માતૃભાષા ગુજરાતીનો ગૌરવ: ‘ભગવદ્‌ગોમંડળ’થી ‘ગુજરાતીલેક્સિકોન’ સુધીનો પ્રેરણાદાયી સફર

માતૃભાષા ગુજરાતીનો ગૌરવ: ‘ભગવદ્‌ગોમંડળ’થી ‘ગુજરાતીલેક્સિકોન’ સુધીનો પ્રેરણાદાયી સફર

21મી ફેબ્રુઆરીએ વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ ઉજવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા આ વર્ષની થીમ “બહુભાષીય અભ્યાસમાં યુવાનોનો અવાજ” નક્કી કરવામાં આવી છે. આ થીમ ભાષાકીય વૈવિધ્યને જાળવી રાખવામાં યુવાનોની ભૂમિકા અને ટેક્નોલોજીના સકારાત્મક ઉપયોગ પર ભાર મૂકે છે. ગુજરાતી જેવી સમૃદ્ધ માતૃભાષાના જતન અને સંવર્ધનમાં ઇતિહાસ અને આધુનિકતા વચ્ચેનું એક અનોખું સેતુ રચાયું છે—‘ભગવદ્‌ગોમંડળ’ અને ‘ગુજરાતીલેક્સિકોન’ના રૂપમાં.

ગુજરાતી ભાષાના આ ગૌરવપ્રદ અધ્યાયની શરૂઆત ગોંડલના દુરંદેશી શાસક મહારાજા ભગવતસિંહજીથી થાય છે. 186૫માં જન્મેલા મહારાજાને યુરોપ પ્રવાસ દરમિયાન શબ્દકોશ રચવાનો વિચાર આવ્યો. ભાષા પ્રત્યેનો તેમનો પ્રેમ અને લગાવ અદ્વિતીય હતો. 191૫થી તેમણે જાતે જ શબ્દસંગ્રહનું કામ શરૂ કર્યું. પ્રચલિત શબ્દો ઉપરાંત, ગામઠી બોલી, લોકબોલી, અપ્રચલિત અને વિસરાતા શબ્દો એકત્રિત કરવા તેઓ તત્પર રહેતા. સાધનસામગ્રી ન હોવા છતાં તેઓ કાગળના ટુકડાં, તારીખિયાં કે દીવાસળીના ખોખાં પર પણ શબ્દો નોંધતા. આ જહેમતથી એકત્રિત થયેલા હજારો શબ્દો આગળ જઈને વિશ્વપ્રસિદ્ધ ગ્રંથ ‘ભગવદ્‌ગોમંડળ’નું સ્વરૂપ ધારણ કરે છે.

‘ભગવદ્‌ગોમંડળ’ માત્ર શબ્દકોશ નથી, પરંતુ એક વિશાળ વિશ્વકોશ સમાન ગ્રંથ છે. 1928માં તેની કોશ-કચેરીની સ્થાપના થઈ અને 1938થી 1954 દરમિયાન તેના નવ ભાગો પ્રકાશિત થયા. અંદાજે 9,270 પાનાંઓમાં 2,81,377 શબ્દો અને લાખો અર્થો, રૂઢિપ્રયોગો અને વિવિધ જ્ઞાનશાખાઓનો સમાવેશ કરવામાં આવ્યો. તે સમયના પાંચ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ મહાગ્રંથ સામાન્ય જનતા સુધી સસ્તી કિંમતે પહોંચાડવાનો મહારાજાનો ઉદાર વિચાર તેમના ભાષાપ્રેમને સાબિત કરે છે. તેમણે કોર્ટ અને કચેરીમાં ગુજરાતી ભાષાનો પ્રચાર કરીને ભાષાને ગૌરવપૂર્ણ સ્થાન અપાવ્યું.

સમય બદલાયો, ટેક્નોલોજી વિકસતી ગઈ અને ભાષાને ડિજિટલ યુગ સાથે જોડવાની જરૂરિયાત ઉભી થઈ. અહીંથી શરૂ થાય છે રતિલાલ ચંદરિયાનું પ્રેરણાદાયી યોગદાન. 1975થી જ તેમણે ડિજિટલ શબ્દકોશ પર કામ શરૂ કર્યું. ગુજરાતી શબ્દસંપત્તિને વિશ્વવ્યાપી બનાવવા માટે તેમણે ‘ભગવદ્‌ગોમંડળ’ સહિતના ગ્રંથોને ડિજિટાઈઝ કરવાનો સંકલ્પ લીધો.

GujaratiLexicon વેબસાઈટ લોન્ચ થતા ગુજરાતી ભાષાને નવી દિશા મળી. આ વિશ્વનો પ્રથમ વિશાળ ડિજિટલ ગુજરાતી શબ્દકોશ હતો, જેને દેશ-વિદેશના ગુજરાતી ભાષાપ્રેમીઓએ હર્ષભેર સ્વીકાર્યો. ‘ભગવદ્‌ગોમંડળ’ અને ‘સાર્થ જોડણીકોશ’ને ડિજિટલ સ્વરૂપ આપીને તેમણે જ્ઞાનના ખજાનાને ઇન્ટરનેટ અને સીડી દ્વારા મફતમાં ઉપલબ્ધ કરાવ્યો. ૮૭ વર્ષની વયે પણ તેમની કાર્યનિષ્ઠા પ્રેરણાદાયી રહી.

ગુજરાતીલેક્સિકોનનો ‘લોકકોશ’ પ્રોજેક્ટ ભાષાના વિકાસમાં યુવાનોને સીધો ભાગીદાર બનાવે છે. ‘ક્રાઉડ-સોર્સ્ડ’ પદ્ધતિ દ્વારા લોકો પોતાના વિસ્તારમાં પ્રચલિત શબ્દો, નવા ટેક્નોલોજીકલ શબ્દપ્રયોગો અને આધુનિક ભાષાશૈલી ઉમેરતા જાય છે. આથી ભાષા જીવંત અને સમયોચિત બની રહે છે. આજના યુગમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા ‘ભગવદ્‌ગોમંડળ’ અને ‘સાર્થ જોડણીકોશ’ સહેલાઈથી દરેકના હાથમાં ઉપલબ્ધ છે.

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ આપણને યાદ અપાવે છે કે ભાષા માત્ર સંવાદનું સાધન નથી, પરંતુ આપણા સંસ્કાર, સંસ્કૃતિ અને ઓળખનો આધાર છે. ‘ભગવદ્‌ગોમંડળ’એ ભાષાનું ભવ્ય ભવન ઊભું કર્યું અને ‘ગુજરાતીલેક્સિકોન’એ તેને ડિજિટલ વિશ્વમાં મજબૂત પાયો આપ્યો. પરંપરા અને ટેક્નોલોજીનું આ સમન્વય ગુજરાતીની ગૌરવગાથા છે.

આજે જરૂર છે કે નવી પેઢી ભાષાને માત્ર બોલે જ નહીં, પરંતુ તેને સમજે, લખે, વાંચે અને ડિજિટલ માધ્યમો દ્વારા વિશ્વભરમાં પ્રસારે. યુવાનોના અવાજ સાથે ગુજરાતી ભાષા વધુ સમૃદ્ધ અને વૈશ્વિક બનશે—એ જ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસનો સાચો સંદેશ છે.

You may also like

રાજકોટ શહેર ભાજપ દ્વારા 'વંદેમાતરમ' થીમ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ

રાજકોટ શહેર ભાજપ દ્વારા 'વંદેમાતરમ' થીમ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ

આરએમસીએ ૧,૫૪૮ બાંધકામોને નોટિસ ફટકારી પણ ડિમોલિશન ન કર્યું

આરએમસીએ ૧,૫૪૮ બાંધકામોને નોટિસ ફટકારી પણ ડિમોલિશન ન કર્યું

રાજકોટના સર્વેશ્વર ચોકમાં રજવાડી થીમ સાથે ગણપતિ મહોત્સવનો પ્રારંભ

રાજકોટના સર્વેશ્વર ચોકમાં રજવાડી થીમ સાથે ગણપતિ મહોત્સવનો પ્રારંભ

એફ.બી. પર મિત્રતા કરી યુવતીને બ્લેકમેઇલ કરનારો શખ્સ જયપુરથી ઝડપાયો

એફ.બી. પર મિત્રતા કરી યુવતીને બ્લેકમેઇલ કરનારો શખ્સ જયપુરથી ઝડપાયો