રાજકોટમાં એસ.ટી. બસ સ્ટેન્ડના ચોકીદાર જ ચોર નીકળ્યા, ખિસ્સા કાતરૂઓને 'ટીપ' આપતા, પોલીસે ઝડપ્યા

રાજકોટમાં એસ.ટી. બસ સ્ટેન્ડના ચોકીદાર જ ચોર નીકળ્યા, ખિસ્સા કાતરૂઓને 'ટીપ' આપતા, પોલીસે ઝડપ્યા

રાજકોટ શહેરમાં આવેલા એસ.ટી. બસ પોર્ટ અને માધાપર બસ સ્ટેન્ડ પર મુસાફરોના ખિસ્સા કાપતી ટોળકીનો ભાંડો ફૂટતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. એ-ડિવિઝન પોલીસ દ્વારા પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાંથી બે આરોપીઓ એસ.ટી. બસ પોર્ટમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ હોવાનું ખુલ્યું છે. મુસાફરોની સુરક્ષા માટે જવાબદાર કર્મચારીઓ જ ચોરીમાં સંડોવાયેલા હોવાનું બહાર આવતા લોકોમાં રોષ અને આશ્ચર્ય ફેલાયું છે.

પોલીસને મળેલી ફરિયાદ મુજબ રાજકોટના એસ.ટી. બસ પોર્ટમાં બે મુસાફરોના ખિસ્સામાંથી કુલ રૂ. 61,000 ચોરી કરવામાં આવ્યા હતા. તે જ રીતે માધાપર બસ સ્ટેન્ડ પર એક અન્ય મુસાફર પાસેથી રૂ. 60,000 તફડાવી લેવામાં આવ્યા હતા. આ ત્રણેય બનાવ અંગે એ-ડિવિઝન પોલીસ અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. સતત મળી રહેલી ચોરીની ઘટનાઓને ગંભીરતાથી લઈ પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી.

એ-ડિવિઝનના પીઆઈ બી.વી. બોરીસાગર અને તેમની ટીમે ઘટનાસ્થળોના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજના આધારે શંકાસ્પદ હલચલ કરતા કેટલાક લોકોની ઓળખ કરવામાં આવી અને બાદમાં સચોટ ટ્રેકિંગ કરીને પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ખુલ્યું કે જામનગરમાં શ્રદ્ધા એપાર્ટમેન્ટમાં રહેતા અમિન અબ્દુલ તરૈયા અને મુકેશ જશુ વાળા ખાસ ચોરી કરવા રાજકોટ આવતા હતા.

રાજકોટમાં આ બંનેને સ્થાનિક સ્તરે મદદરૂપ થનારા આરોપીઓમાં ગાંધીગ્રામના અક્ષરનગરમાં રહેતા અમિન અજીત નાગરિયા અને સંજય બટુક દેત્રોજાનો સમાવેશ થાય છે. સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી કે એસ.ટી. બસ પોર્ટમાં ફરજ બજાવતા સ્વસ્તિક સુર્યવલી ઉપાધ્યાય નામના સિક્યુરિટી ગાર્ડ પણ આ ટોળકી સાથે સંકળાયેલા હતા. તેઓ ખિસ્સાકાતરૂઓને મુસાફરોની ભીડ, ચેકિંગની સ્થિતિ અને અનુકૂળ સમય વિશે ‘ટીપ’ આપતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ ગાર્ડની ધરપકડ કરી છે, જ્યારે એક અન્ય સિક્યુરિટી ગાર્ડની સંડોવણી પણ સામે આવી છે અને તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ જામનગરના આરોપીઓ ચોરી કર્યા બાદ અન્ય સહયોગીઓને કમિશન આપતા હતા. આરોપીઓ પાસેથી કુલ રૂ. 1.16 લાખ રોકડ રકમ કબજે કરવામાં આવી છે. આરોપી સંજય અને અમિન વિરુદ્ધ અગાઉ પણ વાડીનાર અને વેરાવળ પોલીસ મથકમાં ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
 


આ ટોળકી લાંબા સમયથી સંગઠિત રીતે કાર્યરત હોવાનું અનુમાન છે. ભીડનો લાભ લઈ મુસાફરોના ખિસ્સા કાપી લેવાતા હતા અને પીડિતોને ઘણીવાર ઘટના સ્થળેથી દૂર જતાં ખબર પડતી હતી. છેલ્લા ઘણા સમયથી બસ પોર્ટ અને આસપાસના વિસ્તારમાં ચોરીની ફરિયાદો મળી રહી હતી, પરંતુ આરોપીઓ સચોટ રીતે હાથ ન લાગતા હતા.

હાલ પોલીસે તપાસનો વ્યાપ વધાર્યો છે કે આ ટોળકીએ અન્ય કેટલા મુસાફરોને નિશાન બનાવ્યા છે. સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ અંગેની સંબંધિત કલમો પણ ઉમેરવામાં આવી છે. બસ પોર્ટના સિક્યુરિટી સ્ટાફની સંડોવણી સામે આવતા પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે.

મુસાફરો માટે સૌથી સુરક્ષિત ગણાતા સ્થળે જ સુરક્ષા કર્મચારીઓની સંડોવણી બહાર આવવી ચિંતાજનક બાબત છે. હવે પોલીસ બસ પોર્ટના અન્ય સ્ટાફની ભૂમિકા અંગે પણ તપાસ કરી રહી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવા ચર્ચા ચાલી રહી છે.

આ બનાવે શહેરમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે. મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે પોલીસ દ્વારા આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. તપાસ આગળ વધતા વધુ ચોંકાવનારી વિગતો સામે આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

You may also like

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ