અમેરિકાના હુમલા બાદ ઇરાને એક જ દિવસમાં 10 જહાજો પર હુમલા કરતા વૈશ્વિક તણાવ

અમેરિકાના હુમલા બાદ ઇરાને એક જ દિવસમાં 10 જહાજો પર હુમલા કરતા વૈશ્વિક તણાવ

નવી દિલ્હી,

બે અમેરિકન જહાજ અને આઠ ઓઈલ ટેન્કરો પર હુમલાથી વ્યાપક યુદ્ધ ભડકવાના એંધાણ

અમેરિકા અને ઈરાન વચ્ચે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ રહ્યો છે. અમેરિકા દ્વારા ઈરાનના 5 ઓઈલ ટેન્કરો તબાહ કરાયા બાદ, ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ વળતો પ્રહાર કરતાં એક જ દિવસમાં 10 જહાજો પર હુમલો કરવાનો દાવો કર્યો છે. આ કાર્યવાહી બાદ હોર્મુઝમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.

ઈરાનની IRGC ના જણાવ્યા મુજબ, તેના દળોએ હોર્મુઝના પ્રતિબંધિત અને અસુરક્ષિત વિસ્તારમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલા 10 જહાજોને નિશાન બનાવ્યા છે. આ જહાજોમાં 2 અમેરિકન યુદ્ધજહાજ અને 8 ઓઇલ ટેન્કરોનો સમાવેશ થાય છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે અમેરિકન નૌસેનાના વિધ્વંસક જહાજો DDG-119 અને DDG-53 પર સફળ મિસાઇલ હુમલા કર્યા છે. જોકે, આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.

ઈરાની સરકારી ટીવી પર વાંચવામાં આવેલા નિવેદન અનુસાર, IRGC ની નેવીએ કુવૈત, જોર્ડન અને બહરીનના બંદરો પર હાજર તમામ ઓઈલ ટેન્કરોના ક્રૂને તાત્કાલિક જહાજ ખાલી કરવા કહ્યું છે. ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે બંદરો પર અમેરિકન સેનાની હાજરી છે અને જે અમેરિકન કાર્યવાહીમાં સહયોગ આપી રહ્યા છે, ત્યાં ઊભેલા તમામ ટેન્કરોને નિશાન બનાવવામાં આવશે.

આ અગાઉ, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડએ ઓમાનની ખાડી અને ખાર્ગ દ્વીપ નજીક ઈરાન સાથે જોડાયેલા 5 ક્રૂડ ઓઇલ ટેન્કરોને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા હતા. અમેરિકાનો આરોપ હતો કે ઈરાને છેલ્લા બે દિવસમાં તેના એક સૈન્ય જહાજ પર બે વાર બેલેસ્ટિક મિસાઇલો દાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સિવાય 5 સપ્ટેમ્બરે પણ અમેરિકાએ ઈરાનના 3 ઓઈલ ટેન્કરો તબાહ કર્યા હતા.

બીજી તરફ, ઈરાને અમેરિકાના એક અંડરવોટર ડ્રોન (સબમર્સિબલ) ને કબજે કરવાનો દાવો કર્યો છે. જોકે, પેન્ટાગોને આ દાવાને ફગાવતા સ્પષ્ટતા કરી છે કે આ એક જૂનું મોડેલ હતું જે એક દિવસ પહેલા જ ટેકનિકલ ખામીના કારણે બંધ પડી ગયું હતું. તેમાં કોઈ ગોપનીય ડેટા કે સંવેદનશીલ સોનાર-રાડાર સાધનો નહોતા.

You may also like

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન