રાજકોટ: ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026’નું ભવ્ય આયોજન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉદ્ઘાટન માટે નિમંત્રણ

રાજકોટ: ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026’નું ભવ્ય આયોજન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉદ્ઘાટન માટે નિમંત્રણ

‘આત્મનિર્ભર ભારત’ અને ‘સમૃદ્ધ ગામ–સમૃદ્ધ ભારત’ના સંકલ્પને જમીન પર ઉતારતું હણોલ ગામ હવે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. રાજકોટ જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલ હણોલ ગામે છેલ્લા દસ વર્ષ દરમિયાન આત્મનિર્ભરતા, નવીનતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ સફળ યાત્રાને આગળ વધારવા તથા ગ્રામિણ ભારતની પ્રગતિને રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરવા હણોલ ગ્રામ વિકાસ સમિતિ દ્વારા આગામી 13, 14 અને 15 જાન્યુઆરી, 2026ના રોજ ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026’નું ભવ્ય ત્રિદિવસીય આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ મહત્વપૂર્ણ મહોત્સવનું ઉદ્ઘાટન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને વિશેષ રીતે નિમંત્રણ આપવામાં આવ્યું છે. હણોલના પનોતાપુત્ર તથા ભારત સરકારના કેન્દ્રિય કેબિનેટ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં હણોલ ગ્રામ વિકાસ સમિતિના પ્રતિનિધિમંડળે દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદીની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સમિતિએ હણોલ ગામમાં ચાલી રહેલા વિકાસ કાર્યો, આત્મનિર્ભરતા મોડેલ અને મહોત્સવની રૂપરેખા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. પ્રધાનમંત્રીએ સમિતિના પ્રયત્નોને પ્રશંસનીય ગણાવ્યા હતા અને ગ્રામિણ વિકાસના વિષયમાં ઊંડો રસ દાખવ્યો હતો.

હણોલ ગ્રામ વિકાસ સમિતિએ જણાવ્યું હતું કે, આ મહોત્સવ પ્રધાનમંત્રી મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘સમૃદ્ધ ગામ–સમૃદ્ધ ભારત’ના દ્રષ્ટિકોણને સાકાર કરવાનો પ્રયાસ છે. હણોલ ગામે છેલ્લા દસ વર્ષમાં સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય, કુદરતી ખેતી, મહિલા સશક્તિકરણ અને યુવાનોના સ્વરોજગાર જેવા અનેક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. આ તમામ વિકાસકાર્યોને એક મંચ પર રજૂ કરવા માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્રણ દિવસીય ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026’ દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે. તેમાં ગ્રામ ઓલિમ્પિક્સનું આયોજન કરીને ગામડાંની પરંપરાગત રમતો અને ખેલ પ્રતિભાને પ્રોત્સાહન આપવામાં આવશે. ગ્રામ એક્સ્પોમાં સ્થાનિક ઉદ્યોગો, સ્વસહાય જૂથો, હસ્તકલા, ખેતી આધારિત ઉત્પાદનો અને નવીન ગ્રામિણ સ્ટાર્ટઅપ્સને પ્રદર્શન માટે પ્લેટફોર્મ મળશે.

આ ઉપરાંત ગ્રામ વિકાસ સંવાદ કાર્યક્રમમાં દેશભરના નિષ્ણાતો, નીતિનિર્માતાઓ, ગ્રામ નેતાઓ અને યુવાનો એકત્રિત થઈ ગ્રામિણ વિકાસના પડકારો અને તકો પર ચર્ચા કરશે. તીર્થગામ હણોલમાં અમલમાં મૂકાયેલા વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ પણ આ મહોત્સવ દરમિયાન કરવામાં આવશે. કુદરતી ખેતી વિષયક સંવાદ દ્વારા ખેડૂતોને પર્યાવરણમિત્ર ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

મહોત્સવના ત્રીજા દિવસે મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ભવ્ય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવશે, જેમાં પરંપરાગત લોકસંસ્કૃતિ, લોકસંગીત અને લોકનૃત્યો દ્વારા ભારતીય સંસ્કૃતિની રંગબેરંગી ઝલક રજૂ થશે.

હણોલ ગ્રામ વિકાસ સમિતિએ વધુમાં જણાવ્યું છે કે, આ મહોત્સવનો મુખ્ય હેતુ દેશના યુવાનોને તેમના મૂળભૂત મૂલ્યો, ભારતની ભૂમિ અને ગામડાં સાથે ફરીથી જોડવાનો છે. યુવાનો પોતાની મૂળ શક્તિ અને સંસ્કૃતિને ઓળખી શકે, વાસ્તવિક ભારતને નજીકથી અનુભવી શકે અને જ્યારે તેઓ આવતીકાલના નેતૃત્વ તરીકે આગળ વધે, ત્યારે તેમના સંકલ્પ તેમની જમીન, સમાજ અને સંસ્કૃતિ સાથે ગાઢ રીતે જોડાયેલા રહે—આ જ આ મહોત્સવની પ્રેરણા છે.

સમિતિના જણાવ્યા અનુસાર, ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026’ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ આત્મનિર્ભર, સશક્ત અને સમૃદ્ધ ગ્રામિણ ભારત તરફની યાત્રાનું પ્રતિકાત્મક પગલું છે. હણોલ ગામ આજે જે રીતે વિકાસના નવા મોડેલ તરીકે ઉભરી રહ્યું છે, તે આવનાર સમયમાં દેશના અનેક ગામડાં માટે માર્ગદર્શક સાબિત થશે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ