“પાણી પણ જોઈએ અને આતંકવાદ પણ ચલાવવો—એ શક્ય નથી”: વિદેશ મંત્રી એસ. જયશંકરની પાકિસ્તાનને કડક ચેતવણી Jan 02, 2026 ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પાકિસ્તાનનું નામ લીધા વિના તેને કડક શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું છે કે, એક તરફ આતંકવાદ ફેલાવવો અને બીજી તરફ ભારત પાસેથી પાણીની અપેક્ષા રાખવી – આ બંને બાબતો એકસાથે ચાલી શકે નહીં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “હું તમને પાણી આપું અને તમે આતંકવાદ ફેલાવો, એવું ક્યારેય સ્વીકાર્ય નથી.”IIT મદ્રાસ ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રીએ આકરા સ્વરે જણાવ્યું હતું કે, આતંકવાદ ફેલાવતા ‘ખરાબ પડોશી’ સામે પોતાના નાગરિકોની સુરક્ષા માટે ભારત કોઈપણ હદ સુધી પગલાં ભરવા સંપૂર્ણપણે સ્વતંત્ર છે. ભારત પોતાની સુરક્ષા અંગે કોઈ બાહ્ય દબાણ કે સલાહ સ્વીકારશે નહીં, તેવો પણ તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો. આતંકવાદ સામે ભારતનો કડક અભિગમજયશંકરે જણાવ્યું કે, “જ્યારે પડોશી દેશ દાયકાઓથી સતત આતંકવાદને પ્રોત્સાહન આપે છે, ત્યારે ભારત પાસે પોતાના લોકોની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે. અમારી રાષ્ટ્રીય સુરક્ષા અને હિતોની રક્ષા માટે જે જરૂરી હશે, તે કરવા અમે સંકોચ નહીં કરીએ.” તેમણે ઉમેર્યું કે, ભારતની પ્રતિક્રિયા કેવી હશે તેનો નિર્ણય માત્ર નવી દિલ્હી જ કરશે. પાણી અને આતંકવાદ એકસાથે શક્ય નથીભારત-પાકિસ્તાન વચ્ચે પાણીની વહેંચણીના કરારોનો ઉલ્લેખ કરતાં વિદેશ મંત્રીએ કહ્યું કે, “આવા કરારો સારા પડોશી સંબંધોની ધારણા પર આધારિત હોય છે. ભારતે દાયકાઓ પહેલા પાણી વહેંચવાની વ્યવસ્થા પર સહમતિ આપી હતી, પરંતુ એ આશા સાથે કે બંને દેશો વચ્ચે ઓછામાં ઓછી સદ્ભાવના રહેશે. જો એક દેશ સતત આતંકવાદ ચાલુ રાખે, તો ‘સારા પડોશી’ હોવાની વાતનો કોઈ અર્થ રહેતો નથી.”તેમણે વધુમાં કહ્યું, “જો કોઈ દેશ એવું માને કે તે એક તરફ આતંકવાદ ફેલાવશે અને બીજી તરફ પાણીના કરારોના લાભ લેતો રહેશે, તો ભારત એ વાત ક્યારેય સ્વીકારશે નહીં. આતંકવાદ ચાલું રહેશે તો જળ સંધિના લાભ મળવાના નથી.” દુલહસ્તી સ્ટેજ-II પાવર પ્રોજેક્ટથી પાકિસ્તાનમાં ફફડાટઉલ્લેખનીય છે કે, પહલગામ આતંકી હુમલા બાદ સ્થગિત થયેલી સિંધુ જળ સંધિના માહોલ વચ્ચે ભારતે ચિનાબ નદી પર ‘દુલહસ્તી સ્ટેજ-II હાઈડ્રોપાવર પ્રોજેક્ટ’ને મંજૂરી આપી છે. ભારતના આ કડક વલણ અને પ્રોજેક્ટના નિર્ણયથી પાકિસ્તાનમાં ચિંતા અને ફફડાટ ફેલાયો હોવાનું માનવામાં આવે છે. ભારત પોતાના અધિકારોનો ઉપયોગ કરશેવિદેશ મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, “આતંકવાદના મુદ્દે ભારતની નીતિ અને કાર્યવાહી સંપૂર્ણપણે તેના પોતાના સાર્વભૌમ નિર્ણયો છે. અમે અમારા અધિકારોનો કેવી રીતે અને ક્યારે ઉપયોગ કરવો, તે અમારો નિર્ણય છે. કોઈ દેશ કે આંતરરાષ્ટ્રીય દબાણ અમને શું કરવું જોઈએ તે નક્કી કરી શકે નહીં.” સ્પષ્ટ સંદેશજયશંકરના આ નિવેદનને ભારત તરફથી પાકિસ્તાન માટે સ્પષ્ટ અને કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે. ભારતે ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે, આતંકવાદ અને વાતચીત, આતંકવાદ અને જળ કરારો – આ બંને એકસાથે શક્ય નથી. સારા પડોશી બન્યા વિના તેના લાભ મળવાના નથી. Previous Post Next Post