ગીર સોમનાથ જિલ્લામાં પહેલીવાર 'એમ્બરગ્રીસ' સાથે ઝડપાઈ ટોળકી, ભાવનગર અને સુરતના 4 શખ્સોની ધરપકડ

ગીર સોમનાથ જિલ્લામાં પહેલીવાર 'એમ્બરગ્રીસ' સાથે ઝડપાઈ ટોળકી, ભાવનગર અને સુરતના 4 શખ્સોની ધરપકડ

ગીર સોમનાથ જિલ્લામાં પહેલી વખત વ્હેલ માછલીની ઉલ્ટી તરીકે ઓળખાતી પ્રતિબંધિત વસ્તુ એમ્બરગ્રીસ સાથે દાણચોરોની ટોળકી ઝડપાઈ હોવાની ઘટના સામે આવી છે. ગીર ગઢડા તાલુકાના દ્રોણ ચોકડી વિસ્તારમાં પોલીસે કારમાંથી 19 ગ્રામ એમ્બરગ્રીસ સાથે ચાર શખ્સોને ઝડપી લીધા છે. આ ચાર આરોપીઓમાં ભાવનગર જિલ્લાના ત્રણ અને સુરતનો એક ઈસમ સામેલ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસ બાદ આરોપીઓને મુદ્દામાલ સાથે જસાધાર વન વિભાગને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઘટના ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમવાર નોંધાઈ હોવાને કારણે વન વિભાગ અને પોલીસ તંત્ર માટે ચિંતાજનક છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે કિંમતી ગણાતી એમ્બરગ્રીસની ગેરકાયદેસર હેરાફેરી ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં વધતી જતી હોવાના સંકેતો પણ આ ઘટનાથી મળ્યા છે. પોલીસે પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે આરોપીઓ કાર મારફતે એમ્બરગ્રીસનું ટ્રાન્સપોર્ટેશન કરી રહ્યા હતા અને તેને ઉંચા ભાવે વેચવાની યોજના હતી.

વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ, 1972 હેઠળ સ્પર્મ વ્હેલ એક સંપૂર્ણ રીતે સંરક્ષિત પ્રાણી છે. આ કાયદા મુજબ વ્હેલનો શિકાર કરવો, તેના શરીરના કોઈપણ ભાગ – જેમ કે હાડકાં, વાળ અથવા એમ્બરગ્રીસ – રાખવા કે વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ ગુનામાં આરોપીઓને શિડ્યુલ-1 અંતર્ગત 3 વર્ષથી 7 વર્ષ સુધીની જેલ અને દંડની સજા થઈ શકે છે. વન વિભાગ દ્વારા આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે કે આ ગેંગનો કોઈ આંતરરાજ્ય અથવા આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે સંબંધ છે કે નહીં.

એમ્બરગ્રીસને સામાન્ય ભાષામાં “વ્હેલની ઉલ્ટી” કહેવાય છે, પરંતુ વૈજ્ઞાનિક રીતે આ વાત સંપૂર્ણ સાચી નથી. હકીકતમાં એમ્બરગ્રીસ એક મીણ જેવો પદાર્થ છે, જે સ્પર્મ વ્હેલના પાચનતંત્રમાં બને છે. જ્યારે વ્હેલ મોટા પ્રમાણમાં સમુદ્રી જીવ ખાઈ જાય છે અને તે યોગ્ય રીતે પચતા નથી, ત્યારે આંતરડાઓને બચાવવા માટે આ પદાર્થ બને છે – એવી એક વૈજ્ઞાનિક માન્યતા છે. જોકે, એમ્બરગ્રીસ કેવી રીતે બને છે તે બાબતે આજ સુધી સંપૂર્ણ સ્પષ્ટતા થઈ શકી નથી.

એમ્બરગ્રીસ વ્હેલના શરીરમાંથી બહાર અનેક રીતે નીકળે છે. કેટલીક વખત તે ગુદા દ્વારા બહાર આવે છે, તો ક્યારેક દરિયામાં તરતું મળી આવે છે. શરૂઆતમાં તેનો રંગ આછો પીળો અને ગંધ તીવ્ર હોય છે, પરંતુ સમય જતાં તે રાખોડી, કાળો અથવા ઘાટો લાલ રંગ ધારણ કરે છે અને તેની ગંધ પણ નરમ બની જાય છે. આ કારણે જ તેને “ગ્રે એમ્બર” અથવા “ફ્લોટિંગ ગોલ્ડ” એટલે કે “તરતું સોનું” કહેવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં એમ્બરગ્રીસની કિંમત તેની ગુણવત્તા અને શુદ્ધતા પર આધાર રાખે છે. જાણકારોના જણાવ્યા અનુસાર એક કિલો એમ્બરગ્રીસની કિંમત 1થી 2 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. મુખ્યત્વે તેનો ઉપયોગ મોંઘા પરફ્યુમ બનાવવા માટે થાય છે, કારણ કે તે સુગંધને લાંબા સમય સુધી ટકાવી રાખવાની ક્ષમતા ધરાવે છે. અગાઉના સમયમાં તેનો ઉપયોગ ખોરાક, તમ્બાકૂ અને આલ્કોહોલમાં ફ્લેવર તરીકે પણ થતો હતો. કેટલાક દેશોમાં તે જાતીય શક્તિ વધારતો હોવાનું માનવામાં આવતું હોવાથી તેની માંગ વધુ હતી.

વિશ્વના લગભગ 40થી વધુ દેશોમાં એમ્બરગ્રીસ પર પ્રતિબંધ છે. ભારત, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં તેને રાખવું કે તેનો વેપાર કરવો ગુનાહિત કૃત્ય છે. ભારતમાં સ્પર્મ વ્હેલ સંરક્ષિત પ્રજાતિ હોવાથી તેના સંબંધિત તમામ ઉત્પાદનો પર કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. છતાં, દરિયાકાંઠાના કેટલાક રાજ્યોમાં ગેરકાયદેસર રીતે તેનો વેપાર થતો હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

ગીર સોમનાથની આ ઘટના બાદ વન વિભાગ અને પોલીસ દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં નજર રાખવામાં વધુ કડકાઈ લાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. સાથે જ, આવી પ્રતિબંધિત અને દુર્લભ વસ્તુઓના વેપાર સામે જનજાગૃતિ ફેલાવવાની પણ જરૂરિયાત હોવાનું અધિકારીઓ માની રહ્યા છે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ