સુરતમાં જૈન પરંપરાના ઐતિહાસિક ક્ષણો : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ‘નિશીથ ગ્રંથ’નું ભવ્ય વિમોચન

સુરતમાં જૈન પરંપરાના ઐતિહાસિક ક્ષણો : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ‘નિશીથ ગ્રંથ’નું ભવ્ય વિમોચન

સુરતના પાલ વિસ્તારમાં આવેલી શ્રુતજ્ઞાન નગરી ખાતે જૈન પરંપરાના ઇતિહાસમાં એક સુવર્ણક્ષણ નોંધાયો, જ્યારે વિવિધ સમુદાયના આચાર્ય ભગવંતો, પદસ્થ મહાત્માઓ તેમજ શ્રમણ-શ્રમણી ભગવંતોની પાવન ઉપસ્થિતિમાં મહાન ગ્રંથ ‘નિશીથ’નું વિમોચન કરવામાં આવ્યું. આ ભવ્ય અને ઐતિહાસિક પ્રસંગે સમગ્ર ગુજરાતના લોકલાડીલા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે ગ્રંથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને જૈન સમાજ ઉપરાંત સમગ્ર સમાજ તરફથી વિશાળ પ્રતિસાદ મળ્યો હતો.

પાલ સ્થિત શ્રુતજ્ઞાન નગરીના વિશાળ ડોમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જૈનાચાર્ય પૂજ્ય કુલચન્દ્રસૂરિજી મહારાજે કરેલું આ ભગીરથ કાર્ય સૌની પ્રશંસાનો વિષય બન્યું. સૂરિ પ્રેમ-ભુવનભાનુ સમુદાયની ગૌરવગાથા સાથે સમગ્ર શ્રમણ સંસ્થાનું નામ રોશન થાય તેવું આ મહાગ્રંથ સર્જાયું છે. વિદ્વાનોનું માનવું છે કે નિશીથ ગ્રંથ માત્ર ધાર્મિક ગ્રંથ નહીં પરંતુ જૈન શાસ્ત્રીય પરંપરાનું અનમોલ યોગદાન છે.

ઉંમર ૯૫ વર્ષ હોવા છતાં પૂજ્ય કુલચન્દ્રસૂરિજી મહારાજે પ્રભુકૃપા અને ગુરુકૃપાના આશીર્વાદથી આ મહત્ત્વપૂર્ણ ગ્રંથ રચના પૂર્ણ કરી, જે સૌ માટે પ્રેરણાદાયક છે. વિદ્વાનોના શબ્દોમાં કહીએ તો, “માસ્ટર ઓફ ઓલ એન્ડ જેક ઓફ નન” તરીકે પૂજ્યશ્રીને બિરદાવવામાં કોઈ અતિશયોક્તિ નથી. તેમના જીવનમાં જ્ઞાન, ધ્યાન, ભક્તિ અને સ્વાધ્યાયનો અદભુત સંગમ જોવા મળે છે. ભણનાર ઘણા હોય છે, ભણાવનારા ઓછા હોય છે અને શ્રુતસર્જક તો વિરલ જ હોય છે.
 


ગ્રંથ વિમોચન પ્રસંગે આચાર્ય પૂજ્ય પદ્મદર્શનસૂરિજી મહારાજે જણાવ્યું હતું કે, પૂજ્ય કુલચન્દ્રસૂરિજી મહારાજ જૈન પરંપરાના સાચા અર્થમાં શ્રુતસાધક છે, જેમણે જ્ઞાનને જીવનમાં ઉતારી સમાજ માટે અમૂલ્ય ગ્રંથ આપ્યો છે. આ પાવન પ્રસંગે વિવિધ સમુદાયના આચાર્ય ભગવંતો, પદસ્થો, શ્રમણ અને શ્રમણી ભગવંતો સહિત ૨૫૦થી વધુ સાધુ-સાધ્વીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નિશીથ ગ્રંથના વિમોચનનો ક્ષણ અત્યંત ભાવસભર અને ઐતિહાસિક બની રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિશાળ માનવ મહેરામણ ઉમટી પડી હતી. જૈન સમાજ ઉપરાંત અન્ય સંપ્રદાયના અનુયાયીઓ પણ આ પાવન પ્રસંગના સાક્ષી બન્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઇતિહાસમાં અગાઉ રાજાશાહી સમયમાં અનેક જૈન મંત્રીઓએ રાજ્ય, સંસ્કૃતિ અને ધર્મ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે, પરંતુ એક લાખ આઠ હજાર શ્લોક ધરાવતા વિશાળ ગ્રંથનું લોકાર્પણ કરવાનું સૌભાગ્ય નાયબ મુખ્યમંત્રી તરીકે શ્રી હર્ષભાઈ સંઘવીને પ્રાપ્ત થયું છે.

શ્રી હર્ષભાઈ સંઘવી ગ્રંથના ૧૨ વોલ્યુમને મસ્તક ઉપર ધારણ કરી ભાવવિભોર બન્યા હતા. આ ક્ષણ તેમના જીવનનું પરમ સૌભાગ્ય ગણાય છે. ગ્રંથ લોકાર્પણ સમયે સમગ્ર સભામંડપ “જય જય”ના નાદથી ગુંજી ઉઠ્યો હતો અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

આ પાવન પ્રસંગે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા, જે ધાર્મિક સમરસતા અને સહઅસ્તિત્વનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. ગ્રંથ વિમોચન પ્રસંગે પૂજ્ય કુલચન્દ્રસૂરિજી મહારાજે વિનમ્રતાપૂર્વક જણાવ્યું હતું કે, “આ ગ્રંથ રચનાનો સંપૂર્ણ શ્રેય પરમાત્મા ભક્તિ અને ગુરુકૃપાને જાય છે. મેં કશું કર્યું નથી, કોઈ દૈવી શક્તિએ આ કાર્ય મારી પાસેથી કરાવ્યું છે.”

આ પ્રસંગે ગચ્છાધિપતિ આચાર્ય પૂજ્ય અભયદેવસૂરિજી મહારાજે આશીર્વચનો પાઠવી પૂજ્યશ્રીના કાર્યને બિરદાવ્યું હતું. ઉપસ્થિત તમામ મહાત્માઓએ પૂજ્ય કુલચન્દ્રસૂરિજી મહારાજના શ્રુતસર્જનને ઐતિહાસિક ગણાવી અભિનંદન પાઠવ્યા હતા. નિશીથ ગ્રંથનું આ વિમોચન જૈન શાસ્ત્રીય પરંપરામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન તરીકે હંમેશા યાદ રહેશે.
 

You may also like

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન