રાજકોટમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં મોટો વિવાદ: વોર્ડ 15માં બોગસ નામો અને ખોટા ફોટાનો આરોપ, કોંગ્રેસે પુરાવા સાથે કલેક્ટરને કરી રજૂઆત

રાજકોટમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં મોટો વિવાદ: વોર્ડ 15માં બોગસ નામો અને ખોટા ફોટાનો આરોપ, કોંગ્રેસે પુરાવા સાથે કલેક્ટરને કરી રજૂઆત

રાજકોટ શહેરમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા (SIR) હવે ગંભીર વિવાદમાં ફસાઈ ગઈ છે. શહેર કોંગ્રેસના અગ્રણી નેતા વશરામ સાગઠિયાએ મતદાર યાદીમાં થયેલી મોટા પાયે ગેરરીતિઓના પુરાવા સાથે જિલ્લા કલેક્ટર તથા ચૂંટણી અધિકારીને રૂબરૂ મળીને રજૂઆત કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, સત્તાધારી પક્ષના ઈશારે મતદાર યાદીમાં જાણબૂઝીને ચેડાં કરવામાં આવ્યા છે, જેમાં ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડના પરિવારજનનું નામ અન્ય વોર્ડમાંથી વોર્ડ નંબર 15માં દાખલ કરાયું હોવાનો ગંભીર ખુલાસો થયો છે. આ સાથે મહિલા મતદારના નામ સામે પુરુષનો ફોટો લગાવવામાં આવ્યો હોવાના ચોંકાવનારા કિસ્સાઓ પણ સામે આવ્યા છે.

વશરામ સાગઠિયાએ જણાવ્યું કે રાજકોટ 68 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ઉદય કાનગડના પરિવારના સભ્યોના નામ અન્ય વોર્ડમાંથી ખસેડીને વોર્ડ નંબર 15માં ઉમેરવામાં આવ્યા છે. તેમણે આને સત્તાધારી પક્ષનું પૂર્વનિયોજિત કાવતરું ગણાવ્યું છે. તેમના કહેવા પ્રમાણે, વિરોધ પક્ષના મજબૂત વિસ્તારોમાં બોગસ નામો ઉમેરવા અને સાચા મતદારોના નામ કાપવા માટે એક સુવ્યવસ્થિત કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે, જે લોકશાહી માટે અત્યંત જોખમી છે.

સાગઠિયાએ પુરાવા સાથે જણાવ્યું કે વોર્ડ નંબર 15ના ભાગ નંબર 237માં વોર્ડ નંબર 18ના રહેવાસી મનુભાઈ નાથાભાઈ કાનગડનું નામ મતદાર યાદીમાં દાખલ કરવામાં આવ્યું છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે મનોજનગર વિસ્તારમાં માત્ર અનુસૂચિત જાતિના લોકો રહે છે, ત્યારે આહીર સમાજના વ્યક્તિનું નામ અહીં કેવી રીતે દાખલ થયું? તેમણે સીધો આરોપ લગાવ્યો કે આ નામ ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડના પરિવારના સભ્યનું છે અને છેલ્લી વિધાનસભા ચૂંટણી દરમિયાન જ આ નામ અહીં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. તેમના મતે, આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ચૂંટણી જીતવા માટે મતદાર યાદીમાં કેવા પ્રકારની ગેરરીતિઓ કરવામાં આવે છે.
 


આ ઉપરાંત, વશરામ સાગઠિયાએ એક વધુ ગંભીર પુરાવો રજૂ કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, મનોજનગરમાં રહેતા દયાબેન ગોવિંદભાઈ સાગઠિયાના નામ સામે મતદાર યાદીમાં કોઈ પુરુષનો ફોટો લગાવી દેવામાં આવ્યો છે. આવા કિસ્સાઓ માત્ર ભૂલ નહીં પરંતુ મતદાર યાદીની વિશ્વસનીયતા ખોરવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, આવી અનેક ખામીઓ અને જાણબૂઝીને કરવામાં આવેલી ગેરરીતિઓ લોકશાહી પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

વશરામ સાગઠિયાએ ચેતવણી આપી છે કે જો આ બોગસ નામો તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે અને સાચા મતદારોના હક્કનું રક્ષણ નહીં થાય, તો કોંગ્રેસ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, મતદાર યાદીમાં પારદર્શિતા અને ન્યાય સુનિશ્ચિત કરવો એ ચૂંટણી તંત્રની જવાબદારી છે અને તેમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે.

શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ પણ આ મુદ્દે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે સમગ્ર રાજકોટ શહેરમાં શંકાસ્પદ રીતે ‘બલ્ક Form-7’ (નામ કમી કરવાના ફોર્મ) ભરવામાં આવ્યા છે. હજારોની સંખ્યામાં ઓનલાઈન અથવા સોફ્ટવેર દ્વારા જનરેટ થયેલા આ ફોર્મ ખાસ કરીને SC, OBC અને લઘુમતી વિસ્તારોના મતદારોના નામ કાપવા માટે વપરાયા હોવાની શંકા છે. પ્રાથમિક તપાસમાં ખોટી સહીઓ, બોગસ મોબાઈલ નંબર અને EPIC નંબર સાથે ચેડાં થયાના સંકેતો મળ્યા છે.

કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેક્ટર પાસે માંગ કરી છે કે તમામ શંકાસ્પદ Form-7 પર તાત્કાલિક સ્ટે મૂકવામાં આવે અને સમગ્ર મામલાની ટેકનિકલ તથા ફોરેન્સિક તપાસ કરવામાં આવે. આ સાથે જે અધિકારીઓની રહેમરાહ હેઠળ આ કામગીરી થઈ છે અને જેમણે બનાવટી ફોર્મ ભર્યા છે, તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશ્નરને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે.

હવે સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી તંત્ર કયા પગલાં લે છે તેના પર રાજકોટની રાજકીય અને નાગરિક દુનિયાની નજર મંડાઈ છે. મતદાર યાદીની વિશ્વસનીયતા અને લોકશાહી પ્રક્રિયાની શુદ્ધતા જાળવવા માટે તંત્ર દ્વારા કડક અને પારદર્શક કાર્યવાહી થવાની માંગ ઉઠી રહી છે.

You may also like

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન