રાજકોટમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે પોલીસ સખ્ત: માત્ર 12 આયોજકોને મંજૂરી, શહેરભરમાં કડક ચેકિંગ Dec 30, 2025 રાજકોટ શહેરમાં 31 ડિસેમ્બરની રાત્રે નવા વર્ષના સ્વાગત માટે થતી ઉજવણીને લઈને રાજકોટ શહેર પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ દારૂ, ડ્રગ્સ અને ગેરકાયદેસર પાર્ટીઓ પર અંકુશ રહે તે માટે પોલીસે માત્ર 12 આયોજકોને જ થર્ટી ફર્સ્ટના કાર્યક્રમો યોજવાની મંજૂરી આપી છે. આ સાથે શહેરભરમાં વ્યાપક વાહન ચેકિંગ અને સર્વેલન્સની પણ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે.પોલીસ સૂત્રો મુજબ, 31 ડિસેમ્બરના કાર્યક્રમો માટે અનેક આયોજકો દ્વારા મંજૂરી માગવામાં આવી હતી. પરંતુ સુરક્ષા કારણોસર અને ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને પોલીસે ફક્ત 12 આયોજકોને જ શરતો સાથે મંજૂરી આપી છે. આ આયોજકોને પૂરતી સુરક્ષા વ્યવસ્થા, સીસીટીવી, ફાયર સેફટી અને પાર્કિંગ વ્યવસ્થા રાખવાની સૂચના પણ આપવામાં આવી છે. 80 ટકા પોલીસ સ્ટાફ રસ્તા પર રહેશેથર્ટી ફર્સ્ટની રાત્રે શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનોનો અંદાજે 80 ટકા સ્ટાફ રસ્તા પર તૈનાત રહેશે. શહેરના મુખ્ય ચોક, માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં વ્યાપક વાહન ચેકિંગ હાથ ધરાશે. ખાસ કરીને મોડીરાત સુધી ચેકિંગ ચાલુ રાખવામાં આવશે.પોલીસ દ્વારા બ્રેથ એનાલાઈઝરથી દારૂ પીધેલા વાહનચાલકોની તપાસ કરવામાં આવશે. સાથે સાથે ડ્રગ્સ ડિટેક્શન કીટ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી કરવામાં આવશે. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ફાર્મ હાઉસ અને અવાવરૂ જગ્યાઓ પર ડ્રોનથી નજરરાજકોટ શહેરની આસપાસ આવેલા ફાર્મ હાઉસ, રિસોર્ટ, અવાવરૂ જગ્યાઓ તેમજ ખુલ્લા મેદાનોમાં થતી ગેરકાયદેસર પાર્ટીઓ પર અંકુશ લાવવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. પોલીસ દ્વારા નાઈટ વિઝન ડ્રોન કેમેરાથી સતત નજર રાખવામાં આવશે જેથી કોઈ રેવ પાર્ટી કે દારૂ-ડ્રગ્સનું સેવન થતું હોય તો તરત કાર્યવાહી કરી શકાય.પોલીસે અગાઉથી જ ફાર્મ હાઉસ માલિકો અને સંચાલકોને ચેતવણી આપી છે કે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક પગલાં લેવામાં આવશે. મહિલાઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થાથર્ટી ફર્સ્ટની રાત્રે મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા શી ટીમ અને રોમિયો સ્ક્વોર્ડને ખાનગી ડ્રેસમાં તૈનાત કરવામાં આવ્યા છે. જાહેર સ્થળો, પાર્ટી સ્થળો અને ભીડભાડવાળા વિસ્તારોમાં મહિલા પોલીસ કર્મીઓ પણ હાજર રહેશે.પોલીસે જણાવ્યું છે કે મહિલાઓ સાથે છેડતી, અસભ્ય વર્તન અથવા અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીઓને કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. પોલીસની અપીલ: સુરક્ષિત અને કાયદેસર ઉજવણી કરોરાજકોટ શહેર પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે નવા વર્ષની ઉજવણી આનંદપૂર્વક પરંતુ કાયદાની મર્યાદામાં રહીને કરે. દારૂ-ડ્રગ્સથી દૂર રહે, ટ્રાફિક નિયમોનું પાલન કરે અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ નજરે પડે તો તરત પોલીસને જાણ કરે.પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે શહેરમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે નવા વર્ષનું સ્વાગત થાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કાયદાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. Previous Post Next Post