અવિરત વીજ પુરવઠા તેમજ સલામતી માટે PGVCLની તૈયારીઓ પૂર્ણ Aug 12, 2026 રાજકોટ,રેસકોર્સમાં જન્માષ્ટમી લોકમમેળામાં અંડરગ્રાઉન્ડ કેબલિંગ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનારા લોકપ્રિય જન્માષ્ટમી લોકમેળાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મેળામાં આવતા લાખો મુલાકાતીઓ અને વેપારીઓને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન નડે તે માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અત્યારથી જ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.મેળાના મેદાનમાં સલામતીને પ્રાધાન્ય આપતા PGVCL દ્વારા વીજ પુરવઠા માટે અંડરગ્રાઉન્ડ કેબલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં ઠેર-ઠેર વીજ વાયરોના જાળાં ન સર્જાય અને મુલાકાતીઓની અવરજવરમાં કોઈ જોખમ ન રહે તે હેતુથી તમામ વીજ કનેક્શન જમીનની અંદરથી આપવામાં આવ્યા છે. આ આધુનિક પદ્ધતિથી શોર્ટ સર્કિટ કે અન્ય દુર્ઘટનાઓને ટાળી શકાશે અને મેળાનું સૌંદર્ય પણ જળવાઈ રહેશે.ગત વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો, લોકમેળા દરમિયાન વીજ વપરાશ ઘણો ઊંચો રહે છે. અંદાજિત રૂ. 10 લાખ જેટલું વીજ બિલ ગત વર્ષે નોંધાયું હતું, જેને ધ્યાનમાં રાખીને PGVCL દ્વારા આ વર્ષે પણ વીજ પુરવઠામાં કોઈ પણ પ્રકારનો ખલેલ ન પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મેળાના સમગ્ર વિસ્તારમાં અવિરત પાવર સપ્લાય મળી રહે તે માટે વધારાના ટ્રાન્સફોર્મર અને બેકઅપ સિસ્ટમની પણ તૈયારી રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે.મેળા દરમિયાન વીજ પુરવઠાની જાળવણી માટે PGVCLની ખાસ ટેકનિકલ ટીમોને રાઉન્ડ-ધ-ક્લોક તૈનાત રાખવામાં આવશે. કોઈ પણ ઈમરજન્સીના કિસ્સામાં ત્વરિત કાર્યવાહી કરી શકાય તે માટે કર્મચારીઓને મેદાનમાં જ ખડેપગે રહેવા સૂચના આપવામાં આવી છે. મેળાની રોશની અને રાઈડ્સ માટે વપરાતી વીજળીની માંગને પહોંચી વળવા PGVCL સંપૂર્ણપણે સજ્જ હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. રાજકોટના લોકમેળાને વધુ સુરક્ષિત અને ઝગમગતો બનાવવા માટે PGVCL દ્વારા કરાયેલું આગોતરું આયોજન મેળાની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવશે. Previous Post Next Post