ભારત-યુએસ વચ્ચે ઐતિહાસિક LPG કરાર: મોટા પાયે આયાત, સિલિન્ડર ભાવમાં થશે રાહતની અપેક્ષા Nov 17, 2025 ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે મહત્વપૂર્ણ ઊર્જા સહયોગના પગલાં રૂપે દેશે LPG (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) આયાત માટે પોતાનો પ્રથમ લાંબા ગાળાનો કરાર કર્યો છે. આ ડીલ દેશની ઊર્જા સુરક્ષા મજબૂત બનાવશે અને પુરવઠાના સ્રોતોમાં વૈવિધ્ય લાવશે.કેન્દ્રિય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, વર્ષ 2026 માટે ભારત US ગલ્ફ કોસ્ટમાંથી વાર્ષિક આશરે 2.2 મિલિયન ટન LPG આયાત કરશે, જે ભારતની વાર્ષિક જરૂરિયાતનો લગભગ 10% હિસ્સો છે. આ કરાર Mont Belvieu હબ સાથે બેન્ચમાર્ક કરવામાં આવ્યો છે, જે યુએસનું મુખ્ય LPG પ્રાઇસિંગ કેન્દ્ર છે.આ ડીલ ભારત માટે ઐતિહાસિક મહત્વનો છે, કારણ કે તે યુએસ સાથેનો ભારતનો પ્રથમ સંરચિત LPG ખરીદી કરાર છે. રાષ્ટ્રિય ઓઇલ કંપનીઓ જેમ કે IOC, BPCL અને HPCLની ટીમે અમેરિકન ઉત્પાદકો સાથે લાંબા સમય સુધી વાટાઘાટો કર્યા.હરદીપ પુરીએ જણાવ્યું, "આ પગલું વૈશ્વિક રીતે સૌથી ઝડપી વિકસતા LPG બજારમાં ભારતને સુરક્ષિત પુરવઠો સુનિશ્ચિત કરવા અને ગ્રાહકો માટે ભાવમાં સ્થિરતા લાવવાની દિશામાં મહત્વપૂર્ણ છે."ભારત હાલ વિશ્વનો બીજો સૌથી મોટો LPG ગ્રાહક છે અને ઉજ્જવલા યોજનાના વિસ્તરણને કારણે તેની માંગ સતત વધતી રહી છે. હાલમાં ભારતમાં 50%થી વધુ LPG પશ્ચિમ એશિયાની પરંપરાગત સ્રોતોમાંથી આયાત થાય છે. US પાસેથી મોટી માત્રામાં આયાત શરૂ કરવાથી દેશની પરંપરાગત સપ્લાય પરની નિર્ભરતા ઘટશે, પુરવઠાની સ્થિરતા વધશે અને વૈશ્વિક ભાવના ઉછાળાને નિયંત્રિત કરવામાં સહાય મળશે.મહત્વપૂર્ણ છે કે, ગયા વર્ષે વૈશ્વિક LPG ભાવમાં 60%થી વધુ વધારો થયો હતો. ત્યારે સરકારે ₹40,000 કરોડ ખર્ચ કરીને ગ્રાહકોને માત્ર ₹500–550માં LPG પહોંચાડ્યું હતું, જેનું વાસ્તવિક ખર્ચ ₹1100 હતું.કેન્દ્રિય મંત્રી પુરીએ જણાવ્યું કે આ કરાર ભારતીય પરિવારો માટે સુરક્ષિત, સસ્તું અને ભરોસાપાત્ર LPG પુરવઠો સુનિશ્ચિત કરશે અને ભારત-યુએસ ઊર્જા સહયોગને વધુ મજબૂત બનાવશે. સાથે જ, ગ્રામીણ વિસ્તારોમાં LPG બજારના વિસ્તરણ અને સ્રોતોમાં વૈવિધ્યકરણ સરકારની મુખ્ય પ્રાથમિકતા રહેશે. Previous Post Next Post