વિશ્વાસુ કર્મચારીએ માલિકને 1.99 કરોડનો ચૂનો લગાવ્યો! રાજકોટના જ્વેલર કેશિયર દ્વારા મોટી ઉચાપતનો ખુલાસો

વિશ્વાસુ કર્મચારીએ માલિકને 1.99 કરોડનો ચૂનો લગાવ્યો! રાજકોટના જ્વેલર કેશિયર દ્વારા મોટી ઉચાપતનો ખુલાસો

રાજકોટમાં સોના-ચાંદીના વધતા ભાવ વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક વિશ્વાસુ કર્મચારી જ પોતાના માલિક અને ગ્રાહકો સાથે કરોડોની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. શહેરના મવડી રોડ ઉપર આવેલા અર્જુન જવેલર્સમાં હેડ કેશિયર તરીકે ફરજ બજાવતા હિતેશ પરમાર દ્વારા કુલ 1 કરોડ 99 લાખ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ નોંધાયો છે. આ મામલે અર્જુન જવેલર્સના માલિક મનીષ પટેલે રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર શહેરના વેપારી વર્ગમાં ખળભળાટ મચી ગયો છે.

ફરિયાદ મુજબ, મનીષ પટેલ સોની વેપાર સાથે સંકળાયેલા છે અને મવડી રોડ પર અર્જુન જવેલર્સ નામે તેમનો શોરૂમ ચલાવે છે. આણંદ જિલ્લાના બોરસદના વતની હિતેશ પરમારને વર્ષ 2022માં કેશિયર તરીકે નોકરી પર રાખવામાં આવ્યો હતો. તેની કામગીરી પ્રત્યે વિશ્વાસ રાખીને થોડા સમય બાદ તેને હેડ કેશિયર તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી. છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમય સુધી હિતેશ પરમાર શોરૂમની કેશ અને ગ્રાહકો સાથેના નાણાકીય વ્યવહારો સંભાળતો હતો.

પરંતુ ઓક્ટોબર 2024થી હિતેશ પરમારે વિશ્વાસનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસ ફરિયાદ મુજબ, ઓક્ટોબર 2024થી 29 મે 2025 દરમિયાન એટલે કે એક વર્ષથી પણ ઓછા સમયગાળામાં હિતેશે કુલ 1.99 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે. આ સમગ્ર રકમ તેણે ગ્રાહકો પાસેથી રોકડ સ્વીકારી અને શોરૂમના અધિકૃત ખાતામાં જમા ન કરાવી પોતાની રીતે વાપરી લીધી હોવાનું સામે આવ્યું છે.

મનીષ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે, 5 ઓગસ્ટ 2025ના રોજ હિતેશ પરમારની ગેરવર્તણૂક અને શંકાસ્પદ પ્રવૃત્તિઓને કારણે તેને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યો હતો. હિતેશને કાઢી મૂક્યા બાદ થોડા દિવસોમાં જ એક પછી એક અનેક ગ્રાહકો શોરૂમ પર આવ્યા હતા અને તેમણે દાવો કર્યો હતો કે, તેઓએ વર્ષ 2024થી 2025 દરમિયાન સોનાના દાગીના ખરીદવા માટે મોટી રકમ અર્જુન જવેલર્સ ખાતે હિતેશ પરમાર પાસે જમા કરાવી હતી.

ગ્રાહકોના જણાવ્યા અનુસાર, હિતેશ પરમાર તેમને અલગ-અલગ સ્કીમોની લાલચ આપતો હતો અને રોકડ રકમ સ્વીકારી અર્જુન જવેલર્સ પ્રાઇવેટ લિમિટેડ નામે વાઉચર અથવા બિલ બનાવી આપતો હતો. પરંતુ જ્યારે આ વાઉચર અને બિલ શોરૂમની કમ્પ્યુટર સિસ્ટમમાં ચકાસવામાં આવ્યા, ત્યારે ઘણા વાઉચર અને બિલ ફક્ત ફોટા સ્વરૂપે બનાવેલા હોવાનું અને સિસ્ટમમાં નોંધાયેલા ન હોવાનું સામે આવ્યું.

પોલીસ તપાસમાં વધુમાં ખુલ્યું છે કે, હિતેશ પરમારે માત્ર રોકડ રકમની જ નહીં, પરંતુ આશરે 265 ગ્રામ સોનાની પણ ઉચાપત કરી છે. કુલ મળીને તેણે ગ્રાહકોને વિશ્વાસમાં લઈને લગભગ 1.74 કરોડ રૂપિયા રોકડ અને સોનાની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસે કબજે કરી તપાસના કામે લીધા છે.

આ મામલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી હિતેશ પરમાર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 316(4), 336(2), 338, 340(2) સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુનો નોંધાતાની સાથે જ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે અને અર્જુન જવેલર્સના માલિક મનીષ પટેલ તેમજ છેતરપિંડીનો ભોગ બનેલા તમામ ગ્રાહકોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઘટના બાદ શહેરના જવેલર્સ વેપારીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. વિશ્વાસુ કર્મચારીઓ દ્વારા થતી આવી ઘટનાઓ વેપારી વર્ગ માટે ચેતવણીરૂપ બની છે. પોલીસનું કહેવું છે કે, આરોપીને ઝડપથી પકડવા માટે વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે અને પુરાવાઓના આધારે કડક કાર્યવાહી કરવામાં આવશે.
 

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ