રંગીલા રાજકોટમાં માત્ર 1113 ફૂડ લાયસન્સ જ મંજૂર, હજારો ખાવાના ધંધા હજુ પણ બિન-રજિસ્ટર્ડ Dec 09, 2025 રાજકોટ શહેરનું નામ ગુજરાતમાં સ્વાદ અને ભોજનની રાજધાની તરીકે ઓળખાય છે. અહીં રોજ અનેક જગ્યાએ હજારો લોકો બહારનું ખાવાનું માણે છે. પરંતુ બીજી તરફ, આ શહેરમાં ભેળસેળના કેસો, નકલી પદાર્થો અને અવિશ્વસનીય ફૂડ યુનિટ્સનો પ્રશ્ન વર્ષોથી જળવાઇ રહ્યો છે. નિયમિત ચેકિંગ થાય છે, દંડ થાય છે, કેસો ચાલે છે—પરંતુ પછી એ જ ધંધાર્થીઓ નવા નામે અને નવી શરુઆત સાથે ફરી માર્ગ પર આવી જાય છે. આ સમગ્ર ચક્રના કેન્દ્રમાં એક મોટો પ્રશ્ન છે—ફૂડ લાયસન્સ ધરાવતા એકમોની સંખ્યા અને વાસ્તવમાં ચાલતા ફૂડ બિઝનેસની સંખ્યા વચ્ચેનો વિશાળ તફાવત.રાજકોટ મહાનગરપાલિકાના આંકડા દર્શાવે છે કે સમગ્ર વર્ષ દરમિયાન માત્ર 1113 ફૂડ લાયસન્સ જ ઇસ્યુ કરવામાં આવ્યાં છે. આ જ શહેરની વસ્તી 25 લાખ અને ખાવાના ધંધાની સંખ્યા હજારોમાં હોવા છતાં આ આંકડો અત્યંત નાનો છે. હકીકતમાં શહેરના મધ્ય ભાગમાં પણ નોન-લાયસન્સ ફૂડ યુનિટ્સ ખુલ્લેઆમ ચાલે છે, તો નવા વિસ્તારોમાં તો જાણે લાયસન્સની જરૂરિયાત જ ન હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. લાયસન્સ વિના ચાલતા આ એકમો પર કોઈ સેમ્પલિંગ કે ચેકિંગ થતું જ નથી, કારણ કે તંત્રને એમના વિશે માહિતી જ નથી. આ જ કારણે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને અયોગ્ય ગુણવત્તાના પદાર્થો બજારમાં સરળતાથી દેખાય છે.કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત FSSAIના ઓનલાઈન પોર્ટલ foscos.fssai.gov.in પર કોઈપણ ફૂડ બિઝનેસ ઓપરેટર પોતાના ધંધા માટે કેટેગરી મુજબ અરજી કરી શકે છે. જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા બાદ ઇન્સ્પેક્શન થાય છે અને પછી લાયસન્સ આપવામાં આવે છે. લાયસન્સ એકથી પાંચ વર્ષ સુધી માન્ય હોય છે. છતાં પણ રાજકોટમાં હજારો ફૂડ એકમો એ સિસ્ટમમાં રજીસ્ટર્ડ નથી. મોટાભાગના નાના અને મધ્યમ સ્તરના વ્યવસાયો ‘લાયસન્સ વિના ચાલે છે તો ચાલે’ એવા વલણ સાથે કાર્ય કરે છે.શહેરમાં હાલ ચેકિંગ માટે જે સિસ્ટમ કાર્યરત છે તેની સ્થિતિ પણ અત્યંત નબળી છે. ૨૫ લાખની વસ્તી ધરાવતા રાજકોટમાં માત્ર પાંચ ફૂડ સેફ્ટી ઓફિસર કાર્યરત છે, જ્યારે વોર્ડોની સંખ્યા 18 છે. આ પાંચ અધિકારીઓને જ સેમ્પલ લેવાં, ચેકિંગ કરવું, કોર્ટ કેસની કાર્યવાહી, લેબોરેટરી સાથેનો સંપર્ક, રિન્યુઅલ અને ડોક્યુમેન્ટેશન જેવી તમામ જવાબદારીઓ સંભાળવી પડે છે. આટલી ઓછી માનવીય સંખ્યા સાથે તમામ વિસ્તારોનું નિયમિત નિરીક્ષણ કરવું લગભગ અશક્ય છે. હકીકતમાં શહેરની જરૂરિયાત પ્રમાણે ઓછામાં ઓછા 18 ફૂડ સેફ્ટી ઓફિસરો હોવા જોઈએ જેથી દરેક વોર્ડમાં સમયસર ચેકિંગ અને દેખરેખ થઈ શકે.ચેકિંગ દરમિયાન જો લાયસન્સ વિનાનો કોઈ ધંધાર્થી મળે, તો તેને ફક્ત સૂચના આપવામાં આવે છે. નોટિસ આપવાની કે કાનૂની કાર્યવાહી કરવાની પ્રથા લગભગ નથી જ. વધુમાં, તે સૂચના પછી તે ધંધાર્થીએ લાયસન્સ મેળવ્યું કે નહીં તેની પુનઃચકાસણી પણ થતી નથી. પરિણામે આ વ્યવસાયો તંત્રને ગંભીરતાથી લેતા નથી અને લાયસન્સ વિના ચાલતા રહે છે. આ ઢીલી નીતિઓ અને અનુપાલનની ખામીઓના કારણે ભેળસેળ પર કાબૂ મેળવવો દુષ્કર બની ગયો છે.રંગીલા રાજકોટમાં સ્વાદની દુકાનો, નાસ્તાવાળા, રેસ્ટોરન્ટ્સ, બેકરી, મીઠાઇની દુકાનો અને ડેરી ઉત્પાદકોની સંખ્યા હજારોમાં છે. પરંતુ માત્ર ૧૧૧૩ લાયસન્સનો આંકડો સ્પષ્ટ કરે છે કે શહેરનો મોટો હિસ્સો ‘નિયમોના છત્રછાયા વિના’ કામગીરી કરે છે. ખાવાપીવાના ધંધામાં ગુણવત્તા, શુદ્ધતા અને ગ્રાહકોની સલામતી સૌથી મહત્વની બાબતો છે, પરંતુ જ્યારે સુધી તમામ ફૂડ બિઝનેસને લાયસન્સની ફરજિયાતતા સાથે કડક રીતે જોડવામાં નહીં આવે, ત્યાં સુધી ભેળસેળના કેસો અટકતા નથી.આ શહેરમાં સ્વચ્છતા અને ગુણવત્તા જાળવવા માટે તંત્રને સક્રિય પગલા લેવા જરૂરી છે. લાયસન્સ વિના ચાલતા તમામ એકમોને ઓળખીને તેઓને નિયમિત કરવાનું, ચેકિંગ વધારવાનું, નોટિસની પ્રક્રિયાને ગતિ આપવાનું અને ફૂડ સેફ્ટી ઓફિસરોની સંખ્યા વધારવાનું સમયોચિત છે. સાથે સાથે, જનતામાં પણ જાગૃતિ લાવવા અને ગ્રાહકોને લાયસન્સ ચેક કરવાની સંસ્કૃતિ વિકસાવવા જરૂરી છે.ટૂંકમાં કહીએ તો, સ્વાદપ્રેમી શહેર રાજકોટને ખરેખર સુરક્ષિત ખાવાનું શહેર બનાવવા માટે ફૂડ લાયસન્સિંગની વ્યવસ્થા મજબૂત કરવી અને અમલવારી વધુ સખત બનાવવી હવે સમયની માંગ છે. Previous Post Next Post