પેટ્રોલ પંપો પર લાગ્યા ‘નો ઓનલાઈન પેમેન્ટ’ અને ‘કેશ પેમેન્ટ’ના પોસ્ટરો Sep 19, 2026 નવી દિલ્હી ,₹૨,૦૦૦ થી વધુના UPI વ્યવહારો પર MDR લાગુ થતાં ડીલરોમાં રોષદેશભરમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળ્યા બાદ હવે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસના વ્યવહારોને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ₹૨,૦૦૦ થી વધુના મર્ચન્ટ પેમેન્ટ્સ પર ૦.૪% અથવા તો પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹૫ સુધીનો ફ્લેટ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ચાર્જ વસૂલવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ તેની સીધી અસર પેટ્રોલ પંપો પર જોવા મળી રહી છે.આ નવા નિયમના વિરોધમાં દેશના અનેક ભાગોમાં પેટ્રોલ પંપ સંચાલકો અને ડીલરો દ્વારા પંપો પર ઓનલાઈન પેમેન્ટ અંગે પ્રતિબંધ દર્શાવતા ‘NO’ અને માત્ર ‘કેશ પેમેન્ટ’ (રોકડ ચુકવણી) સ્વીકારવામાં આવશે તેવા પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા છે. પેટ્રોલિયમ ટ્રેડર્સ એસોસિએશન અને ડીલરોના જણાવ્યા અનુસાર, પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણમાં પ્રતિ લિટર તેમનું નફાકીય માર્જિન ખૂબ જ મર્યાદિત (આશરે ₹૨.૪૦ થી ₹૩.૪૦ પ્રતિ લિટર) હોય છે. ઇંધણનું ખરીદી મૂલ્ય મોટું હોવાથી મોટાભાગના ગ્રાહકો ₹૨,૦૦૦ કરતા વધુ રકમનું જ બળતણ પુરાવતા હોય છે. જો આવા દરેક મોટા વ્યવહાર પર પંપ સંચાલકોએ ફ્લેટ MDR ચાર્જ ચૂકવવો પડે, તો તેમનો નફો ધોવાઈ જશે અને વ્યવસાય ચલાવવો મુશ્કેલ બનશે. ડીલરોનું સ્પષ્ટ કહેવું છે કે સરકાર કે બેંકો દ્વારા લાદવામાં આવતા આ વધારાના ચાર્જનું ભારણ તેઓ ઉઠાવવા સક્ષમ નથી, કારણ કે તેઓ ઈંધણના વેચાણ ભાવ જાતે નક્કી કરી શકતા નથી.સરકાર અને NPCI દ્વારા અગાઉ એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ MDR ચાર્જ ગ્રાહકો પાસેથી સીધો વસૂલવામાં આવશે નહીં અને સામાન્ય ગ્રાહકો માટે UPI મફત રહેશે; પરંતુ વેપારીઓ કે પેટ્રોલ પંપ સંચાલકો પર પડતા આર્થિક બોજને કારણે જમીની સ્તરે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. જો આ મામલાનો કોઈ સંતોષકારક ઉકેલ નહીં આવે, તો આગામી દિવસોમાં વાહનચાલકો માટે પેટ્રોલ પંપ પર ડિજિટલ પેમેન્ટ કરવું મુશ્કેલ બનશે અને ફરી એકવાર કેશ (રોકડ) વ્યવહારોનો વ્યાપ વધતો જોવા મળશે. Previous Post Next Post