12.6 ડિગ્રી સાથે જુનાગઢ બન્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર, દિવ અને અમરેલીમાં 13 જ્યારે નલિયામાં 15.2 ડિગ્રી Dec 22, 2025 સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આજે વહેલી સવારે ઠંડીમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી હતી. ખાસ કરીને જુનાગઢ, અમરેલી અને દિવમાં તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. રાજ્યમાં સૌથી ઓછું લઘુતમ તાપમાન જુનાગઢમાં 12.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા જુનાગઢ આજે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે અમરેલીમાં 13 ડિગ્રી અને દિવમાં 13.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં નોંધાયેલા આંકડા મુજબ, આજે સવારે તાપમાનમાં અચાનક ઘટાડો થતાં ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. અહીં મહત્તમ તાપમાન 13.4 ડિગ્રી સુધી જ પહોંચી શક્યું હતું, જ્યારે લઘુતમ તાપમાન 12.6 ડિગ્રી સુધી ઘટી જતા ઠંડીનું જોર વધુ અનુભવાયું હતું. ખાસ કરીને વહેલી સવારે ઠંડા પવન અને ઓછી ધુપને કારણે લોકોમાં શિયાળાની સાચી અનુભૂતિ થઈ હતી.ગિરનાર પર્વત ઉપર તો ઠંડી વધુ કડક બની હતી. અહીં લઘુતમ તાપમાન 7.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે છેલ્લા કેટલાક દિવસોમાં સૌથી ઓછું છે. જો કે પવનની ગતિ ઓછી રહેતાં પ્રતિ કલાક માત્ર 1.9 કિલોમીટરની ઝડપે પવન નોંધાયો હતો, છતાં ઊંચાઈના કારણે ઠંડી વધુ તીવ્ર લાગી હતી.આજના દિવસે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ ઠંડીનું પ્રમાણ અલગ-અલગ જોવા મળ્યું હતું. રાજકોટમાં લઘુતમ તાપમાન 14.5 ડિગ્રી, જામનગરમાં 16 ડિગ્રી, પોરબંદરમાં 15.2 ડિગ્રી અને ભાવનગર તથા વેરાવળમાં આશરે 16 ડિગ્રી નોંધાયું હતું. અમરેલી અને દિવ સિવાય આશ્ચર્યજનક રીતે કચ્છના નલિયામાં 15.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું, જ્યાં સામાન્ય રીતે વધુ ઠંડી રહેતી હોય છે.ગુજરાતના અન્ય શહેરોની વાત કરીએ તો, અમદાવાદમાં 17.2 ડિગ્રી, વડોદરામાં 14.2 ડિગ્રી, સુરતમાં 19.4 ડિગ્રી, ભુજમાં 17.2 ડિગ્રી, દમણમાં 17 ડિગ્રી, ગાંધીનગરમાં 16.5 ડિગ્રી અને કંડલામાં 17.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે દ્વારકામાં 19.7 ડિગ્રી અને ઓખામાં સૌથી વધુ 22 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા ત્યાં ઠંડીની અસર ઓછી રહી હતી.જામનગરમાં શિયાળો પોતાની પકડ મજબૂત કરે તે પહેલા જ મહત્તમ તાપમાનમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડી – આવી બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો હતો અને તે 30.5 ડિગ્રી પર સ્થિર થયું હતું, જ્યારે લઘુતમ તાપમાનમાં થોડી વધઘટ સાથે 16 ડિગ્રી નોંધાયું હતું.શહેરભરમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે, પરંતુ બપોર દરમિયાન તેજ ધુપને કારણે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. આ બદલાતા હવામાનને કારણે નાગરિકોને કપડાં અને આરોગ્ય બાબતે ખાસ સાવચેત રહેવાની જરૂર જણાઈ રહી છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે આ બદલાતી ઋતુ થોડી મુશ્કેલ સાબિત થઈ રહી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાતાવરણમાં ભેજનું પ્રમાણ આશરે 76 ટકા નોંધાયું હતું, જ્યારે પવનની ગતિ 3.2 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. આવનારા દિવસોમાં ઉત્તરથી ઠંડા પવન ફૂંકાતા રહેશે તો સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું પ્રમાણ હજી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.કુલ મળીને, રાજ્યમાં શિયાળો ધીમે ધીમે પોતાનું સ્વરૂપ બતાવી રહ્યો છે. ખાસ કરીને જુનાગઢ, ગિરનાર અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો સાચો અહેસાસ શરૂ થઈ ગયો છે, જ્યારે બપોરની ગરમી લોકો માટે બેવડી ઋતુનો અનુભવ કરાવી રહી છે. Previous Post Next Post