ઉત્તરાયણ પહેલા ગુજરાત હાઈકોર્ટનો રાજ્ય સરકારને કડક આદેશ, ચાઇનીઝ દોરી વેચનારાઓ પર કડક ત્રાટકાના નિર્દેશ Dec 30, 2025 ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ચાઇનીઝ દોરી અને તેની સાથે સંકળાયેલી ટુક્કલ સહિતની જીવલેણ વસ્તુઓના વેચાણ અને સંગ્રહ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ચાઇનીઝ દોરીનું વેચાણ, સંગ્રહ અથવા પરિવહન કરનાર કોઈપણ વ્યક્તિ સામે કાયદેસરની આકરી કાર્યવાહી કરવામાં આવે. સાથે જ, અત્યાર સુધીમાં ચાઇનીઝ દોરીના વેચાણ સામે કરવામાં આવેલી કાર્યવાહીનો વિગતવાર અહેવાલ કોર્ટમાં રજૂ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.રાજ્ય સરકાર તરફથી હાઈકોર્ટમાં રજૂ કરાયેલા અહેવાલ મુજબ, અત્યાર સુધી ચાઇનીઝ દોરીના વેચાણ બદલ કુલ 59 કેસ નોંધવામાં આવ્યા છે અને આશરે 37 લાખ રૂપિયાનો જીવલેણ માલ જપ્ત કરવામાં આવ્યો છે. સરકારે કોર્ટને આશ્વાસન આપ્યું છે કે ભવિષ્યમાં પણ ચાઇનીઝ દોરી તેમજ તેની સાથે સંકળાયેલી પ્રતિબંધિત વસ્તુઓનો સ્ટોક રાખનાર, વેચનાર અથવા વહેંચનાર સામે કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં નહીં આવે.હાઈકોર્ટે ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને રાજ્ય માટે ખાસ માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. આ માર્ગદર્શિકાઓનું કડક પાલન થાય તે માટે તમામ જિલ્લા પોલીસ વડાઓને ડે-ટુ-ડે કાર્યવાહીનો રિપોર્ટ સરકાર મારફતે કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ આગામી પખવાડિયા સુધી રાજ્યભરમાં ચાઇનીઝ દોરીના વેપારીઓ પર પોલીસની કડક નજર રહેશે અને કોઈપણ સમયે દરોડા પાડવામાં આવી શકે છે.આદેશના પગલે ચાઇનીઝ દોરીનો સ્ટોક કરી રાખનારા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ઘણા વેપારીઓ ઉત્તરાયણ પૂર્વે જ આ સ્ટોકનો નિકાલ કરવાની ફિરાકમાં છે, પરંતુ હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ ગમે ત્યારે ત્રાટકી શકે હોવાથી તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ડે-ટુ-ડે રિપોર્ટિંગ ફરજિયાત થતાં હવે પોલીસ તંત્ર પણ હાઈકોર્ટને જવાબ આપ્યા વિના છૂટકો નથી, જેના કારણે કાર્યવાહી વધુ કડક બનવાની શક્યતા છે.ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ચાઇનીઝ દોરીના કારણે અનેક નિર્દોષ લોકોના ગળા કપાવાના અને મૃત્યુના બનાવો સામે આવ્યા છે. હવે આ જ ચાઇનીઝ દોરી વેપારીઓ માટે પોલીસની કડક કાર્યવાહીની કારણ બનતી જોવા મળી રહી છે. હાઈકોર્ટના આદેશથી એવું લાગી રહ્યું છે કે ઉત્તરાયણ પૂર્વે ચાઇનીઝ દોરી વેચનારાઓનો ‘કારોબારનો પતંગ’ કાયદાના હાથમાં કપાઈ શકે છે.આ વચ્ચે, ઉત્તરાયણ પૂર્વે ગુજરાત પોલીસે ચાઇનીઝ દોરી સામે ઐતિહાસિક કાર્યવાહી કરી હતી. અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમોએ રાજ્યમાં પ્રથમ વખત ચાઇનીઝ દોરીના ઉત્પાદનના મૂળ સુધી પહોંચીને મોટો રેકેટ ઝડપી લીધો હતો. આ કાર્યવાહી દરમિયાન રૂ. 2.5 કરોડથી વધુ કિંમતનો વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી ગણાઈ રહી છે.એસઓજીની અલગ-અલગ ટીમોએ સાણંદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મોટા ગોડાઉનમાં દરોડા પાડી વિશાળ માત્રામાં ચાઇનીઝ દોરી ઝડપી હતી. આ ઉપરાંત વટવા અને બાવળા વિસ્તારમાં પણ દરોડા પાડી વધુ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસમાં ખુલ્યું હતું કે આ જીવલેણ દોરીનું ઉત્પાદન દાદરા અને નગર હવેલીની એક ફેક્ટરીમાં થતું હતું. પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને આ ફેક્ટરીને સીલ કરવામાં આવી છે. અગાઉ માત્ર વેચાણ કે સ્ટોક સુધી કાર્યવાહી સીમિત રહેતી હતી, જ્યારે આ વખતે ઉત્પાદનના સ્ત્રોત સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી છે.ચાઇનીઝ દોરી કાચ અથવા મેટલથી કોટેડ હોવાથી અત્યંત તીક્ષ્ણ હોય છે, જેના કારણે માનવજીવન અને અબોલ પક્ષીઓ માટે ગંભીર જોખમ ઊભું થાય છે. દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન ગળા કપાવાના કે મૃત્યુના અનેક બનાવો સામે આવે છે. આ ગંભીર જોખમને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય હરિયાળી અદાલતે ચાઇનીઝ દોરી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.આ ઉપરાંત, સાબરકાંઠા સહિતના કેટલાક વિસ્તારોમાં સોશિયલ મીડિયા મારફતે ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોવાનું પણ સામે આવ્યું છે. પ્રતિબંધ હોવા છતાં વેપારીઓ જાહેર સ્થળો છોડીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. પરિણામે, ચાઇનીઝ દોરી પરનો પ્રતિબંધ હવે દારૂબંધી જેવો બની રહ્યો છે—કાયદો હોવા છતાં છૂપે વેચાણ ચાલુ છે.ચાઇનીઝ દોરી માનવો, પક્ષીઓ અને અબોલ પશુઓ માટે જીવલેણ સાબિત થાય છે. જીવદયા પ્રેમીઓ અને તંત્રના અથાક પ્રયાસો છતાં લોકોમાં પૂરતી સંવેદનશીલતા જોવા મળતી નથી. પતંગ કાપવાની ઝંખનામાં માનવજાત સાથે સાથે અબોલ જીવો પણ ભોગ બનશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાઈકોર્ટના આદેશ બાદ હવે જોવાનું રહેશે કે આ વર્ષે ઉત્તરાયણ સુરક્ષિત અને નિર્દોષ બને છે કે નહીં. Previous Post Next Post