રાજકોટ–જેતપુર આઈ.ટી.આઈ.ના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળો યોજાયો, યુવાનો માટે AI આધારિત કોર્સ શરૂ કરવાની જાહેરાત

રાજકોટ–જેતપુર આઈ.ટી.આઈ.ના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળો યોજાયો, યુવાનો માટે AI આધારિત કોર્સ શરૂ કરવાની જાહેરાત

ગુજરાતના યુવાનોને મહત્તમ અને ઝડપી રોજગારી મળે તે હેતુ સાથે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત રાજ્ય નિયામકશ્રી, રોજગાર અને તાલીમની કચેરી ગાંધીનગર, મદદનીશ નિયામક (રોજગાર) રાજકોટ તથા આઈ.ટી.આઈ. જેતપુર (વિરપુર) ના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળો–2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

રોજગાર ભરતી મેળાનો શુભારંભ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં યુવાનો, વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 

ITIમાં કોમ્પ્યુટર સાથે AI આધારિત કોર્સ શરૂ થશે

આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ યુવાનોને સમયની માંગ અનુસાર કૌશલ્ય તાલીમ મળી રહે તે માટે હવે આઈ.ટી.આઈ.માં ચાલતા સ્કીલ ડેવલપમેન્ટ કોર્સમાં કોમ્પ્યુટર સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત કોર્સ પણ શરૂ કરવામાં આવશે. આજના ટેક્નોલોજી આધારિત યુગમાં યુવાનોને આધુનિક જ્ઞાન અને કૌશલ્ય આપવું અત્યંત જરૂરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિવિધ કંપનીઓ સાથે એમ.ઓ.યુ. (MoU) કરીને તેમની જરૂરિયાત મુજબ મેનપાવર આઈ.ટી.આઈ.ના વિવિધ કોર્સના ટ્રેનીઓ મારફતે પૂરો પાડવાના પ્રયાસો રોજગાર વિભાગ અને આઈ.ટી.આઈ. દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ હેતુથી આઈ.ટી.આઈ. તેમજ રોજગાર વિભાગનું રાજ્ય સરકાર દ્વારા નવીનીકરણ કરવામાં આવશે.
 

યુવા પેઢી ઝડપથી શીખે છે – મંત્રી

રોજગાર મેળામાં ઉપસ્થિત રહેલી કંપનીઓના પ્રતિનિધિઓને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજની યુવા પેઢી ખૂબ જ ઝડપી રીતે નવી બાબતો શીખવાની ક્ષમતા ધરાવે છે. કંપનીઓએ આવા યુવાનો અને યુવતીઓને યોગ્ય માર્ગદર્શન અને સહકાર આપી તેમની આવશ્યકતા મુજબ કૌશલ્ય વિકસાવવામાં મદદ કરવી જોઈએ.

તેમણે ગ્રામ્ય મહિલાઓને રોજગારી મળી રહે તે માટે મિશન મંગલમ યોજના અંતર્ગત કૌશલ્ય તાલીમ અને લોન સહાય યોજનાનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો, જેથી મહિલાઓ આત્મનિર્ભર બની શકે.
 

સ્થાનિક યુવાનોને રોજગારી આપવા સતત પ્રયાસ – ધારાસભ્ય

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ભરતી મેળાના આયોજન સમયસર કરવામાં આવે છે, જેથી સ્થાનિક ક્ષેત્રે યુવાનોને રોજગારી મળી રહે. તેમણે જેતપુર આઈ.ટી.આઈ. અને રોજગાર વિભાગ દ્વારા કરવામાં આવતી શ્રેષ્ઠ કામગીરી બદલ આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
 

મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા બદલ સન્માન

કાર્યક્રમ દરમિયાન ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી., દીનદયાળ અંત્યોદય યોજના તથા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન (DAY-NRLM) અંતર્ગત ઉર્મિલાબેન રાઠોડ અને વાધેલા દિવ્યાબેનને બેંક સખી અને બી.સી. સખી તરીકે મહિલાઓને આર્થિક રીતે પગભર કરવાની કામગીરીમાં આપેલ મહત્વપૂર્ણ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
 

એક વર્ષમાં 36 રોજગાર મેળા, 4400થી વધુ યુવાનોને રોજગારી

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાની વિવિધ આઈ.ટી.આઈ. દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન 36 જેટલા રોજગાર ભરતી મેળાઓનું આયોજન કરીને અંદાજિત 4400થી વધુ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે, જે રાજ્ય સરકારની રોજગારલક્ષી નીતિની સફળતા દર્શાવે છે.
 

વિશિષ્ટ ઉપસ્થિતિ

આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી શ્રી જસુમતીબેન કોરાટ, રાજકોટ ડેરીના ચેરમેન શ્રી ગોરધનભાઈ ધામેલીયા, આઈ.ટી.આઈ. રાજકોટના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી કંજારીયા, અન્ય આઈ.ટી.આઈ.ના આચાર્યશ્રીઓ, રોજગાર વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ