ફરી બર્ફિલા પવનોનું આક્રમણ, સૌરાષ્ટ્ર-કચ્છમાં તીવ્ર ઠંડીનો કહેર, જનજીવન ઠપ્પ બન્યું

ફરી બર્ફિલા પવનોનું આક્રમણ, સૌરાષ્ટ્ર-કચ્છમાં તીવ્ર ઠંડીનો કહેર, જનજીવન ઠપ્પ બન્યું

સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં એક દિવસની આંશિક રાહત બાદ આજે ફરીથી તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. સવારથી જ ઉતર-પૂર્વ દિશામાંથી ફૂંકાતા બર્ફિલા પવનોને કારણે સમગ્ર વિસ્તારમાં હાડધ્રુજાવતી ઠંડી પ્રસરી ગઈ હતી. પવનની ઝડપ સવારના સમયે 10 કિ.મી. પ્રતિ કલાકથી વધુ રહેતા ઠંડીનું જોર વધુ અનુભવાયું હતું.

આજે પણ રાજ્યનું સૌથી ઠંડું શહેર નલિયા રહ્યું હતું, જ્યાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટમાં સવારના સમયે 10 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ઠંડા પવનો સાથે 10.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા નગરજનો ઠંડીથી ઠરી ગયા હતા. વહેલી સવારમાં લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળતા જોવા મળ્યા હતા.

હવામાન વિભાગના આંકડા મુજબ આજે સવારે પોરબંદરમાં 11.4, વેરાવળમાં 14.8, સુરતમાં 15.1, ઓખામાં 17.8, અમદાવાદમાં 13.6, અમરેલીમાં 12, વડોદરામાં 11.8, ભાવનગરમાં 13.6, ભુજમાં 11, દમણમાં 15.2, ડિસામાં 10.5, દિવમાં 15, દ્વારકામાં 14.3, ગાંધીનગરમાં 12.5 અને કંડલા ખાતે 13.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત જુનાગઢ શહેરમાં પણ બર્ફિલા પવન સાથે 12.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું અને પવનની ઝડપ 8.8 કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

ભાવનગર શહેરમાં આજે ઠંડીનું પ્રમાણ ખાસ વધ્યું હતું. શહેરમાં લઘુત્તમ તાપમાનમાં એક જ દિવસમાં 5 ડિગ્રીનો ઘટાડો નોંધાતા ઠંડી વધુ તીવ્ર બની હતી. આજે બુધવારે ભાવનગરનું લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 64 ટકા હતું અને પવનની ઝડપ 10 કિ.મી. પ્રતિ કલાક નોંધાઈ હતી. ગોહિલવાડ પંથકમાં ઠંડી વધતા જનજીવન પર તેની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે.
 


દરમિયાન જામનગર શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો નોંધાયો હતો અને ઠંડીનો પારો 12 ડિગ્રીએ સ્થિર થયો હતો. જો કે પવનનું જોર આંશિક વધતા સવાર અને મોડી રાત્રે ઠંડી વધુ અનુભવાઈ હતી. બપોર દરમિયાન મહત્તમ તાપમાન 25.6 ડિગ્રી સુધી પહોંચતા શહેરીજનોને થોડી રાહત મળી હતી, પરંતુ વહેલી સવારે અને મોડી રાત્રે ફરીથી હાડધ્રુજાવતી ઠંડીનો સામનો કરવો પડ્યો હતો.

સવારે પડતી કડક ઠંડીની સીધી અસર જનજીવન ઉપરાંત પશુપક્ષીઓ પર પણ જોવા મળી હતી. ઘણા વિસ્તારોમાં સવારના 9 વાગ્યા સુધી બજારોમાં કુદરતી સંચારબંધી જેવી સ્થિતિ રહી હતી. રસ્તાઓ પર અવરજવર ઓછી જોવા મળી હતી અને લોકો ગરમ કપડાંમાં લપેટાયેલા નજરે પડ્યા હતા.

જામનગરમાં મહત્તમ તાપમાન 25.5 ડિગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 67 ટકા રહ્યું હતું. વહેલી સવારે શહેરમાં ધુમ્મસનું આવરણ પણ જોવા મળ્યું હતું, જ્યારે પવનની ગતિ પ્રતિકલાક 5.2 કિ.મી. નોંધાઈ હતી. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીના પ્રમાણમાં સતત વધઘટ જોવા મળી રહી છે, જેના કારણે આરોગ્ય નિષ્ણાતોએ ખાસ સાવચેતી રાખવાની અપીલ કરી છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી કેટલાક દિવસો સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને સવાર અને રાત્રિના સમયે બર્ફિલા પવનો સાથે ઠંડી વધુ તીવ્ર બનવાની આગાહી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓએ ખાસ કાળજી રાખવી તેમજ પશુઓને ઠંડીથી બચાવવા યોગ્ય વ્યવસ્થા કરવા અપીલ કરવામાં આવી છે.

You may also like

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ