પણ જોઈ શકે છે. ઘણી વખત લોકોના નામે તેમને ખબર પણ ન હોય તેટલા સિમ કાર્ડ એક્ટિવ જોવા મળે છે, જેનો ઉપયોગ છેતરપિંડીમાં થતો હોય છે. યુઝર ઇચ્છે તો તે શંકાસ્પદ સિમ કાર્ડને બ્લોક પણ કરી શકે છે.ફોન અસલી છે કે નકલી — તે પણ આ એપ દ્વારા ચકાસી શકાય છે. મોબાઇલ માર્કેટમાં નકલી અને ક્લોન થયેલા ફોનના વધતા કેસ વચ્ચે આ ફીચર ખાસ જરૂરી બની ગયું છે. નવો કે જુનો ફોન ખરીદતા પહેલા IMEI દ્વારા તેની પુષ્ટિ કરી શકાય છે.માટેના ફોનમાં પણ આ એપ લાવવા કંપનીઓને સોફ્ટવેર અપડેટ આપવો પડશે, જેથી સંચાર સાથી એપ સિસ્ટમ એપ તરીકે ઇન્સ્ટોલ થઈ શકે. જોકે, એપલની iPhone નીતિ મુજબ તેઓ ત્રિ-પક્ષીય અથવા સરકારી એપ્સ ફરજિયાત ઇન્સ્ટોલ કરવાની મંજૂરી આપતા નથી. તેથી એપલ અને અન્ય મોટા બ્રાન્ડ — ગૂગલ, સેમસંગ, શાઓમી — દ્વારા આ અંગે શું નક્કી કરવામાં આવશે તેની રાહ જોવામાં આવી રહી છે.સરકારના આ નવા પગલાથી ડિજિટલ સુરક્ષા મજબૂત થશે, સાયબર ફ્રોડ નિયંત્રણમાં રહેશે અને મોબાઇલ યુઝર્સ માટે સુરક્ષિત ડિજિટલ ઇકોસિસ્ટમ ઉભો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. Previous Post Next Post