અબજોના ખર્ચે બનેલી SVP હોસ્પિટલમાં ગંભીર બેદરકારી? ICUમાં દર્દીના હાથમાંથી અડધી બોટલ લોહી વહી ગયું, સ્ટાફ પર ગંભીર આક્ષેપ Dec 30, 2025 અમદાવાદની અબજોના ખર્ચે નિર્મિત સરકારી SVP હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. આધુનિક સુવિધાઓ અને અદ્યતન સારવાર માટે જાણીતી આ હોસ્પિટલના ICU વોર્ડમાં સારવાર લઈ રહેલા એક વૃદ્ધ દર્દી સાથે થયેલી ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. દર્દીના હાથમાં લગાવવામાં આવેલી વિગો (IV કેન્યુલા)માંથી અડધી બોટલથી વધુ લોહી વહી જવા છતાં સ્ટાફનું ધ્યાન ન જવું, ICU જેવી સંવેદનશીલ જગ્યાએ હોસ્પિટલ વ્યવસ્થાપન પર અનેક પ્રશ્નો ઉભા કરે છે. આ ઘટના બાદ દર્દીના પરિવારજનોએ જવાબદાર સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.પ્રાપ્ત માહિતી મુજબ, 72 વર્ષીય સલીમ શેખને થોડા દિવસ પહેલાં શ્વાસ લેવામાં તકલીફ અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું થવાના કારણે SVP હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારજનોનું કહેવું છે કે દર્દીની હાલત શરૂઆતમાં સ્થિર હતી અને માત્ર દેખરેખ માટે ICUમાં રાખવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન અચાનક તેમના હાથમાં લગાવેલી વિગોમાંથી લોહી વહી જવાનું શરૂ થયું હતું.ચોંકાવનારી બાબત એ છે કે ICU જેવા અતિ સંવેદનશીલ અને સતત દેખરેખ જરૂરી એવા વોર્ડમાં સ્ટાફ હાજર હોવા છતાં લાંબા સમય સુધી કોઈએ આ તરફ ધ્યાન આપ્યું નહોતું. પરિવારજનો જણાવે છે કે જ્યારે તેઓ દર્દીને મળવા પહોંચ્યા ત્યારે પથારી પર લોહી ફેલાયેલું જોઈ તેઓ ગભરાઈ ગયા હતા. તેમના જણાવ્યા અનુસાર, દર્દીના શરીરમાંથી અડધી બોટલથી વધુ લોહી વહી ચૂક્યું હતું, જેના કારણે તેમની હાલત વધુ ગંભીર બની શકે તેવી ભીતિ ઊભી થઈ હતી.પરિવારે આક્ષેપ કર્યો છે કે ICU વોર્ડમાં પરિવારજનોને રોકાવાની મનાઈ હોય છે અને દર્દી સંપૂર્ણપણે સ્ટાફના ભરોસે રહે છે. આવી સ્થિતિમાં સ્ટાફની જવાબદારી વધારે વધી જાય છે. તેમ છતાં, આટલી ગંભીર બેદરકારી કેવી રીતે થઈ તે પ્રશ્ન પરિવારજનો ઉઠાવી રહ્યા છે. જ્યારે આ બાબતે ડ્યૂટી પર હાજર સ્ટાફને જાણ કરવામાં આવી, ત્યારે કોઈએ પોતાની ભૂલ સ્વીકારવાની બદલે ઉદ્ધત વર્તન કર્યું હોવાનો પણ પરિવારનો આક્ષેપ છે.પરિવારજનોનું કહેવું છે કે જો તેઓ સમયસર ICUમાં ન પહોંચ્યા હોત, તો દર્દીનું વધુ લોહી વહી જવાનું અને તેમની સ્થિતિ જીવલેણ બનવાની શક્યતા હતી. સલીમ શેખના સ્વજનો જણાવે છે કે ઘટના સમયે ICUમાં ડોક્ટરો પડદા પાછળ બેઠા હતા અને દર્દી એકલો હતો. આ સ્થિતિ જોઈ પરિવારજનોને ભારે આઘાત લાગ્યો હતો.આ ઘટના બાદ પરિવારજનોએ સમગ્ર મામલાનો વીડિયો બનાવી પુરાવા તરીકે સાચવી રાખ્યો છે અને 112 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ એલિસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં અરજી પણ આપવામાં આવી છે. ફરિયાદમાં પરિવારજનો દ્વારા હોસ્પિટલના જવાબદાર ડોક્ટરો અને સ્ટાફ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.પરિવારનો વધુ આક્ષેપ છે કે ઘટના બાદ હોસ્પિટલ તરફથી તેમને કેટલાક કાગળો પર સહી કરવા દબાણ કરવામાં આવ્યું હતું, પરંતુ તેઓએ કોઈપણ પ્રકારની સહી કરવાનું નકારી દીધું છે. તેમનું કહેવું છે કે તેઓ આ મામલાને દબાવવાનો પ્રયાસ સ્વીકારશે નહીં અને ન્યાય માટે અંત સુધી લડશે. પરિવારજનોની માંગ છે કે આવી બેદરકારી બદલ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ અન્ય દર્દી સાથે આવી ઘટના ન બને.આ ઘટના બાદ SVP હોસ્પિટલના સંચાલન અને આરોગ્ય તંત્રની કામગીરી પર ફરી એકવાર સવાલો ઊભા થયા છે. અબજોના ખર્ચે બનેલી હોસ્પિટલમાં જો ICU જેવી જગ્યા પર પણ દર્દીની સુરક્ષા અને દેખરેખ સુનિશ્ચિત ન થઈ શકે, તો સામાન્ય વોર્ડમાં સ્થિતિ કેટલી ગંભીર હશે તે અંગે લોકોમાં ચિંતા વ્યાપી છે.હાલમાં પોલીસ દ્વારા મળેલી અરજીના આધારે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલ પ્રશાસન તરફથી હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી. હવે જોવાનું રહેશે કે તપાસ બાદ દોષિત સામે કાર્યવાહી થાય છે કે નહીં અને આરોગ્ય વિભાગ આ ઘટનાને કેટલી ગંભીરતાથી લે છે. Previous Post Next Post