વેરાવળમાં નવી ગાઈડલાઈનથી વિકાસ ઠપ: દોઢ વર્ષથી મંજૂરીઓ બંધ રહેતા બિલ્ડરોમાં ભારે આક્રોશ Dec 29, 2025 વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં જાહેર થયેલી જનરલ ગાઈડલાઈનના કારણે શહેરી વિકાસ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હોવાનું જણાવી વેરાવળ-પાટણ બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસોસિએશન દ્વારા રાજ્ય સરકાર સામે ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરીને આ ગાઈડલાઈનને સ્થગિત કરવાની માંગ કરવામાં આવી છે.એસોસિએશનની રજૂઆત મુજબ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી તમામ પ્રકારના વિકાસ કાર્યો અને બાંધકામ મંજૂરીઓ બંધ છે. બાંધકામ મંજૂરી, લેઆઉટ પ્લાન, સબ-પ્લોટિંગ, ઈમ્પેક્ટ ફી અરજી સહિતના નાના-મોટા સુધારાઓને પણ મંજૂરી ન મળતા નગરપાલિકા વિસ્તારમાં ગંભીર આર્થિક મંદી સર્જાઈ છે. બિલ્ડરો, મજૂરો, ઇજનેરો અને સંબંધિત ધંધાઓ પર તેની સીધી અસર પડી રહી છે. સોમનાથ કોરિડોર નજીક નહીં હોવા છતાં વિકાસ અટક્યોરજૂઆતમાં જણાવાયું છે કે ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર પાસે સોમનાથ કોરિડોરની કામગીરી ઝડપથી ચાલી રહી છે, પરંતુ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તાર, જે કોરિડોરથી ઘણો દૂર આવેલો છે, ત્યાં વિકાસ કાર્ય સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણયને એસોસિએશને એકતરફી અને અન્યાયી ગણાવ્યો છે.નગરપાલિકા વિસ્તારમાં અગાઉ મંજૂર થયેલા લેઆઉટમાં પણ કોઈપણ પ્રકારના સુધારા કે બાંધકામને મંજૂરી ન મળતા જનતા સાથે મોટો અન્યાય થઈ રહ્યો હોવાનું બિલ્ડરોનું કહેવું છે. આ તમામ કામગીરી નગરપાલિકાના માધ્યમથી તાત્કાલિક શરૂ કરવી જોઈએ તેવી માગ કરવામાં આવી છે. ડી-આર કેટેગરીમાં સમાવેશને અન્યાયી ગણાવ્યોએસોસિએશન દ્વારા વધુમાં જણાવાયું છે કે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારને ડી-આર (D-R) કેટેગરીમાં સામેલ કરવો અત્યંત અન્યાયી નિર્ણય છે. આ વિસ્તારમાંની ભૌગોલિક પરિસ્થિતિને સંપૂર્ણપણે અવગણવામાં આવી હોવાનું રજૂઆતમાં ઉલ્લેખ છે.વેરાવળ વિસ્તારમાં ત્રિવેણી સંગમ ખાતે હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓ મળે છે, સાથે મોટો સમુદ્ર કિનારો, શહેરની વચ્ચેથી પસાર થતી દેવકા નદી, બે રેલ્વે ક્રોસિંગ અને પુરાતત્વ વિભાગના 21 જેટલા સ્તંભો આવેલ છે. ઉપરાંત, બંદર વિસ્તારમાં આવેલી ઘણી જમીનો સરકારી છે અને ખાનગી જમીન પર 500 મીટર CRZ નિયમ લાગુ પડે છે. આવી વૈવિધ્યસભર અને સંવેદનશીલ ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં એકસરખા નિયમો લાગુ કરાયા હોવાનું બિલ્ડરોનું કહેવું છે. ખેડૂતો અને નાના પ્લોટ ધારકોને મોટું નુકસાનનવી ગાઈડલાઈન મુજબ ડી-આર કેટેગરીમાં 40 ટકા રિઝર્વેશન અને કપાત નક્કી કરાઈ છે, જેના કારણે ખેડૂતો અને નાના પ્લોટ ધારકોને ભારે નુકસાન થઈ રહ્યું છે. નવા આદેશ અનુસાર એગ્રીકલ્ચર ઝોનમાં માત્ર 5 ટકા ગ્રાઉન્ડ કવરેજ અને 10 ટકા FSI આપવામાં આવે છે.બિલ્ડરોના જણાવ્યા મુજબ, વેરાવળ-પાટણ શહેરમાં 100 થી 200 વારના પ્લોટ પર માત્ર 5 થી 10 વાર જેટલું જ બાંધકામ શક્ય બને છે, જે રહેણાંક હેતુ માટે સંપૂર્ણપણે અશક્ય છે. આ નિયમો વાસ્તવિક પરિસ્થિતિ સાથે સુસંગત નથી. અન્ય શહેરોની સરખામણીમાં છૂટછાટની માંગરજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જૂનાગઢ, જામનગર અને ભાવનગર જેવા મોટા શહેરોની સરખામણીમાં વેરાવળ-પાટણ વિસ્તાર ઘણો નાનો છે. ભવિષ્યના આયોજનને ધ્યાનમાં રાખીને આ વિસ્તારને સુરેન્દ્રનગર અથવા આણંદની જેમ D-4 કેટેગરીમાં સમાવેશ કરવો જોઈએ, જ્યારે હાલ તેને D-2 અથવા D-R કેટેગરીમાં મુકવામાં આવ્યો છે, જે જાહેર જનતા માટે અયોગ્ય અને અન્યાયી છે. સરકારથી લોકહિતમાં નિર્ણયની અપેક્ષાતા. 23-12-2025ના રોજ બહાર પાડવામાં આવેલી જનરલ ગાઈડલાઈનથી વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં રહેતી જનતાને કોઈ જ લાભ થતો નથી. આ પ્રકારના એકતરફી નિર્ણયથી લોકોમાં ભારે આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે.એસોસિએશને આશા વ્યક્ત કરી છે કે સરકાર ભૌગોલિક પરિસ્થિતિ, સ્થાનિક સમસ્યાઓ અને લોકહિતને ધ્યાનમાં રાખીને નવી ગાઈડલાઈનને સ્થગિત કરી યોગ્ય નિર્ણય લેશે.આ રજૂઆતની નકલ ગીર સોમનાથ કલેક્ટર, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજયભાઈ પરમાર, તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડ, પૂર્વ મંત્રી જશાભાઈ બારડ સહિતના નેતાઓને પણ પાઠવવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે. Previous Post Next Post