ગુજરાતમાંથી ટાઈપ-1 ડાયાબિટીસ નાબૂદ કરવા સરકારનો સંકલ્પ, રાજ્યવ્યાપી અભિયાનનો ભવ્ય પ્રારંભ

ગુજરાતમાંથી ટાઈપ-1 ડાયાબિટીસ નાબૂદ કરવા સરકારનો સંકલ્પ, રાજ્યવ્યાપી અભિયાનનો ભવ્ય પ્રારંભ

ગુજરાત રાજ્યમાંથી ટાઈપ-1 ડાયાબિટીસ (જુવેનાઈલ ડાયાબિટીસ)ને નિયંત્રિત કરી તેને સંપૂર્ણપણે નાબૂદ કરવાની દિશામાં રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી “ટાઈપ-1 ડાયાબિટીસ સારવાર-નિયંત્રણ કાર્યક્રમ”નો સત્તાવાર પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ટાઈપ-1 ડાયાબિટીસથી પીડિત એક પણ બાળક સારવાર અને આરોગ્યસુવિધાથી વંચિત ન રહે, તે માટે સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ટાઈપ-1 ડાયાબિટીસ એક ગંભીર પરંતુ યોગ્ય નિદાન અને સમયસર સારવારથી નિયંત્રિત કરી શકાય એવો રોગ છે. રાજ્ય સરકારે આ રોગ ધરાવતા તમામ બાળકોને ઓળખી તેમને નિયમિત અને મફત સારવાર પૂરી પાડવા માટે સઘન આયોજન સાથે આ રાજ્યવ્યાપી અભિયાન શરૂ કર્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે કે, કોઈ પણ બાળક માત્ર આર્થિક કારણોસર સારવારથી વંચિત ન રહી જાય.

આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને સારવાર કિટનું વિતરણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, આ કિટમાં ઇન્સ્યુલિન ઇન્જેક્શન, ગ્લુકોમિટર, સ્ટ્રીપ્સ અને અન્ય જરૂરી આરોગ્ય સામગ્રી નિઃશુલ્ક આપવામાં આવશે. રાજ્ય સરકારનો ઉદ્દેશ એ છે કે, બાળકોની લાંબા ગાળાની સારવારનો ભાર તેમના પરિવાર પર ન પડે અને તેઓ સ્વસ્થ જીવન જીવી શકે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર બાળ આરોગ્ય સંભાળ માટે ‘પ્રિકોશન, પ્રિવેન્શન અને પોઝિટિવ લાઈફસ્ટાઈલ’ પર ખાસ ધ્યાન આપી રહી છે. આ દિશામાં રાજ્યમાં શાળા આરોગ્ય અભિયાન અમલમાં છે, જેના અંતર્ગત દર વર્ષે સરેરાશ 1 કરોડથી વધુ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે. આ તપાસ દરમિયાન જો કોઈ બાળકમાં ગંભીર બીમારી કે વિશેષ સારવારની જરૂર જણાય તો તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલોમાં રિફર કરવામાં આવે છે.

તેમણે જણાવ્યું કે, કિડની રોગ, હૃદયરોગ, કેન્સર, લિવર ટ્રાન્સપ્લાન્ટ જેવી સુપર સ્પેશ્યાલિટી સારવાર રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવે છે. છેલ્લા 11 વર્ષોમાં રાજ્ય સરકારે 2 લાખ 18 હજારથી વધુ બાળકોને આવી મોંઘી અને જટિલ સારવાર વિના મૂલ્યે પૂરી પાડી છે, જે સરકારની બાળકલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, આજની બદલાતી જીવનશૈલી, વધતો તણાવ અને અસંતુલિત આહારના કારણે યુવા અને પુખ્ત વયના લોકોમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. જોકે, યોગ્ય જીવનશૈલી અપનાવી, નિયમિત વ્યાયામ અને સંતુલિત આહાર દ્વારા આ રોગથી બચી શકાય છે. તેમણે નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની અપીલ કરી.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલી અપીલનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, દેશમાં વધતી જતી મેદસ્વિતા અને જીવનશૈલીના રોગોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ ભોજનમાં તેલનો ઉપયોગ 10 ટકા ઘટાડવા અને નિયમિત કસરતને જીવનનો અભિન્ન ભાગ બનાવવાની અપીલ કરી છે. આ સંદેશને દરેક નાગરિકે અપનાવવો જરૂરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંતમાં જણાવ્યું કે, ટાઈપ-1 ડાયાબિટીસ સામેનું આ અભિયાન માત્ર આરોગ્ય કાર્યક્રમ નથી, પરંતુ બાળકોના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટેનો રાજ્ય સરકારનો સંકલ્પ છે. સરકાર, આરોગ્ય વિભાગ, ડોક્ટરો, શિક્ષકો અને પરિવારના સહયોગથી ગુજરાત ટૂંક સમયમાં ટાઈપ-1 ડાયાબિટીસ નિયંત્રણમાં એક મોડેલ રાજ્ય બનશે એવી આશા વ્યક્ત કરી.
 

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ