‘વેલકમ મોદીજી’ માટે રાજકોટ ચમકી ઉઠ્યું: રસ્તા-ફૂટપાથ ચકાચક, સ્પીડ બ્રેકર્સ ગાયબ, આખું શહેર બન્યું ચિત્રનગરી Jan 05, 2026 રાજકોટ શહેરમાં આગામી તારીખ 11થી રિજીયોનલ વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવનાર છે. આ સાથે રોડ શો યોજાય તેવી પણ પ્રબળ શક્યતા છે. એટલું જ નહીં, ભારત ઉપરાંત વિશ્વના 23 દેશોના વિદેશી પ્રતિનિધિઓ પણ આ સમિટમાં ભાગ લેવા રાજકોટ આવી રહ્યા છે. આવા મહત્વના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમને લઈ રાજકોટ શહેરને ‘આહ રાજકોટ, વાહ રાજકોટ’ કહી શકાય તે રીતે ચમકાવવામાં સરકારી તંત્ર રાત-દિવસ એક કર્યું છે.વડાપ્રધાન અને વિદેશી ડેલિગેટ્સની નજરે રાજકોટની કોઈ પણ નકારાત્મક છાપ ન પડે તે માટે એરપોર્ટથી લઈ સમિટના સ્થળ મારવાડી યુનિવર્સિટી સુધીના તમામ માર્ગો અને આસપાસના વિસ્તારોમાં અત્યાર સુધી ક્યારેય ન જોવા મળી હોય તેવી સફાઈ અને રંગરોગાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના મુખ્ય રસ્તાઓ, ફૂટપાથો, ચોક-ચોરાહા અને ઓવરબ્રિજ ચકાચક થઈ ગયા છે. ધૂળ, કચરો, ખાડા અને અસ્તવ્યસ્તતા હવે નજરે પડતી નથી.શહેરના તમામ ઓવરબ્રિજોને સુંદર ચિત્રો, આકર્ષક પેઇન્ટિંગ અને રંગીન લાઇટિંગથી એક પ્રકારની ‘ચિત્રનગરી’માં ફેરવી દેવામાં આવ્યા છે. વડાપ્રધાનના રૂટ પર આવેલા સ્પીડ બ્રેકર્સને પણ દૂર કરી દેવામાં આવ્યા છે જેથી કાફલાને કોઈ અડચણ ન આવે. એટલું જ નહીં, માર્ગ પર આવેલા વૃક્ષોને પણ વિશિષ્ટ ડિઝાઈન અને રંગોથી રંગી શહેરને વધુ આકર્ષક બનાવવામાં આવ્યું છે.આ સાથે વડાપ્રધાનના રૂટ પર આવેલા ખાનગી મકાનો અને દુકાનોને પણ સરકારી ખર્ચે એકસરખા રંગથી રંગી દેવાયા છે. ક્યાંક જૂના અને જર્જરિત મકાનોના દેખાવને છુપાવવા માટે ખાસ કલર સ્કીમ અપનાવવામાં આવી છે, જેથી શહેરનો એકસમાન અને ભવ્ય લુક ઉભો થઈ શકે. વિદેશી મહેમાનો જ્યાં ફરવા નીકળે તેવી સંભાવના છે તે તમામ વિસ્તારોમાં સફાઈ, પેઇન્ટિંગ અને લાઇટિંગ પર ખાસ ધ્યાન અપાયું છે.આ સમગ્ર કામગીરીમાં મહાનગર પાલિકા, માર્ગ અને મકાન વિભાગ, પોલીસ અને અન્ય સરકારી વિભાગોની વિશાળ ટીમો જોડાઈ છે. રાત્રી દરમિયાન પણ મજૂરો, અધિકારીઓ અને કર્મચારીઓ કામ કરતા નજરે પડે છે. જાણે આખું રાજકોટ શહેર અપ્સરાની માફક સાજ-શણગારમાં સજાવાઈ રહ્યું હોય એવો માહોલ સર્જાયો છે.આ દ્રશ્યોને જોતા શહેરના નાગરિકોમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. એક તરફ લોકો ખુશ છે કે શહેર સ્વચ્છ અને સુંદર બની રહ્યું છે, પરંતુ બીજી તરફ નાગરિકો પ્રશ્ન પણ ઉઠાવી રહ્યા છે. ચોમાસા દરમિયાન રાજકોટના મુખ્ય માર્ગોથી લઈને ગલીઓ સુધી રસ્તાઓ ભાંગી ભુક્કા થઈ ગયા હતા. ખાડા, પાણી ભરાવા અને ટ્રાફિક સમસ્યાને લઈ શહેરભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા. અનેક જગ્યાએ નાગરિકોએ મોરચા કાઢ્યા હતા, પરંતુ ત્યારે મહાનગર પાલિકા લાંબા સમય સુધી રસ્તાઓનું રીપેરિંગ કરી શકી નહોતી.હવે જ્યારે વાઈબ્રન્ટ રિજીયોનલ સમિટ અને વડાપ્રધાનના આગમનની જાહેરાત થઈ, ત્યારે કોર્પોરેશન તંત્રએ ગણતરીના દિવસોમાં ચમત્કાર સર્જ્યો હોય તેમ આખા શહેરનો નકશો બદલી નાખ્યો છે. આ દ્રશ્ય જોઈને લોકો કહે છે કે, “ભીંસ પડે અને દાંત હોય તો તંત્ર બધું કરી શકે છે.” સામાન્ય નાગરિકોની દૈનિક સમસ્યાઓ માટે જે કામ વર્ષો સુધી અટકતું હતું, તે VIP મુલાકાતને કારણે તરત પૂર્ણ થઈ રહ્યું છે.તેથી હાલ તો રાજકોટમાં ઉત્સવ જેવો માહોલ છે. રસ્તાઓ ચમકે છે, ફૂટપાથો સ્વચ્છ છે, ઓવરબ્રિજ ચિત્રોથી ઝળહળે છે અને શહેર એક નવી ઓળખ સાથે ઉભરતું જોવા મળે છે. હવે જોવાનું એ રહ્યું કે, વડાપ્રધાન અને વિદેશી ડેલિગેટ્સ રાજકોટની આ બદલાયેલી છબી જોઈને ખરેખર ‘આહ રાજકોટ, વાહ રાજકોટ’ કહી ઉઠશે કે કેમ, અને આ સ્વચ્છતા અને સુંદરતા સમિટ પછી પણ જળવાઈ રહેશે કે નહીં. Previous Post Next Post