ઘેલા સોમનાથ દાદાના આશીર્વાદ સાથે જનકલ્યાણ શિવવંદના પદયાત્રાનો પ્રારંભ, સોમનાથ તરફ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનું પ્રયાણ થયું

ઘેલા સોમનાથ દાદાના આશીર્વાદ સાથે જનકલ્યાણ શિવવંદના પદયાત્રાનો પ્રારંભ, સોમનાથ તરફ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનું પ્રયાણ થયું

દેશ અને રાજ્યના સર્વાંગી વિકાસ તેમજ નાગરિકોની સુખાકારીની ભાવનાને મજબૂત કરવા ગુજરાતના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ **ઘેલા સોમનાથથી સોમનાથ મહાદેવ મંદિર સુધીની 229 કિલોમીટર લાંબી ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’**નું આયોજન કર્યું છે. આ પદયાત્રાનો પ્રસ્થાન પ્રસંગ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના સોમપીપળીયા ગામ ખાતે આવેલ પ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિરેથી ભવ્ય રીતે યોજાયો હતો.

પ્રસ્થાન પૂર્વે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ઘેલા સોમનાથ મહાદેવજીના વિધિવિધાન અનુસાર પૂજન-અર્ચન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને ત્યારબાદ સોમનાથ મહાદેવ મંદિર તરફ યાત્રાનું વિધિવત્ પ્રસ્થાન કર્યું હતું. સામાજિક સમરસતા, સાંપ્રદાયિક સમભાવ, નાગરિકોની સુખાકારી અને દેશ-રાજ્યના સર્વાંગી વિકાસની ભાવનાને કેન્દ્રમાં રાખીને આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે ઘેલા સોમનાથ મંદિર પર નૂતન ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું હતું. ‘હર હર મહાદેવ’ના જયઘોષ, ઢોલ-નગારાના નાદ અને ભક્તોના ઉત્સાહભર્યા જય-જયકારથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ મંત્રીશ્રીની આગેવાનીમાં યાત્રિકોએ વાજતેગાજતે માધવીપુર ગામ તરફ પગપાળા પ્રયાણ કર્યું હતું.
 


મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ યાત્રાના ઉદ્દેશ્યને સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, આ પદયાત્રાનો હેતુ માત્ર ધાર્મિક નથી પરંતુ સામાજિક અને આધ્યાત્મિક રીતે લોકોના જીવનમાં સુખાકારી વધે તે પણ છે. લોકોનું સર્વાંગી કલ્યાણ થાય, રાજ્ય અને દેશનો વિકાસ થાય, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી સીધા લોકો સુધી પહોંચે તે માટે આ ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાના માર્ગમાં આવતા વિવિધ ધર્મસ્થાનકોએ પ્રાર્થના કરવામાં આવશે અને સર્વે નાગરિકોના મંગલ માટે ઈશ્વરને વંદન કરાશે.

આ પદયાત્રા દરમિયાન મંત્રીશ્રી વિવિધ ગામોના નાગરિકો, ખેડૂતો, યુવાનો અને છેવાડાના વિસ્તારોમાં વસતા લોકો સાથે રૂબરૂ સંવાદ સાધશે. લોકોની સમસ્યાઓ સાંભળી સરકાર તેમની સાથે ઊભી છે તેવી પ્રતીતિ કરાવવાનો પણ આ યાત્રાનો મુખ્ય હેતુ છે. સરકારની યોજનાઓનો વ્યાપક પ્રચાર કરીને લોકો વધુમાં વધુ લાભ મેળવે તે માટે પણ યાત્રા મહત્વપૂર્ણ સાબિત થશે.

યાત્રાના પ્રસ્થાન સમયે મંદિર ખાતે બાળાઓ તેમજ યાત્રા માર્ગમાં આવતા ઘરો સામે મહિલાઓ દ્વારા મંત્રીશ્રીનું પરંપરાગત સામૈયું કરવામાં આવ્યું હતું. યાત્રિકોની આગળ ચાલતા રથમાં ધાર્મિક ગીતોના સૂર ગુંજતા રહ્યા હતા, જ્યારે યાત્રિકો હાથમાં ધ્વજા લઈને ઉત્સાહભેર પગપાળા આગળ વધ્યા હતા. સમગ્ર માર્ગ ભક્તિ, શ્રદ્ધા અને જનસંપર્કના અનોખા સંગમનું સાક્ષી બન્યો હતો.

આ પ્રસંગે વિંછીયા તાલુકા વિકાસ અધિકારી શ્રી પાર્થભાઈ પરમાર, સ્થાનિક અગ્રણીઓ શ્રી ભાવેશ વેકરીયા, શ્રી રેખાબેન સગારકા સહિત બહોળી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, ભક્તો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ પદયાત્રા માધવીપુર બાદ ગોડલાધારથી ગઢડીયા (જસ), જસદણ, આટકોટ, ખારચીયા (જામ) થઈને મોટા દડવા ગામમાં રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ વિવિધ ગામોમાંથી પસાર થઈને તા. 27 ડિસેમ્બરે વેરાવળ ખાતે આવેલા પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આ પદયાત્રાનું વિધિવત્ સમાપન કરવામાં આવશે.

આ 229 કિલોમીટર લાંબી પદયાત્રાના સમગ્ર માર્ગમાં લોકસંવાદ કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિના ગીતો અને લોકડાયરાઓનું આયોજન પણ કરવામાં આવશે, જેથી જનસામાન્ય સાથે સીધો સંપર્ક સ્થાપિત થઈ શકે અને જનકલ્યાણની ભાવના વધુ મજબૂત બને.
 

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ