‘AQI અને ફેફસાની બીમારીઓ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી’ – રાજ્યસભામાં પર્યાવરણ રાજ્ય મંત્રીનો સ્પષ્ટ જવાબ Dec 19, 2025 દેશમાં વધતા વાયુ પ્રદૂષણ અને તેના આરોગ્ય પર પડતા પ્રભાવને લઈને સંસદમાં ફરી એકવાર મહત્વની ચર્ચા થઈ છે. રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે, હાઈ AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) અને ફેફસાંની ગંભીર બીમારીઓ વચ્ચે સીધો અને નિશ્ચિત સંબંધ સાબિત કરે તેવો કોઈ મજબૂત વૈજ્ઞાનિક પુરાવો હાલ ઉપલબ્ધ નથી. જોકે, સરકારે એ પણ સ્વીકાર્યું છે કે વાયુ પ્રદૂષણ શ્વાસ સંબંધિત રોગોને વઘારનાર મહત્વનું કારણ બની શકે છે.આ માહિતી ગુરુવારે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ દ્વારા ભાજપના રાજ્યસભા સાંસદ લક્ષ્મીકાંત વાજપેયીના પ્રશ્નના લેખિત જવાબમાં આપવામાં આવી હતી. ભાજપ સાંસદે શું પૂછ્યું?લક્ષ્મીકાંત વાજપેયીએ સરકારનું ધ્યાન દિલ્હી-એનસીઆરમાં સતત ઊંચા AQI સ્તર તરફ દોર્યું હતું. તેમણે પૂછ્યું હતું કે, શું સરકારને એવી રિસર્ચ અને મેડિકલ તપાસની જાણકારી છે, જેમાં સામે આવ્યું હોય કે લાંબા સમય સુધી જોખમી AQIના સંપર્કમાં રહેવાને કારણે લોકોમાં લંગ ફાઇબ્રોસિસ જેવી ગંભીર બીમારીઓ વિકસી રહી છે, જેના કારણે ફેફસાંની કાર્યક્ષમતા કાયમી રીતે ઘટી જાય છે.તેમણે વધુમાં પ્રશ્ન કર્યો હતો કે, શું દિલ્હી-એનસીઆરના રહેવાસીઓમાં ફેફસાંની ઇલાસ્ટિસિટી (લચીલાશ) સારા AQI ધરાવતા શહેરોમાં રહેતા લોકોની સરખામણીમાં લગભગ 50 ટકા સુધી ઘટી ગઈ છે? સાથે જ તેમણે સરકારને પૂછ્યું કે, લાખો નાગરિકોને COPD, એમ્ફાઇસીમા, પલ્મોનરી ફાઇબ્રોસિસ અને ફેફસાંની ક્ષમતામાં ઘટાડા જેવી બીમારીઓથી બચાવવા માટે સરકાર પાસે કોઈ ચોક્કસ યોજના છે કે નહીં. પર્યાવરણ રાજ્ય મંત્રીનો જવાબપર્યાવરણ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે જવાબ આપતાં જણાવ્યું કે, હાલ ઉપલબ્ધ વૈજ્ઞાનિક અને મેડિકલ ડેટાના આધારે હાઈ AQI અને ફેફસાંની ચોક્કસ બીમારીઓ વચ્ચે સીધો કારણ-કાર્ય સંબંધ સાબિત કરતો કોઈ નિશ્ચિત પુરાવો નથી. પરંતુ તેમણે એ પણ ઉમેર્યું કે, વાયુ પ્રદૂષણ શ્વાસ સંબંધિત રોગોને વધુ ગંભીર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.મંત્રીએ જણાવ્યું કે, સરકાર વાયુ પ્રદૂષણના આરોગ્ય પર પડતા પ્રભાવને લઈને સંપૂર્ણપણે સતર્ક છે અને આ દિશામાં અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંમંત્રીના જણાવ્યા અનુસાર, વાયુ પ્રદૂષણને લઈને વિવિધ સંવેદનશીલ સમૂહો માટે વિશેષ પ્રશિક્ષણ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં પ્રોગ્રામ મેનેજર, મેડિકલ અધિકારીઓ, નર્સ, નોડલ અધિકારીઓ, સેન્ટિનલ સાઇટ્સ પર કામ કરતા કર્મચારીઓ, આશા વર્કર્સ, મહિલાઓ, બાળકો, ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાના કર્મચારીઓનો સમાવેશ થાય છે, જે રોજિંદા જીવનમાં વધુ પ્રદૂષણના સંપર્કમાં રહે છે.આ ઉપરાંત, વાયુ પ્રદૂષણ સાથે જોડાયેલી બીમારીઓ અંગે સૂચના, શિક્ષણ અને સંચાર (IEC) માટેની સામગ્રી અંગ્રેજી, હિન્દી અને વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં વિકસિત કરવામાં આવી છે, જેથી વધુમાં વધુ લોકો સુધી જાગૃતિ પહોંચાડી શકાય. રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ કામગીરીમંત્રીએ વધુમાં જણાવ્યું કે, નેશનલ પ્રોગ્રામ ઑન ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ હેઠળ પણ વિવિધ સંવેદનશીલ સમૂહો માટે ખાસ IEC સામગ્રી તૈયાર કરવામાં આવી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય જળવાયુ પરિવર્તન અને પ્રદૂષણથી થતી આરોગ્ય સમસ્યાઓ અંગે જનજાગૃતિ વધારવાનો છે.રાજ્યસભામાં આપવામાં આવેલા આ જવાબે એક તરફ સરકારની સાવચેત ભૂમિકા દર્શાવી છે, તો બીજી તરફ પ્રદૂષણ અને આરોગ્ય વચ્ચેના સંબંધને લઈને વધુ વૈજ્ઞાનિક સંશોધનની જરૂરિયાત પણ ઉજાગર કરી છે. ભલે હાઈ AQI અને ફેફસાંની બીમારીઓ વચ્ચે સીધો સંબંધ સાબિત ન થયો હોય, પરંતુ પ્રદૂષણ આરોગ્ય માટે ગંભીર જોખમ છે એ વાતને સરકાર પણ નકારી નથી.દિલ્હી-એનસીઆર સહિત દેશના અનેક શહેરોમાં વધતું વાયુ પ્રદૂષણ આવનારા સમયમાં આરોગ્ય માટે મોટો પડકાર બની શકે છે, તેથી નિવારક પગલાં, જાગૃતિ અને સમયસર નીતિ અમલ અત્યંત જરૂરી બની ગયા છે. Previous Post Next Post